જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
પ્રફુલ્લ રાવલ
૨૦૦૮

જીવનધર્મી
 
સાહિત્યકાર
 
જયભિખ્ખુ
 
પ્રફુલ્લ રાવલ
 
જીવનધર્મી

સાહિત્યકાર જયભિખ્ખુ


પ્રફુલ્લ રાવલ

શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી,
જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

Jivandharmi Sahityakar Jaibhikhkhu
by Prafull Raval


© સર્વ હક્ક પ્રકાશકના


પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી, ૨૦૦૮


કિંમત રૂ. ૩૦


પ્રકાશક :

કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી)
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭


પ્રાપ્તિસ્થાન

ગૂર્જર એજન્સીઝ
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ - ૩૮૦ ૦૦૧
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રમેશપાર્ક સોસાયટી, બંધુસમાજ સોસાયટી સામે,
વિશ્વકોશમાર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩


મુદ્રક :'

ચંદ્રિકા પ્રિન્ટરી
મિરઝાપુર રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧

જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની
પ્રવૃત્તિઓ માટે અથાગ પરિશ્રમ કરનાર
અને અનેકવિધ મહત્ત્વનાં આયોજનો કરનાર
પરમ સ્નેહી

શ્રી પન્નાલાલ આર. શાહ
અને
શ્રીમતી ભારતીબહેન પી. શાહને
સાદર સમર્પિત

અર્પણ

પ્રકાશકીય

જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ નામનું ચરિત્ર પ્રગટ થઈ રહ્યું છે. એમણે આ પુસ્તકમાં જયભિખ્ખુના જીવનચરિત્રને ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે, એમના જેવા જાણીતા ચરિત્ર-લેખકનો આ કાર્યમાં સહયોગ મળ્યો છે, તે અમારે માટે આનંદની વાત છે.

જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે જયભિખ્ખુનાં જીવન અને કવનને લગતા ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. આ પૂર્વે પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો અભ્યાસપૂર્ણ ગ્રંથ “જયભિખ્ખુ: વ્યક્તિત્વ અને વાઙ્‌મય' પ્રકાશિત થઈ ચૂક્યો છે. હવે પછી થોડા સમય બાદ 'જયભિખ્ખું અધ્યયનગ્રંથ' પણ પ્રકાશિત થશે. જેમાં વિવેચકો અને અભ્યાસીઓના 'જયભિખ્ખુ'ના સાહિત્ય વિશેના લેખો પ્રગટ થશે. 'જયભિખ્ખુએ લખેલું નાટક 'પતિતપાવન'ના મંચન માટે તેમજ તેમની નવલકથા 'પ્રેમભક્ત કવિ જયદેવ' પર આધારિત એક દીર્ઘ નાટકનું મંચન કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. વળી ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ(સાયલા)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાહિત્યસત્રમાં જયભિખ્ખુ વિશે એક બેઠક યોજવામાં આવી હતી તેમજ એ સમયે સભાગૃહનું 'જયભિખ્ખુ સભાગૃહ' નામાભિધાન કરવામાં આવ્યું હતું. જયભિખ્ખુના વતન એવા સાયલામાં એમના નિવાસસ્થાનની નજીકના માર્ગને 'જયભિખ્ખુ માર્ગ' નામ આપવામાં આવ્યું. બાલસાહિત્ય અકાદમી દ્વારા એનું આઠમું અધિવેશન 'જયભિખ્ખુ સ્મારક અધિવેશન'ને નામે યોજાયું અને એમાં જુદા જુદા વક્તાઓએ વક્તવ્ય આપ્યાં. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પૂનામાં યોજેલા જ્ઞાનસત્રમાં એક બેઠક જયભિખ્ખુ અને એમના વડીલબંધુ શ્રી રતિલાલ દેસાઈના જીવન અને સાહિત્યને અનુલક્ષીને યોજી છે.

જયભિખ્ખુના સાહિત્યનું પ્રકાશન, જુદાં જુદાં શહેરો અને ગામડાંઓમાં જયભિખ્ખુ-વ્યાખ્યાનનું આયોજન, જન્મશતાબ્દી નિમિત્તે સાહિત્યિક, સાંસ્કૃતિક અને જીવનલક્ષી પરિસંવાદ તથા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વક્તૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ગ્રંથના લેખક શ્રી પ્રફુલ્લ રાવલનો આભાર માને છે.

૧૧-૨-૨૦૦૮
- ટ્રસ્ટી મંડળ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
 
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે ?'

મૃત્યુ પૂર્વે રોજનીશીમાં નિખાલસભાવે આવું લખનાર હતા બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ, જે સાહિત્યજગતમાં 'જયભિખ્ખું' નામે ઓળખાય છે. એમનું નામ ઓગળી ગયું અને સાહિત્યસમાજમાં ઉપનામ વ્યાપી ગયું. એમણે લગભગ ચાર દાયકા સુધી લેખન કરીને, શબ્દની નિજ-અભિપ્રેત આરાધના કરી. કહોને, શબ્દના સહારે, શબ્દના સાંનિધ્ય જીવનને વૃત્તબદ્ધ કરીને પ્રવૃત્ત રહ્યા – આજીવન. નિવૃત્ત થવાનું કદી ન વિચાર્યું. કર્મને ઈશ્વરદત્ત પ્રસાદ માનીને જીવ્યા. કશાય ધ્યેય વગર, ઉદ્દેશ વગર લખવું એમની તાસીર નહોતી. નિજાનંદ ખરો પણ લેખન જીવનનો આધાર બનતાં એમાં સમાજ સામાજિકતાને જોડવાનું બન્યું. આથી લેખનમાં સમાજ લક્ષિતા ભળી અને એ સંદર્ભે કશીક નિસબતથી શબ્દ સાથે કામ પાડ્યું. વિદ્વત્તાના ભાર તળે નહીં પણ લોક-સમાજને રુચે, જચે અને સત્કર્મમાં પ્રેરે એવું લખ્યું. એથી તો જનસામાન્યમાં પ્રીતિપાત્ર બન્યા. લોકપ્રિયતા પણ એટલી જ પ્રાપ્ત થઈ. એમણે એમની નિસબતથી પણ રસવાહી લખાણ કર્યું.

જીવનધર્મી જયભિખ્ખુ મૂળે માણસ ડાયરાના પણ ડાયરો સુજ્ઞજનોનો – શબ્દના આરાધકોનો. એટલે ત્યાં સમાજ સંદર્ભે શબ્દની વાતો મંડાતી અને રચાયું હતું સાહિત્યકારોનું વર્તુળ. એમ એમની જીવનયાત્રા ગતિશીલ બની અને અનુભવગઠરી બંધાતી ગઈ. ઘડાતું ગયું વ્યક્તિત્વ – સામાજિક ને સાહિત્યિક પામ્યા તે વળી ત્યાં જ વહેંચ્યું. સંબંધોની સુવાસથી સમૃદ્ધ બન્યા. સ્થળ હતું શારદા મુદ્રણાલય. એ ત્યારે પાનકોરનાકે આવેલું હતું. જયભિખ્ખના સ્વભાવની પરગજુતા અને નિર્મળતાએ એ વર્તુળનો વ્યાસ મોટો થતો રહ્યો હતો. માણસ જ આનંદ-પ્રમોદના. જીવનના કપરા સંજોગો વચ્ચે પણ ચહેરા પરની પ્રસન્નતાને પલાયન ન થવા દે. પુરુષાર્થને પરમધર્મ માનીને જીવ્યા. 'હૈયાદીપ'ને સ્વયં પ્રગટાવ્યો અને પ્રવૃત્તિમાં જીવનરસ પામવાનો પ્રયત્ન કર્યો. એવા બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખનું જીવનકાર્ય – શબ્દકાર્ય એમની વિદાય પછી પણ જલદી વિસ્મૃત થાય તેવું નથી. આ વર્ષ એમની જન્મશતાબ્દીનું વર્ષ છે.

જયભિખ્ખની બાળપણની છવિ જોતાં એમની આંખમાં રહેલી જિજ્ઞાસા, એમના જીવનનું મધ્યબિંદુ બનીને વિસ્તરી એ એમની જીવનગાથા. અપાર જિજ્ઞાસાએ મનથી સમૃદ્ધ, કલમને જીવનનો આધાર બનાવનાર જયભિખનો પહેરવેશ હતો જાડું ધોતિયું અને ખમીસ. આ 'ખમીસનો' ઉચ્ચાર એ 'કમીઝ' કરતા. ક્યારેક ઉપર ખાદીનો કોટ હોય કે બંડી હોય. માથે ધોળી ટોપી અને આંખ પર જાડાં ચશ્માં. શામળા ચહેરા પર સદાય પ્રસન્નતા તરતી રહેતી. વાણીમાં ઠાવકાઈ ને વ્યવહારમાં શુચિતા એમના વ્યક્તિત્વનો નિખાર હતો. આંખમાં અનેક સ્વપ્નોનો વાસ હતો તો માનવ પ્રત્યે અપાર અનુકંપા હતી. કશુંક કરવું એ એમની જીવનધખના હતી. જીવનમાં મંગલ શોધવાની વૃત્તિ અને મંગલને વધાવવાની પ્રવૃત્તિમાં અગ્રેસર એવા બાલાભાઈનો જન્મ થયો હતો વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વદ તેરસ ને શુક્રવાર, ૨૬ જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વીંછિયામાં. સમય હતો સવારના સાત વાગ્યાનો. એમના પિતાનું નામ વીરચંદભાઈ હીમચંદ દેસાઈ હતું અને માતાનું નામ પાર્વતીબહેન.

વીરચંદભાઈનો જન્મ ધ્રાંગધ્રાના જેગડવા ગામે વિક્રમ સંવત ૧૯૪૪માં થયો હતો. હિમચંદનાં ચાર સંતાનો પૈકી વિરચંદ બીજા ક્રમે. વતન સાયલા.જયભિખુનું જન્મસ્થળ -- વીંછીયા
 
વીંછીયાની પ્રાથમિક શાળા

હીમચંદને રૂનો ધીકતો ધંધો હતો અને જાહોજલાલી પણ પૂરતી, પરંતુ રૂના સટ્ટામાં ખોટ જતાં આર્થિક પરિસ્થિતિ બગડી. આથી વીરચંદભાઈ ન તો પૂરું ભણી શક્યા કે ન તો જાહોજલાલીનો ઉપભોગ કરી શક્યા. પિતાનું મૃત્યુ થતાં માંડ સાત ચોપડી ભણીને આજીવિકા અર્થે સાયલાથી ખાસ્સા દૂર વિજાપુર તાલુકાના વરસોડા ગામે જવાનું બન્યું. વરસોડાના દરબારને ત્યાં રૂપિયા પંદરની નોકરીએ રહ્યા ત્યારે ઉંમર હતી માત્ર તેવીસ વર્ષની અને કુટુંબની સંપૂર્ણ જવાબદારી એમના શિરે હતી. પણ માણસ પાકા કોઠાસૂઝના. અનુભવે ઘણું શીખ્યા. સતત રાજ્યના કામમાં પ્રવૃત્ત વીરચંદભાઈએ અનુભવે કાયદાનું જ્ઞાન સંપાદન કર્યું અને કાળક્રમે વરસોડા રાજ્યનું કારભારીપદ પામ્યા. પૂર્ણ નિષ્ઠાથી રાજ્યનો કારભાર કર્યો. જીવનનાં પાછલાં વર્ષોમાં નાના ભાયાતોના કારભારી તરીકે કાર્યરત રહીને આજીવન કર્મમય રહ્યા. વાણિયાનો દીકરો ધીમે ધીમે સ્થિર થતો ગયો. ગયેલી સમૃદ્ધિ પાછી આણી. જીવનની સ્થિરતા પાછી મેળવવામાં કાર્યરત વીરચંદભાઈનાં પત્ની પાર્વતીબહેન- બાલાભાઈનાં માતાનું અચાનક અવસાન થયું. બાલાભાઈને ઘરમાં ભીખો કહેતા. ચાર વર્ષના ભીખાને મૂકીને પાર્વતીબહેને ચિરવિદાય લીધી એટલે એમનો ઉછેર મોસાળમાં થયો. વીરચંદભાઈએ પુનર્લગ્ન કર્યું. બીજી પત્નીનું નામ ચંપાબહેન. બાલાભાઈથી મોટાં બહેન તે હીરાબહેન (શકરીબહેન). પછી ઓરમાયાં ચાર ભાઈ અને બે બહેન. બાલાભાઈનું બાળપણ વીત્યું મોસાળમાં. એટલે પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને વરસોડામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટ્યૂટોરિયલ હાઇસ્કૂલમાં લીધું. પણ ઉચ્ચશિક્ષણ લેવાનું ન બન્યું. પિતાએ અર્થમાં સધ્ધરતા પ્રાપ્ત કરી. પરંતુ બાલાભાઈનો રાહ અલગ હતો. એ તો સ્વનિર્ભર રહેવાના ખ્યાલમાં હતા. અલબત્ત પિતાના ધાર્મિક સંસ્કાર જરૂર અંકે કર્યા હતા. ભૌતિક વારસામાં એમને રસ નહોતો. વીરચંદભાઈના નાના ભાઈ દીપચંદ તો પરમ ધાર્મિક હતા. ઓળખાતા પણ દીપચંદ ભગત તરીકે. એમનાં પત્નીના નિધન બાદ એ સાંસારિક જીવનમાંથી વિરક્ત થયેલા અને જૈન ધર્મની દીક્ષા લીધેલી. એમના પુત્ર રતિલાલ પણ એટલા જ ધર્મપ્રેમી હતા. એમણે જૈન સાહિત્યનો ઊંડો અભ્યાસ કરેલો. એમણે જૈન મુનિ અને જૈન ધર્મ મહાનુભાવોનાં લઘુચરિત્રો, જૈન તીર્થો તેમજ જૈન ધર્મ સંદર્ભે પુસ્તકો લખ્યાં છે. એમણે 'જૈન સત્યપ્રકાશ' સામયિકના તંત્રીની જવાબદારી પણ નિભાવી હતી. એ બાલાભાઈ કરતાં ઉમરમાં એક વર્ષ મોટા હતા. ઉભય વચ્ચે અપાર સ્નેહ હતો. ઉભય અન્યોન્યના ચાહક-પ્રેરક હતા. એમણે જયભિખ્ખુની વાર્તાઓનું 'તિલકમણિ' નામે સંપાદન કર્યું છે.

બાલાભાઈને પારંપરિક ઉચ્ચશિક્ષણ અર્થાત્ કૉલેજનું શિક્ષણ લેવાનું ન બન્યું તેનું કારણ ધર્મશિક્ષણ પ્રતિની ગતિ હતી. દીપચંદભાઈના સ્વકીય જૈન ધર્મ પરત્વેના લગાવને લીધે કુટુંબનો ધર્મ-અનુરાગ વિશેષ પાંગર્યો હતો એટલે ધાર્મિક શિક્ષણ લેવા તરફ વૃત્તિ વિશેષ પ્રબળ બની હતી, ત્યારે મુંબઈમાં વિલેપાર્લે ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરીને જૈન ધર્મનું શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો હતો. બાલાભાઈએ ત્યાં પ્રવેશ લીધો. ભણવાનું હતું ધર્મશિક્ષણ. બાલાભાઈનો ઉત્સાહ પણ અપૂર્વ હતો. પછી સંજોગાધીન વિલેપાર્લેની સંસ્થાને સ્થળાંતર કરવાનું બન્યું. પહેલાં સંસ્થા ધાર્મિક નગરી કાશીમાં ફેરવાઈ. ત્યાંથી આગ્રા અને છેલ્લે ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ સ્થિર થયું હતું. શિવપુરીનું પ્રાકૃતિક વાતાવરણ રમ્ય હતું. આ વાતાવરણ બાલાભાઈને પલ્લવિત


યુવાન વયે


કરી ગયેલું. યૌવનકાળે જોયેલું–માણેલું એ વાતાવરણ જાણે એમની જીવનમૂડી બની ગયું ! બાલાભાઈએ ત્યાં નવ વર્ષ અભ્યાસ કર્યો. ત્યાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષા-સાહિત્યનું ઊંડું અધ્યયન કરવાની તક મળી, તો વળી જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કરીને તપઃપૂત થયા. સંસ્થાનો મૂળ આશય પણ એ જ હતો. એ સાથે એમણે ઇતિહાસનું વિપુલ વાચન કર્યું અને ધર્મ સાથે સંકળાયેલ ઇતિહાસગાથાને પામવાનો પ્રયત્ન કર્યો. શ્રી સ્થૂલિભદ્રનો એમણે કરેલો ઊંડો અભ્યાસ પાછળથી 'કામવિજેતા’ નવલકથા લખવામાં ખપ લાગ્યો હતો. અલબત્ત, એમાં ધર્મપ્રચારની વૃત્તિ નહોતી. પંડિત સુખલાલજીએ આ કૃતિના સંદર્ભે જ એમને 'પંથમુક્ત' કહ્યા હતા. જયભિખ્ખુએ એમની મુક્તતા સ્પષ્ટ કરતાં લખ્યું છે – 'સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે. એને દરેક વ્યક્તિને પોતાનાં નિયત નંબરના ચશ્માંથી જ નિહાળવાની હોય છે. એને માપવા માટે એને પોતાનો જ નિશ્ચિત ગજ વાપરવાનો હોય છે. જો પોતાના ક્ષેત્રને યોગ્ય જ એનો વિસ્તાર સાધવાનો હોય છે. જ્યારે ધર્મમુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જળની જેમ સમન્વયકારી છે.' આ 'સમન્વયકારી' વૃત્તિ એ એમનું જીવનવિત્ત છે. માટે જ એ વ્યાપક રીતે સ્વીકૃતિ પામેલા સાહિત્યકાર છે. એમની મૂલ્યનિષ્ઠા એમની સાહિત્યકાર તરીકેની અમૂલી મૂડી છે. છતાંય 'વિક્રમાદિત્ય હેમુ'માં ક્યાંક જૈન ધર્મને ઉજાગર કરવાનો ઝોક વર્તાય છે, પરંતુ તે તો આંશિક રૂપે જ. ધર્મને એ સમાજથી વિભક્ત માનતા નથી. એમની દૃષ્ટિએ 'જે પ્રજાનો ધર્મ હણાયો એના દેશ અને સમાજ હણાયેલા જ સમજવા.'

અભ્યાસના અંતે કોલકાતા સંસ્કૃત એસોસિએશન દ્વારા લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ન્યાયતીર્થની ઉપાધિ પ્રાપ્ત કરી. તો શિવપુરી ગુરુકુળની 'તર્કભૂષણ' પદવી પણ મેળવી. એ વખતે જ સંસ્કૃત કાવ્યો-નાટકોનો અભ્યાસ કરવાનો અવકાશ મળ્યો હતો. ગુરુકુળમાં વિદ્યાનું અપૂર્વ વાતાવરણ હતું. સંસ્થાની સુવાસ વિદેશમાં વ્યાપ્ત હતી. એટલે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજવા અનેક યુરોપીય વિદ્વાનો ત્યાં આવતા. બાલાભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે ડૉ. ક્રાઉઝે નામનાં જર્મન સન્નારી જૈન ધર્મના અધ્યયન અર્થે ગુરુકુળમાં દીર્ઘકાળ લગી રહ્યાં હતાં. એ વિદ્યાપ્રિય સન્નારીએ બાલાભાઈ સાથેના સંબંધે પાછળથી વીંછિયાની મુલાકાત પણ લીધી હતી. જૈન ધર્મપ્રેમી વિદેશીઓના સંપર્ક બાલાભાઈ અંગ્રેજી ભાષા-સાહિત્યથી અવગત થયા હતા અને એમની જિજ્ઞાસાવૃત્તિએ વિદેશી સાહિત્યનો અભ્યાસ પણ થયો હતો. એથી એ વિશેષ કોળતા ગયા.

શિવપુરી ગુરુકુળના સ્થાપક મુનિશ્રી વિજયધર્મસૂરિનો મૂળ ઉદ્દેશ જૈન ધર્મના તત્ત્વજ્ઞાન-દર્શનના વ્યાપક પ્રચાર-પ્રસારનો હતો. આ કાર્ય માટે ત્યાં અભ્યાસ કરવા આવનારમાંથી યોગ્ય વિદ્યાર્થીની પસંદગી થતી અને સંસ્થા દ્વારા વિદેશ મોકલવાનો પ્રબંધ થતો હતો. એમાં બાલાભાઈની પસંદગી થઈ હતી, પરંતુ કોઈક અંતરાય આવતાં એ શક્ય ન બન્યું. સીધો ધર્મપ્રચાર કરવાની તક ન મળી પણ લેખન દ્વારા એ કાર્ય પરોક્ષ રીતે અવશ્ય કર્યું. કાળક્રમે એમનું માનસ સંકુચિત ધર્મસંપ્રદાયથી વિશાળ ધર્મભાવના તરફ વળ્યું હતું એ એમના કથાસાહિત્યના વાચને સમજાય છે.

કોલકાતા પરીક્ષા આપવા ગયેલા બાલાભાઈના મનમાં અનેક વિચારોનું ઘમસાણ ચાલતું હતું. એ પોતાના જીવનની દિશાની શોધમાં હતા. ભણ્યા પછીનો જીવનપથ પકડવાની મથામણ બાલાભાઈનું જીવનચિંતન હતું. આ મથામણના અંતે બાલાભાઈએ જે પથ પકડયો તેને તે ઘડીએ કોણ शिवाश्च पन्थाःની શુભેચ્છા પાઠવે ! બાલાભાઈએ જાત સાથે સંવાદ કરીને, દીર્ઘ મંથનના અંતે જીવનદિશા નક્કી કરી તે – આજીવન નોકરી ન કરવી, પૈતૃક સંપત્તિનો સ્વીકાર ન કરવો અને પુત્રને વારસામાં સંપત્તિ આપવાની નહીં, કલમના સહારે જિંદગી પસાર કરવી. આ નિર્ણયો પાછળ વીર નર્મદ ને


શ્રી કલ્યાણચંદ્ર બાપા સાથે

ગોવર્ધનરામની મનોભાવનાનું બળ હતું. તો આપત્તિઓએ કડક પરીક્ષકનું કામ કર્યું હતું. ઓછા નહોતા ભૂંજાયા. પૈતૃક સંપત્તિના અસ્વીકારના પણને સાર્થક કરવા એમણે સખત પરિશ્રમ કર્યો હતો. સતત પ્રવૃત્તિમાં જીવન વિતાવ્યું હતું અને ‘વિક્રમાદિત્ય હેમુ'માં એમણે શેરશાહના સંદર્ભે “રેતીના રણમાં જેમ લીલોતરી ઊગે એમ એ ઊગ્યો છે ને આગળ આવ્યાં છે એવું જે નોંધ્યું છે તે જાણે એમનું જ આત્મકથ્ય હતું!વળી એમણે સ્વયં લખ્યું છે છે – “ઊખર જમીનમાં જે વૃક્ષ વાવ્યું શ્રી કલ્યાણચંદ્ર બાપા સાથે તેને ઉછેરતાં કાળી કસોટી થઈ, પણ અંતે તેના પર રંગબેરંગી ફૂલ આવ્યાં, એની રૂપસુગંધથી મન મહેંકી રહ્યું ને લાંબે ગાળે સુસ્વાદુ ફળ પણ બેઠાં.” એમની ધીરમતિ અને કર્મગતિ સાથે આત્મઘુતિએ એ જીવનકેડી કંડારી શક્યા. એમનું જીવનકૌવત બરાબર ખીલ્યું–ખૂલ્યું અને જીવનનાવ તરતી રહી. એ તો ઠીક ઠીક સમય પસાર થયા બાદ. પહેલાં તો ખારસી તાપણીમાંથી પસાર થવું પડયું હતું, પણ ઝઝૂમ્યા. શિવપુરીના ગુરુકુળમાં ભણવા ગયા તે પૂર્વે બાલાભાઈમાં કદી તૃપ્ત ન થનાર કથાવાર્તાના વાંચનની રુચિનો ઉદય થઈ ચૂક્યો હતો. એમના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈએ નોંધ્યું છે– “કથા-વાર્તાઓ વાંચવાનો શ્રી જયભિખ્ખને બાળપણથી જ ભારે રસ. અભ્યાસનું પુસ્તક વાંચવું ભલે પડ્યું રહે, પણ વાર્તાની કોઈ નવી ચોપડી હાથ પડી કે એને પૂરી કર્યે જ છૂટકો. દર્શનશાસ્ત્રનો માથાફોડિયો અભ્યાસ ચાલતો હોય કે ન્યાયતીર્થની પરીક્ષાની તૈયારી કરવાની હોય, પણ એમનો આ રસ કદી ઓછો ન થાય – ગમે ત્યાંથી સમય “ચોરીને આ રસનું પાન કરે ત્યારે જ એમને તૃપ્તિ થાય.' બાલાભાઈ માત્ર વાંચીને સંતોષ માનતા નહોતા, પરંતુ વાંચેલું ક્યારેક નોંધી લેતા હતા. એમની અનેક નોંધો જળવાઈ હતી. યથાસમયે સંદર્ભમાં એનો ઉપયોગ કરતા હતા. કથાવાર્તાના આ રસે જ પાછળથી એમને કથાસાહિત્યના સર્જનમાં પ્રવૃત્ત કર્યા અને આજીવિકાનું માધ્યમ હાથ લાગ્યું. વળી કથા દ્વારા એમણે પોતાની વિચારધારાને ગૂંથીને રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, સમાજ, રાજકારણ, નારીગરિમા ઇત્યાદિ વિષયોને આમેજ કર્યા. “સરસ્વતીચંદ્ર'નો પ્રભાવ એમના માનસ પર આજીવન રહેલો. સાહિત્યસેવનના એમના પ્રેરક એ ગોવર્ધનરામ ત્રિપાઠીને માનતા હતા.

શ્રી ધીરુભાઈ ઠાકર સાથે

જૈન ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સાહિત્યમાં પદ સંચાર કર્યો તે જીવનચરિત્રના લેખનથી. ઈ. સ. ૧૯૨૯માં ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર લખીને એમણે ગુરુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો. એ સુયોગ્ય તર્પણ હતું. આ ચરિત્ર એમણે ‘ભિક્ષુ સાયલાકર' એ ઉપનામે લખ્યું હતું. એમના બાળપણના ભીખુ નામનું સંસ્કૃત કરીને, સાથે વતન સાયલાને જોડીને એ ઉપનામ બનાવ્યું હતું. પછી પૂર્વપદ ભિક્ષુને સ્થાને શ્રી ધીરુભાઈ ઠાકર સાથે ‘ભિખ્ખુ' કરીને એને ઉત્તરપદ બનાવ્યું અને સહધર્મચારિણી જયાબહેનના નામમાંના ‘જયને લઈને બન્યા ‘જયભિખ્ખુ'. ડૉ. ધીરુભાઈ ઠાકરને એ તખલ્લુસ 'દામ્પત્યના અદ્વૈતનું પ્રતીક' લાગ્યું છે અને આ તખલ્લુસને સાર્થ ગણાવતા જ્યોતીન્દ્ર હ. દવેએ હળવી શૈલીમાં કહ્યું છે – 'અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામમાં 'બાળા’ અને ‘ભાઈ' જેવો સમન્વય સધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે.” ભિખ્ખુ શબ્દમાં વીતરાગનો ભાવ તો છે જ. એથી સમાજ દીધું સમાજને પરત કરવું એ એમની મનોભાવના રહી છે.

જીવનચરિત્રથી લેખનનો પ્રારંભ કરનાર જયભિખ્ખુએ પાછળથી વીસેક ચરિત્રો લખીને ચરિત્રસાહિત્યમાં ખાસું પ્રદાન કર્યું છે. એમાં જૈન સાધુઓને અનુલક્ષીને લખાયેલ 'શ્રી ચારિત્રવિજયજી', ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી'
પદ્મશ્રી દુલા ભાયા કાગ
અને 'યોગનિષ્ઠ આચાર્ય” એ ત્રણ ચરિત્રોમાં નિરૂપણની નવી ભાત જયભિખ્ખુને યશ આપનારી બની છે. તો ભગવાન મહાવીરને અનુલક્ષીને લખાયેલ 'નિગ્રંથ ભગવાન મહાવીર' અને 'ભગવાન મહાવીર’ એ બે ચરિત્રો દ્વારા જયભિખ્ખુની ચરિત્રકાર પ્રતિભાનો ઉન્મેષ છતો થયો છે. 'પ્રતાપી પૂર્વજો' એ ધૂમકેતુ સાથે લખાયેલાં પ્રેરક ચરિત્રો છે. એમાં વીર નરનારીઓ, નરોત્તમો, સંતો-મહંતો તથા ધર્મસંસ્થાપકોનાં પ્રેરણાદાયી સાથે ચરિત્રોનું આલેખન થયું. 'સિદ્ધરાજ જયસિંહ,’ ‘ઉદા મહેતા' અને 'મંત્રીશ્વર વિમલ' એ ત્રણ ચરિત્રો દ્વારા યુવાનોને ઉમદા ચારિત્રનો પરિચય કરાવ્યો છે. મુનશી કરતાં જયભિખ્ખુનો 'ઉદા મહેતા' જુદો છે. એ જ રીતે સિદ્ધરાજ જયસિંહના ચરિત્રાલેખન દ્વારા ઉજ્વળ પાત્રને છતું કર્યું છે. એમણે સ્પષ્ટતા પણ કરી છે કે – 'મેં બને તેટલા ઇતિહાસમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝનૂનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગાળી નાખી છે.' અન્ય ગ્રંથોમાં ટૂંકા ચરિત્રાત્મક લેખો છે, જેમાં સમાજનાં વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે લખાયેલું છે જે મહદંશે અખબારી કૉલમની નીપજ છે. એમના ચરિત્રસાહિત્ય પર નજર કરતાં એમણે અનેક વ્યક્તિઓનાં જીવનનું આલેખન કરીને સમાજને પ્રેરણાનાં પીયુષ પાઈને પલ્લવિત કરવાનો પ્રયાસ કર્યાનું પમાય છે. એ ગુણજ્ઞ છે અને સમાજ પણ એવો બને એવી એમની મનીષા રહી છે. આ સમાજ ઘડવાનું કામ છે. અલબત્ત, પોતે પણ ઘડાયા છે. એમની સંસ્કૃતપુરુષની છવિની પ્રચ્છન્નતામાં અનેક ચરિત્રોનો પ્રભાવ પડેલો છે. એમનું વિપુલ ચરિત્રસાહિત્ય ગુજરાતી ચરિત્રસાહિત્યને રળિયાત કરે છે. નટુભાઈ ઠક્કર એમાં એમની
સહધર્મચારિણી વિજયાબહેન

ગદ્યશૈલીની સિદ્ધિ જુએ છે જયભિખુની ગદ્યશૈલી પાત્રના સ્વભાવની કોમળતા, કઠોરતા, સંવેદનની તીવ્રતા, વિચારની ભવ્યતા કે મિજાજની ખુમારીને સુપેરે પ્રગટાવે છે. શિષ્ટતા, વેગ, ઉત્કટતા, ગાંભીર્ય અને ચિત્રાત્મકતા એ એમની શૈલીના ગુણો છે.

અભ્યાસના અંતે જીવનમાં લીધેલા નિર્ણયો પછી ગૃહસ્થધર્મ પ્રતિ વળ્યા. ઈ. સ. ૧૯૩૦ના મે માસમાં જયભિખ્ખુએ વિજયાબહેન સાથે સાથે લગ્ન કર્યા. વિજયાબહેન આજીવન બાલાભાઈની છાયા બની રહ્યાં. સંસ્કારસંપન્ન એ સન્નારીની આતિથ્યભાવના તો એમની જીવનમૂડી હતી. હસિત બુચે યોગ્ય લખ્યું છે : 'બાલાભાઈના ઘરની એ સાચી જ્યોતિ મૂંગા મુંગા સ્મિતથી સત્કારે ને આવનાર માત્રને આતિથ્યની મીઠાશથી ન્હવરાવે. બાલાભાઈ જે કંઈ લખી શકે છે, આવું વ્યાપક મિત્રમંડળ ધરાવે છે એમાં જયાબહેનનાં સૌજન્ય-સેવાનો ફાળો તરત વર્તાય છે.' વળી પ્રત્યેક કાર્યમાં એમની પ્રેરણા બાલાભાઈને પ્રોત્સાહિત કરતી. એમના નામમાંનો 'જય' બાલાભાઈની ઓળખ બન્યો. એ જયભિખ્ખુ બન્યા અને કલમના આધારે એમની જીવનગતિ આરંભાઈ.

ઈ. સ. ૧૯૩૩માં અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે એમનું રહેઠાણ હતું પટેલનો માઢ, માદલપુરમાં. લેખનને તો આજીવિકાનો માર્ગ બનાવ્યો જ હતો. પણ થોડા સમયમાં જ જીવન કપરું બની રહ્યું. છતાંય નોકરી ન કરવાના નિર્ણયમાંથી ચલિત ન થયા. અલબત્ત, શારદા મુદ્રણાલય એમની

પૂજ્ય રવિશંકર મહારાજ સાથે

બેઠક બની રહી. એમ તો અગાઉ એડવાન્સ પ્રિન્ટરી પર પણ બેસતા. પરંતુ શારદા સાથેનો નાતો દીર્ધકાળ રહ્યો. ત્યાં વંચાતું અને લખાતું પણ ખરું ! લેખનનો વેગ વધ્યો. અનેક વ્યક્તિઓ સાથે પરિચય થયો. જોકે એ પાંગર્યો એમની વ્યવહારપટુતાથી. સહુને ઉપયોગી થવાની ભાવના સદૈવ હોય. મિત્રતાના ભાવે અને પ્રિન્ટિંગ કામ પ્રત્યેની સૂઝે શારદા મુદ્રણાલયમાં જતા એ જીવનનો વળાંક હતો. એમની નિષ્ઠાએ – દૃષ્ટિએ મુદ્રણાલય વિખ્યાત થયું. સહકારની ભાવનાએ જયભિખ્ખુ સહુના પ્રીતિપાત્ર બન્યા.

જયભિખ્ખુએ કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. એ મુક્ત પત્રકાર - Freelance હતા. આમ તો પત્રકારત્વ એમની જરૂરિયાત બન્યું હતું, કેમ કે કલમના ખોળે જીવવાની ગતિ એમણે અપનાવી હતી. આથી અર્થોપાર્જન માટે આ માધ્યમ અપનાવવું જ પડે. કૉલમલેખક તરીકે સૂઝયું તેવું લખ્યું પણ એમનો આશય હતો સમાજને જાગ્રત કરવાનો. રુચિર અને પ્રેરણાપ્રદ લખીને બહોળા વાચકવર્ગની ચાહના પામ્યા. લોકપ્રિયતાથી એ છલકાયા પણ છક્યા નહીં. મર્યાદામાં રહ્યા અને જીવનને વિવૃત્ત બનાવતા રહ્યા. મન પણ એવું જ. ક્યાંય અવકાશ નહીં. બધું જ રસથી કરે અને અપેક્ષાને ક્યારેય બોલકી ન બનવા દે.

ધીરજલાલ ટોકરશી શાહના 'જૈન જ્યોતિ' સાપ્તાહિકના તંત્રીની જવાબદારી એમણે સ્વીકારી હતી. ત્યારે ડૉ. બિપિન ઝવેરી એમના સહતંત્રી તરીકે જોડાયેલા હતા. સાપ્તાહિકનું કાર્યાલય રતનપોળની નગરશેઠ માર્કેટમાં હતું. જયભિખ્ખુ કાર્યાલયે સવારે અગિયાર વાગે આવતા. બિપિન ઝવેરીએ એમના આગમન પછીની એમની પ્રવૃત્તિનું વર્ણન આમ કર્યું છે :

'પશ્ચિમ દિશામાંથી બાલાભાઈ આવે. કોટ ઉતારીને ફોલ્ડિંગ ખુરશી પાછળ ભેરવે. ટોપી ખીલા પર ભેરવે. પોતે ખુરશી પર ગોઠવાય. એક પ્યાલો પાણી પીએ અને પછી ધીરે ધીરે એમનું સંપાદનકાર્ય થાય.'

જયભિખ્ખુ એમાં અગ્રલેખ લખતા, વાર્તા લખતા અને છેલ્લા પાને વિવિધ રસપ્રદ માહિતી લખતા. પેજ પડાવવા સુધીનું કામ એ કરતા. એમના અક્ષરના સંદર્ભે પૂર્વજીવનમાં એ રોમન હોવાની સંભાવના બિપિન ઝવેરીએ કરી છે. એ ગાળામાં જ જયભિખુ 'વિદ્યાર્થી ' સાપ્તાહિકમાં પણ લખતા


વિસનગરમાં યોજાયેલ 'શ્રી જયભિખુ : પ્રયોજના અને પ્રદર્શન'નું નિરીક્ષણ કરતાં શ્રી ગિજુભાઈ, શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી જયભિખ્ખુ અને શ્રી જતીનભાઈ આચાર્ય
સંત પુનિત મહારાજ અને ‘જનકલ્યાણ'ના પૂર્વતંત્રી ‘પુનિતપદ રેણુ' સાથે

હતા. વળી ત્યારે જ 'રવિવાર' સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. જયભિખ્ખુએ 'રવિવાર' માટે 'રસપાંખડીઓ' નામક લેખ મોકલ્યો. એ વાંચીને એના તંત્રી ઉષાકાન્ત જે. પંડ્યા એવા પ્રભાવિત થયા કે એમણે એ લેખ પ્રસિદ્ધ કરતાં એના મથાળે 'રસપાંખડીઓની સુગંધથી વાચકોનાં હૃદય મ્હેકી ઊઠે એવું એમાં છે' એવી નોંધ મૂકી હતી. વળી જયભિખ્ખુને સાપ્તાહિકમાં કૉલમ લખવાનું નિમંત્રણ પણ પાઠવ્યું. ત્યારથી એ 'રવિવાર' સાપ્તાહિકમાં નિયમિત લખતા થયા. પ્રારંભે લેખ અને પછી વાર્તાઓ લખી અને જયભિખ્ખુની કૉલમયાત્રા પ્રારંભાઈ. ‘રવિવાર'ની લોકપ્રિયતા સાથે જયભિખ્ખુની લોકપ્રિયતાની સ્પર્ધા જામી. જેનો ઉભયને લાભ થયો. ચરિત્રકાર ‘ભિક્ષુ સાયલાકર' પ્રેરકકથાઓ 'વીરકુમાર' ઉપનામે લખતા હતા.

'રવિવાર' સાપ્તાહિકની કૉલમથી પ્રાપ્ત લોકપ્રિયતાએ જયભિખ્ખુને ‘સવિતા'ના ધર્મકથા વિશેષાંકનું સંપાદન કરવાની તક મળી. એ જ રીતે ધૂમકેતુ સંગાથે એમણે 'જનકલ્યાણ'ના વિશેષાંકનું સંપાદન કર્યું. એમની સંપાદનસૂઝના લીધે પછી ‘વિશ્વવિજ્ઞાન” અને 'વિશ્વમંગલ'ના વિશેષાંકોનું સંપાદન કરવાની જવાબદારી પણ આવી. પ્રત્યેક સંપાદનમાં એમની સંપાદકીય

કાલિદાસની રામગિરિ ટેકરી પર તા. ૩૧-૧૨-૧૯પ૯ના રોજ એક પ્રવાસ : પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ વ. શાહ, સારંગ બારોટ, બકુલ ત્રિપાઠી વગેરે મિત્રો સાથે


દૃષ્ટિ, મુદ્રણકળાની સમજ, મુખપૃષ્ઠના લે-આઉટ સાથે વિષયને અનુરૂપ કળાત્મકતા ભળે જ. બધું જ રૂપકડું બને તે માટે મથતા. સુંદરતા-સુઘડતાના આગ્રહી હતા. વળી વિશેષાંકમાં પ્રતિષ્ઠિત લેખકોની કૃતિ તો જયભિખ્ખુ મેળવે જ. તો નવોદિત લેખકોને પ્રોત્સાહિત પણ કરે જ.

સતત વાંચન-લેખનથી એમની આંખો નબળી પડી હતી, પરંતુ સ્થૂળ ચક્ષુઓ જ . એમની ભીતરની દૃષ્ટિ તો સતેજ હતી. મધુસૂદન પારેખે લખ્યું છે: 'એમની આંખો ખૂબ નબળી. આંખો ખેંચી ખેંચીને ચોપડીઓ છેક પાસે રાખીને વાંચે અને નિયમિત લેખનકાર્ય કરે. એમની આંખો ભલે નબળી છે પણ એમની દૃષ્ટિ વિશાળ છે. એમની કેટલીક કૃતિઓમાં એમની જીવનદૃષ્ટિનો પરિચય થશે.' પ્રા. નટુભાઈ રાજપરાએ સુચક રીતે કહ્યું છે: 'એમની આંખો કંઈક નબળી છે, પણ માણસને પારખવામાં એમની આંખે ભાગ્યે જ ભૂલ કરી હશે.'

જયંતકુમાર પાઠકના કહેવાથી એમણે 'સંદેશ'માં 'ગુલાબ અને કંટક' નામની કૉલમ શરૂ કરી હતી. પાછળ એ નામે પુસ્તક પણ કર્યું હતું. 'કિસ્મત' સામયિકના પ્રારંભથી એમાં લખતા હતા. લોકપ્રિય લખાણોથી એ પ્રસિદ્ધિ

શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે

પામતા ગયા. ‘ઝગમગ'માં લખ્યું તો નડિયાદથી પ્રસિદ્ધ થતા 'ગુજરાત ટાઇમ્સ'માં એમની 'ન ફૂલ, ન કાંટા' કૉલમ આવતી હતી. ઈ. સ. ૧૯૫૩માં 'ગુજરાત સમાચાર' દૈનિકમાં 'ઈંટ અને ઇમારત' કૉલમ શરૂ થઈ. દર ગુરુવારે એ કૉલમ આવતી. આ કૉલમે સામાન્ય માણસોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું. પછી તો ત્યાં 'જાણ્યું છતાં અજાણ્યું' કૉલમ પ્રારંભાઈ અને પ્રખ્યાત પણ થઈ. 'મુનીન્દ્ર’ એવા તખલ્લુસથી પણ લખતા હતા. મહદંશે ધર્મ આધારિત, પ્રેરણાદાયી પ્રસંગોનું એમનું આલેખન લોકોનાં મન પર છાપ પાડી જતું. વળી રાષ્ટ્ર પ્રત્યેનો લગાવ એવો કે દેશભક્તિની ગાથા એમની કૉલમમાં અવશ્ય આવતી. એમના મતે 'રાષ્ટ્ર એટલે બધાનો સમન્વય. એને સંસ્કાર, સંસ્કૃતિ ને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તે રાષ્ટ્ર ન કહેવાય.’ આ વિભાવનાને લક્ષમાં રાખીને એમણે આજીવન લેખનકાર્ય કર્યું અને વાચકની રુચિને કૉળી તો એમની પ્રીતિ સંપાદન પણ કરી. રંગદર્શિતા કે રસિકતાનો વિકાસ એ જ માત્ર સાહિત્યનું કામ નથી. શક્ટાલ દ્વારા મૂલ્યનિષ્ઠ જયભિખ્ખુ સમાજને કહે છે : 'મગધનો યોદ્ધો યુદ્ધનો થાક ઉતારવા બંસરી બજાવે, એ ભલે યોગ્ય લેખાય, પણ બંસરીનો નાદ એને રાષ્ટ્ર તરફ બેદરકાર બનાવે એ મને ન રુચે. મગધની રમણીઓ ભલે કાવ્યની છોળોમાં નાહતી રહે, પણ કાવ્યની મોહિની જીવનદ્રોહિની ન બનવી ઘટે... મગધનું સૈન્ય દિનપ્રતિદિન અપ્રતિમ બનતું જતું હોય પછી દિવસરાત ભલે કાવ્યચર્ચાનો ધોધ વહે.' સર્જનાત્મક સાહિત્યમાં રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રહિતની જિકર કરનાર જયભિખ્ખુ રાષ્ટ્ર માટે સર્વસ્વ હોમી દેનાર રાષ્ટ્રભક્તના ચરિત્રને પ્રજા સમક્ષ મૂકે ત્યારે એમની નિસબત તો રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ઉજાગર કરવાની જ હોય. રાષ્ટ્ર માટે ફના થનાર વ્યક્તિઓનું ચરિત્રાલેખન એમની વિશિષ્ટતા હતી. એ આલેખનને અનુરૂપ શેર-શાયરી મૂકતા તે પણ વાચકોનું એક આકર્ષણ હતું. દર અઠવાડિયે કૉલમમાં શું આવશે તેની વાચકોને પ્રતીક્ષા રહેતી. એમના લેખન સંદર્ભે રમણલાલ સોનીએ લખ્યું છે : 'જયભિખ્ખુની ભાષાનું ઝરણું પહાડથી ફૂટતી ગંગોત્રીની પેઠે પહેલાં પાતળા રૂપેરી પ્રવાહની પેઠે ફૂટે છે, અને ધીરે ધીરે આગળ વધી વેગ તથા વિસ્તાર ધારણ કરે છે. અને એમાં વાચકને તાણી જઈને નવીન ભૂમિ પર લઈ જઈ ખડો કરી દે છે – આસપાસનું સુંદર દૃશ્ય, ખુશબોદાર હવા અને મંદ પવનની લહેરીઓ એને મુગ્ધ કરી રાખે છે.'

વિવિધ સામયિકોમાં લખવાનું શરૂ કર્યું તેની સમાન્તરે જયભિખ્ખુએ નવલકથાનું લેખન પણ કરીને અલગ વાચકવર્ગ ઊભો કર્યો હતો. એમની

ભારત સરકાર તરફથી મળેલા પારિતોષિક અંગે ચંદ્રનગર સોસાયટીમાં યોજાયેલ અભિવાદન સમારોહમાં વક્તવ્ય આપતા જયભિખ્ખુ
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી કૃષ્ણલાલ મો. ઝવેરીના હસ્તે સુવર્ણચંદ્રક

પહેલી નવલકથા 'ભાગ્યવિધાતા' ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ થઈ હતી. એમણે ઇતિહાસકથા, પુરાણકથા, ધર્મકથાનો આધાર લઈને નવલકથાઓનું સર્જન કર્યું હતું. ‘ભાગ્યવિધાતા'ના સંદર્ભે જયભિખ્ખુએ પ્રસ્તાવનામાં લખ્યું છે : 'સંધ્યાની શીળી હવામાં ફરવા નીકળેલ મોટી ફાંદવાળા શેઠજીને માથે અચાનક મેઘમાળની ઝડીઓ વરસે, ને જે ઢબથી ને જે ઝડપથી આ કથા લખી છે, પાછું વાળીને જોવાની ઘડી જ મળી નથી.' અલબત્ત એમણે ‘ઇતિહાસની શૃંખલાને તોડી નથી.'.

ઈ. સ. ૧૯૪૦માં લખાયેલી 'કામવિજેતા' નવલકથાની ઘટનાઓનો આધાર આંશિક ઐતિહાસિક – આંશિક પ્રાગૈતિહાસિક હોવા સાથે એમાં માત્ર જૈન ધર્મના ગ્રંથો નહીં પરંતુ જૈનેતર ગ્રંથોનો આધાર લીધેલો છે. જોકે એનું 'એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પના સંતાન નથી.' સ્થૂલિભદ્રના દુનિયામાં દંભી બનીને જીવવા કરતાં ઉઘાડા જો ગણિકાગામી હોઈએ, તો તેનો સ્વીકાર કરીને ગણિકાગામી થઈને જીવવું એમાં જ મને મારો ધર્મ લાગ્યો છે.' કથનમાં જયભિખ્ખુના ક્રાંતિકારી માનસ સાથે દંભ પ્રત્યેનો એમનો અણગમો વ્યક્ત
મુંબઈમાં અધ્યાત્મિક જ્ઞાન પ્રસારક મંડળ તરફથી ‘ચક્રવર્તી ભરતદેવ' પુસ્તક માટે સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે યોજાયેલ ભોજન સમારંભમાં રામનારાયણ વિ. પાઠક, હીરાબહેન પાઠક, જ્યોતીન્દ્ર દવે, પાદરા, કનુ દેસાઈ, પરમાનંદ કાપડિયા વગેરે
થયો છે. કદાચ અદંભીપણું એ જ જયભિખ્ખુનું વ્યક્તિત્વ હતું. એ જ એમના જીવનને ઉજમાળી ગયું. 'કામવિજેતા'માં નારીનું ગૌરવ પણ કર્યું છે. એ પણ એમની જીવન-વિભાવનાનો અંશ જ છે. પ્રો. રવિશંકર જોશીને એમાં ‘વસ્તુની નૂતન દિશા' દેખાઈ હતી. એમાં વ્યક્ત થયેલ જીવનસંદેશ જયભિખ્ખુનો ઉદ્દેશ હતો. 'ભગવાન ઋષભદેવ' નવલકથા વર્ણનાત્મક છે અને એમાં જયભિખ્ખુએ ઋષભદેવનું ચરિત્ર ઉજાગર કર્યું છે. જયભિખ્ખુ આ નવલકથાની પ્રસ્તાવનામાં નોંધે છે કે 'આ ચરિત્ર લખતી વખતે મેં શ્વેતાંબરી, દિગંબરી ને વૈદિક અનેક કૃતિઓનો આશરો લીધો છે, છતાં હાર બનાવનાર માની જેમ એક અખંડ હીરદોર પર ભાતભાતનાં ફૂલોની ગૂંથણી કરી હારનું નિર્માણ કરે, તેમ મેં કર્યું છે.' આટલી વાત કર્યા પછી જયભિખ્ખુ આ નવલકથાના સર્જનસંદર્ભે એમની કેફિયત આપે છે તેમાં કથાસાહિત્યના સર્જકની મથામણ કેવી હોય તે છતું થયું છે ! એમનું આત્મકથન છે - 'મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણું ઘણું વીત્યું છે ને ન જાણે મારા હાથે એ મહાન
ધીરુભાઈ ઠાકર, કંચનભાઈ પરીખ, મુનિશ્રી ‘ચિત્રભાનુ', ધૂમકેતુ', ગોવિંદભાઈ પટેલ (પ્રભાત પ્રોસેસ સ્ટુડિયો), “જયભિખ્ખુ', છબીલદાસ દેસાઈ, શંભુભાઈ શાહ, મનુભાઈ જોધાણી, ગોવિંદભાઈ શાહ અને રતિલાલ દેસાઈ


દેવતાના ચરિત્ર પર શું શું નહીં વીત્યું હોય ! પણ આ વાતનો નિર્ણય તો કોઈ વિબુધ જન પર રાખવો ઉચિત છે.' આ કથનમાં જયભિખ્ખુ નવલકથાના પાત્ર સાથે જે તાદામ્ય સાધે છે તે સર્જકની નિષ્ઠા છે.

શાળાજીવનમાં નાટકમાં હેમુનું પાત્ર ભજવનાર જયભિખ્ખુએ ધૂળધોયાની જેમ હેમુની માહિતી પ્રાપ્ત કરીને 'વિક્રમાદિત્ય હેમુ' નવલકથા લખી એમાં વિક્રમાદિત્ય હેમુ યુદ્ધ સંદર્ભે કહે છે કે, 'સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતો હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે. સૈન્યનો નાશ નિશ્ચિત છે. માટે કોઈ પણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને કરવી પડે તો વ્યૂહથી કરવી.” હેમુની આ વિચારધારા પડછે જયભિખ્ખુનો સંઘર્ષ કરતાં સંવાદિતા સાધવાનો ખ્યાલ નિહિત છે. છતાંય એમના મતે 'પ્રજામાં જુલમનો વિરોધ કરવાની શક્તિ વિકસાવવી અ પ્રજાના પ્રાણનો વિકાસ કહેવાય ? એ શક્તિ દરેક પ્રજાએ કેળવવી પડે.' જયભિખ્ખુ પુરુષાર્થના હિમાયતી રહ્યા હતા. એમને પુરુષાર્થની પ્રતિમા કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમનો હેમુ કહે છે – ‘વિધાતા પણ નમાલાઓને મદદ કરતી નથી.

પંડિત સુખલાલજી અને શ્રી શંભુભાઈ શાહ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) સાથે

વિધાતાનું સ્થાન માનવયત્નના ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધમાં તો સદા પુરુષાર્થની જ પૂજા થાય છે.' 'વિક્રમાદિત્ય હેમુ નવલકથા 'કલાના સત્યના નમૂનારૂપ' કથાકૃતિ છે. એમણે સત્તર નવલકથાઓ લખી હતી. મોટેભાગે જૈન કથાનકનો વિનિયોગ કરીને એમણે કથાસાહિત્ય રચ્યું હતું.

આ સંદર્ભે પંડિત સુખલાલજીએ લખ્યું છે કે, 'જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારવાળું કથાસંવિધાન કરનાર હું જાણું છું ત્યાં સુધી જયભિખ્ખુ એક જ છે. પરંતુ એમનો વાચકવર્ગ જૈન ઉપરાંત જૈનેતર પણ રહ્યો છે. વળી એમણે આશ્ચર્ય થાય તે રીતે જૈનેતર કથાનો આધાર લઈને 'પ્રેમભક્ત કવિ જયદેવ' જેવી નવલકથાનું લેખન કર્યું હતું. આ કૃતિના સંદર્ભે ધીરુભાઈ ઠાકરે એમને 'મોરના પિચ્છધરનો વંશજ' તરીકે ઓળખાવ્યા હતા. જૈનેતર કથાનો સાથે વિનિયોગ એમની સિદ્ધિ લેખાય. આ નવલકથા તો 'કોઈ ખંડિત કલેવરોમાંથી નવી ઇમારત' સર્જાઈ હોય તેવી છે. “ભાવાનુકૂળ શિષ્ટમધુર શૈલીબળથી' આલેખાયેલી આ નવલકથા સફળ કથાકૃતિ છે. આ કથાકૃતિનો આધાર લઈને ચિત્રકાર કનુ દેસાઈએ 'ગીતગોવિંદ' નામક ચલચિત્ર બનાવ્યું હતું. એમની સાથે જયભિખ્ખુને ઘરોબો હતો. એમના નિવાસસ્થાન 'દીપિકા'માં દર રવિવારે મિત્રો ભેગા થતા ત્યારે જયભિખ્ખુ અવશ્ય ત્યાં હાજર હોય. કનુ દેસાઈએ નોંધ્યું છે : 'આ વખતે શ્રી જયભિખ્ખુ ક્યારેક સાહિત્ય પર તો ક્યારેક કવિતા ઉપર તો કોઈક વખત સિનેમા ઉપર વાર્તાલાપ આપતા અને સાહિત્યકલાનું રસપાન કરાવતા.' કનુ દેસાઈએ ચિત્રપટ-ચિત્રકળાના વિકાસાર્થે મુંબઈ વસવાટ કર્યા પછી પણ બંનેની મૈત્રી એવી જ સ્નેહાળ રહી હતી.

જયભિખ્ખુએ કશીક દૃષ્ટિએ નવલકથાઓનું લેખન કર્યું હતું. 'બૂરો દેવળ'ની પ્રસ્તાવનામાં કથાસર્જન પાછળની દૃષ્ટિ સમજાવતાં એમણે લખ્યું છે કે “સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈ ને કોઈ જીવન ઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે. તો જ તેની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈ ને કોઈ એવી વિચારશ્રેણી રમતી હોય છે. સંસ્કૃતિઓના સમન્વયને લક્ષમાં રાખીને 'કામવિજેતા સ્થૂલિભદ્ર' રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને 'મહર્ષિ મેતારજ'માં ગૂંથ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન 'નરકેસરી વા નરકેશ્વરી'માં રજૂ કર્યું છે. સબળું નબળાને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વ-સમસ્યાને 'મત્સ્યગલાગલ' માં આકાર આપ્યો. બિનમજહબી સામ્રાજ્યના એક મહાન પ્રયોગને 'વિક્રમાદિત્ય હેમુ'ના ત્રણ ભાગમાં સ્પષ્ટ કર્યો અને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા 'ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.' સર્જકની આ કેફિયતમાંથી એમના સર્જનનો હેતુ સ્પષ્ટ થયો છે. વળી ઐતિહાસિક નવલકથાઓમાં આધુનિક વિજ્ઞાનયુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને જચે એવા પૌરાણિક સંદર્ભનાં નૂતન અર્થઘટનો કર્યા છે એ જયભિખ્ખુની નવીનતા છે.

વાર્તાકાર તરીકે જયભિખ્ખુનું પ્રદાન પરંપરાની શૈલીનું. 'ઉપવન'થી પ્રારંભી 'વેર અને પ્રીત' સુધીના એકવીસ વાર્તાસંગ્રહોમાં કુલ ૩૬૫ વાર્તાઓ મળે છે, જેમાંથી ૧૮ પુનરાવર્તિત થઈ હોઈ ૩૪૭ વાર્તા પ્રાપ્ત થાય છે. સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓને વ્યક્ત કરતી વાર્તાઓ મોટો ભાગ રોકે છે. ‘ઉપવન', 'માદરે વતન', 'યાદવાસ્થળી’, ‘ગુલામ અને કંટક' અને 'વીરધર્મની વાતો' એ વાર્તાસંગ્રહોમાં ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ છે અને 'પારકા ઘરની લક્ષ્મી', 'કંચન અને કમિની', 'અંગના', 'કન્યાદાન' અને 'કર લે સિંગાર' નારીજીવનની વાર્તાઓ લખી છે. પ્રયોગની પળોજણમાં જયભિખ્ખુ પડ્યા નથી, પરંતુ ધીરુભાઈ ઠાકરને એમની વાર્તાઓમાં 'સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતા' દેખાઈ છે એ સાચું તારણ છે. વળી એમની રાષ્ટ્રપ્રીતિ પણ વાર્તાઓ દ્વારા વ્યક્ત થઈ છે. 'માદરે વતન' એ સંદર્ભે ઉલ્લેખનીય વાર્તાસંગ્રહ છે. એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે – 'માદરે વતન તરફ મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી શિર ઉન્નત થાય, સાથે કમજોરી તરફ ખાસ લક્ષ જાય, રાજકીય કાવાદાવાઓ ને રાજખટપટોનો કંઈક ખ્યાલ આવે, એવાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ લક્ષમાં રાખી આ વાર્તાઓનું ગૂંથન કર્યું છે.' ધીરુભાઈ ઠાકરે બે ભાગમાં 'જયભિખ્ખુ વાર્તાસૌરભ'નું સંપાદન કર્યું છે. એમાં પચ્ચીસ વાર્તાઓ સંગ્રહિત કરી છે. આ વાર્તાઓ જયભિખ્ખુની વાર્તાકાર પ્રતિભાને સુપેરે વ્યક્ત કરે છે. ઊછરતી પેઢીની સાહિત્યરુચિ સંસ્કારે એવી વાર્તાઓ સંપાદકે સંપાદિત કરી છે. વાર્તાકાર તરીકેની જયભિખ્ખુની આ વિકાસયાત્રા છે. 'શૂલી પર સેજ હમારી’ વાર્તાસંગ્રહના સંદર્ભે ધીરુભાઈ ઠાકર લખે છે :

જાદુગર કે. લાલ અને શ્રી નાનુભાઇ શાસ્ત્રી સાથે

'શ્રી જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતા ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘુઘવાટ સંભળાય છે.'

કોલકાતામાં યોજાયેલ શ્રી જ્યભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહ

ભાવ-ભાવના જયભિખ્ખુનો સ્વભાવ હોઈ સંબંધ બાંધવા-નિભાવવા એમની તાસીર હતી. મિત્રો બાબતે એ સમૃદ્ધ હતા. આ સમૃદ્ધિમાં એમનો હિસ્સો એમની સહકારભાવના હતી. પ્રખ્યાત જાદુગર કે. લાલ સાથેના એમના સંબંધ સંદર્ભે જાદુઈ અસર કોની એ જ ન સમજાય તેવી ઘટના હતી. 'કે. લાલ ગુજરાતમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમની પહેલાં એમના વિશેની જાદુગીરીની જાણકારી જયભિખ્ખુની કલમ દ્વારા સહુને મળી હતી. બંને રસિયા માણસો ! બંને જીવનના ખેલાડી ! બંનેનો પરસ્પર અગાધ સ્નેહ ! ક્યાં સાહિત્યકાર ! ક્યાં જાદુગર ! શ્રી જયભિખ્ખુની કલમથી આ મહાન જાદુગરને વિવિધ સ્થળોએ ગુજરાતે આત્મીયતા અર્પી.'

આ જાદુગરને જ એમની ષષ્ટિપૂર્તિ ઊજવવાનો વિચાર આવ્યો. આ વિચારને પુષ્ટિ મળી મહંતશ્રી શાંતિદાસજીની. મુંબઈ-કોલકાતા જેવાં મોટાં શહેરોમાં જયભિખ્ખુની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માન કાર્યક્રમો યોજાયા હતા. આ સન્માનમાં એમને થેલી અર્પણ થઈ હતી, પરન્તુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર

કોલકાતામાં યોજાયેલા ‘જ્યભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહ' પ્રસંગે ઉપસ્થિત પ્રેક્ષકગણ

કરનાર જયભિખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીને સ્વીકારીને એમણે એનો વિનિયોગ સમાજમાં સાહિત્યના પ્રચારાર્થે કરવાનો ખ્યાલ રજૂ કરીને યોજકોને એ રકમ સવિનય પરત કરી. કે. લાલે પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આ ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે.

જયભિખ્ખુ વણિક હોવા છતાં સ્વભાવે એ ભીરુ નહોતા કે નહોતા કેવળ સમાધાનના માણસ. પ્રસંગ પડે એમની ભીતરનો નીડર પુરુષ અબોલ નહોતો રહેતો. માદલપુર જેવા ભરચક વિસ્તારમાંથી સાબરમતીકાંઠે નિર્જન વિસ્તારમાં એમણે પોતાનું મકાન બાંધ્યું અને એ વિસ્તારમાં નિર્ભયતાથી રહ્યા. 'આ સ્થળ નિર્જન એકાંત હોવાથી અહીં માથાભારે તત્ત્વોનો પણ નિવાસ હતો. તેમની વચ્ચે પોતાના એકના એક પુત્ર અને પત્નીને દિવસભર એકલાં છોડી શહેરમાં પોતાનાં રોજિંદાં કાર્યો માટે જવાનું અને રાત્રે અંધારામાં નાની કેડી પર રાહ શોધતાં ઘેર પાછા આવવાનું કોઈ પણ સુખી શ્રાવક શ્રેષ્ઠી પસંદ કરે જ નહીં. આવી મુશ્કેલીઓ અને અગવડો હોવા છતાં શ્રી બાલાભાઈએ
‘જયવિજય’: જયભિખ્ખુનું અમદાવાદનું નિવાસસ્થાન
બહુ જ ધીરજથી, શ્રદ્ધાથી અને હિંમતથી આ સ્થળનો પોતાનો વસવાટ સ્થિર કર્યો. 'મુશ્કેલીથી મુંઝાતાં એ કદી શીખ્યા નથી.' એવું નોંધીને લાભુભાઈ કે. જોશીએ ચંદ્રનગરમાં રહેતા શ્રી નેથનીયલનો કિસ્સો ટાંક્યો છે તે જયભિખ્ખુની નીડરતા-નિર્ભયતાનો દ્યોતક છે. એમના શબ્દોમાં એ પ્રસંગ જોઈએ : 'શ્રીમતી નથનીયલે બહુ જ હિંમતપૂર્વક કિરપાણને હાથથી પકડી લીધી અને 'કાકા, બચાવો; કાકા, બચાવો'ની બૂમો પાડવા માંડી. આ દંપતી બાલાભાઈને કાકાના નામથી સંબોધતું. આ બૂમો શ્રી બાલાભાઈના કાને પડતાં જ ચા-નાસ્તાની ડિશને હડસેલીને ખુલ્લા શરીરે અને ઉઘાડા પગે તરત જ તેઓ બાજુના બંગલામાં દોડ્યા. જોયું તો બન્ને પુરુષો બહાર નીકળી નદી તરફના રસ્તે દોડતા જતા હતા. તેમની પાછળ શ્રી બાલાભાઈએ દોટ મૂકી. આ દોડધામ થતી જોઈને હું, બાલાભાઈનો પુત્ર કુમાર તથા સોસાયટીના પગી તથા બીજા બે-ત્રણ ભાઈઓ પણ નદી તરફ ઝડપથી દોડ્યા. પેલા બંને શખ્સો નદીમાં પડીને સામા કાંઠાની સુએઝ ફાર્મમાં ટેકરાવાળી ઝાડીઓમાં સંતાયા. શ્રી બાલાભાઈએ તેમનો છેક સુધી પીછો કર્યો. માર્ગમાં નદીના કાદવમાં તથા ટેકરાના કાંટાળા માર્ગમાં ખુલ્લા પગે દોડ્યા જ કર્યું. બેમાંથી એક પકડાયો.
પરિવારજનો સાથે

તેને સોસાયટીમાં લાવ્યા. પોલીસ આવી ને કેસ થયો.' આવી હતી જયભિખ્ખુની હિંમત ! સહુને એમની હૂંફ હતી. ચંદ્રનગરને જંગલમાંથી મંગલ બનાવ્યું. તેનો વહીવટ કર્યો તે પણ પારદર્શક. અનેક મિત્રો ત્યાં સ્થિર થયા તેમાં જયભિખ્ખુનો ફાળો અનન્ય.

એમની સંબંધની સુવાસ એવી કે એક વાર સંપર્કમાં આવનાર કાયમી આત્મીયજન બની જાય. તેનું કારણ એમની ઉલ્લાસિતા – પ્રસન્નતા. શાંતિલાલ મ. જૈને લખ્યું છે કે 'મુખ પર સદા તરવરતું એ હાસ્ય, રોષમાં અને તોષમાં પણ નીતરતી એ સ્નેહાર્દ્રતા કોને આત્મીય ન બનાવે !' સીતાપુર આંખની સારવાર કરાવવા ગયા ત્યારે ત્યાંના ડૉક્ટરની સાથે મનમેળાપ એવો થયો કે એ માનવંતા મહેમાન જેવી સેવા પામ્યા. વળતાં જયભિખ્ખુએ સીતાપુરના દવાખાનાનો પરિચય ગુજરાતને કરાવ્યો અને બે લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન મેળવી આપ્યું. ત્યાં 'સરદાર વલ્લભભાઈ ગુજરાત વૉર્ડ'નું શિલારોપણ થયું ત્યારે જયભિખ્ખુ ત્યાં હાજર રહ્યા હતા.

ગુજરાત – ગુજરાત બહાર અનેક સ્થળોએ સમારંભોમાં હાજર રહીને એમણે એમનું વર્તુળ ખાસું મોટું કર્યું હતું. એમનું માન પણ હતું. લોકપ્રિયતાના
જયભિખ્ખુના અવસાન પછી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા જયભિખ્ખુ સ્મૃતિગ્રંથના પ્રકાશન સમયે : સર્વશ્રી લાલભાઈ શાહ, ધીરુભાઈ ઠાકર, રતિલાલ દેસાઈ, કંચનભાઈ પરીખ, છોટુભાઈ ઘડિયાળી, અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, પં. સુખલાલજી અને મહંતશ્રી શાંતિપ્રસાદજી

લીધે સમારંભોમાં છવાઈ જતા. વળી વક્તૃત્વ પણ પ્રભાવી હતું. ષષ્ટિપૂર્તિ પછીના સમયમાં જયભિખ્ખુ જે વ્યાધિથી વર્ષોથી ઘેરાયેલા રહેલા તે વધતો રહ્યો. ડાયાબિટીસનું પ્રમાણ નિયંત્રિત ન રહ્યું. નબળી આંખો વિશેષ નબળી પડવા માંડી. લોહીનું દબાણ વધઘટ થવા માંડ્યું. કિડની પર અસર થઈ હતી. પરંતુ મનોબળ પ્રબળ હતું આથી વ્યાધિને અવગણીને પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. એમણે જ લખેલું : 'મનમાં ખૂબ મોજ છે. જિંદગીને જીવવાની રીતે જિવાય છે.' ઈ. સ. ૧૯૬૮ની રોજનીશીમાં લખાયેલું આ વિધાન એમની જિંદાદિલીનું પ્રમાણ છે. વર્ષ પછી ઈ. સ. ૧૯૬૯માં દિવાળી ટાણે શરીર રંજાડવા માંડ્યું, પરંતુ મનમાં શંખેશ્વર જવાની ઇચ્છા થઈ હતી એટલે મનોબળે , ઢીલી તબિયતે પણ અપાર શ્રદ્ધાથી તીર્થધામે જવા નીકળેલા જયભિખ્ખુ શંખેશ્વર પહોંચ્યા ત્યારે તબિયતમાં ખાસ્સો સુધારો થયો. ત્યાં ચાર દિવસ રહીને લાભપાંચમે અમદાવાદ પાછા ફર્યા. એ સંદર્ભે રોજનીશીમાં લખ્યું હતું : 'અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન 'અબ હમ અમર ભયે ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.' શંખેશ્વરમાં સંકલ્પ કર્યો હતો તીર્થ વિશે પુસ્તક લખવાનો અને પૂરા વેગથી એ કાર્ય પ્રારંભ્યું પણ હતું. એ દરમિયાન સ્વાથ્ય કથળ્યું અને ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે જયભિખ્ખુની જીવનયાત્રા થંભી ગઈ. આ જીવનધર્મી, મૂલ્યનિષ્ઠ સાહિત્યકારે ૨૫ નવેમ્બર ૧૯૬૯ અર્થાત્ મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે રોજનીશીમાં લખ્યું હતું : 'મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.' આ હતી એક જૈનની મનોભાવના. એક ભાવનાશાળી સર્જકની આંતરઇચ્છા. એમાં મૃત્યુનો સ્વીકાર પણ નિહિત છે.

જેમ સાહિત્યકારો, ચિત્રકારો, કલાકારો સાથે જયભિખ્ખુને નાતો હતો

જયભિખ્ખુની સ્મૃતિમાં જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા યોજાયેલ જયભિખ્ખુ એવાંર્ડ અર્પણ સમારોહમાં સર્વશ્રી કે. લાલ, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, સ્વામી સચ્ચિદાનંદજી, અરવિંદભાઈ મફતલાલ, ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ દેસાઈ
તેમ બધા સાધુ-સંતોનો પ્રેમ જીતવામાં એ સફળ રહ્યા હતા એ એમની ધર્મનિષ્ઠા ને વ્યવહારને લીધે. એમની સાહિત્યસેવાના અનુષંગે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી કૃષ્ણલાલ મો. ઝવેરીના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. વળી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. એમનાં કેટલાંક પુસ્તકોના હિંદી-અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા હતા. સર્જનાત્મક સાહિત્ય સાથે ચરિત્રાત્મક સાહિત્ય અને કિશોરોને ઉપયોગી સાહિત્યનું સર્જન એમણે કર્યું તો વિવિધ સંપાદનો પણ કર્યાં હતાં. ધીરુભાઈ ઠાકર સાથે એમણે 'સર્વોદય વાચનમાળા'નું સંપાદન કર્યું હતું. તો માધ્યમિક શાળાના અભ્યાસક્રમ માટે કરેલું સંપાદન 'સાહિત્ય કિરણાવલિ' ખૂબ ખ્યાતિ પામ્યું હતું. એમણે કરેલાં અન્ય સંપાદનોમાં એમની વિશિષ્ટ સંપાદનમુદ્રા પામી શકાય છે. એમનાં નાટકોનું વિશ્વ નોખું હતું. જયભિખ્ખુએ પરંપરામાં જ લખ્યું. પ્રયોગ કરવા તરફ એમની ગતિ નહોતી. વળી એમનો વાચકવર્ગ પણ પરંપરાનો આશિક હતો. છ નાટ્યસંગ્રહો દ્વારા એમણે પોતાની નાટ્યસૂઝનો પરિચય કરાવ્યો છે. બદલાયેલી નાટ્યરીતિની તુલનાએ આ નાટકો જુનવાણી લાગે, પરંતુ નાટ્યક્ષમતા જરૂર હતી. એમની સાહસકથાઓ, લોકકથાઓ, પ્રાણીકથાઓમાં કિશોર કેન્દ્રમાં રહેલો છે. બાળસાહિત્ય અને કિશોરસાહિત્યમાં એમનું પ્રદાન ન ભુલાય તેવું છે. એમના એ પ્રદાનનું મૂલ્ય અંકાયું નથી. વળી એમનું ગદ્ય-એ ગદ્યમાંની સર્જનાત્મક્તાને પણ ઉવેખવી ન જોઈએ. માંગલ્યના હિમાયતી જયભિખ્ખુના ગદ્યમાં આવી સહજ પ્રાસાદિકતા જોવા મળે છે.

એમના ગદ્યનો આ નમૂનો જુઓ :

'નીલોત્પલની છાંયે સારસબેલડી બેઠી હોય, એમ પૃથ્વીનાથની બંને કીકીઓ સ્થિર થઈ ગઈ હતી. સુમેરુના શિખર જેવું ટટ્ટાર મસ્તક કોઈ અવિચળ નિર્ણયની શાખ પૂરતું હતું. દુર્જેય ગૌરવભરી ભ્રમરો પર કદી ન ખેલાયું હોય એવા પ્રચંડ યુદ્ધની આગાહી હતી. અષ્ટમીના ચંદ્ર જેવા લલાટમાં એક ભવ્ય રસનો સહજ રીતે કલ્પાતો હતો.'

જીવનધર્મી જયભિખ્ખુની શબ્દયાત્રા – જીવનયાત્રા એમની પરિપૂત વૃત્તિ-પ્રવૃત્તિની ગાથા છે. એકની એક બંડી સાબરના નીરમાં આંતરે દિવસે માત્ર પખાળીને પહેરનાર અને 'અગરબત્તી જેવું જીવન' જીવી જનાર જયભિખુની આ ગાથા અન્યના જીવનને રાહ ચીંધે છે અને જીવનનો આનંદ માણવાની દૃષ્ટિનું શુભ દર્શન કરાવે છે.

લેખનકાર્યમાં નિમગ્ન : જયભિખ્ખુજયભિખ્ખુની જીવનગતિ સ્થૂળઅર્થમાં ૧૯૬૯માં અટકી ગઈ, પરંતુ એમની જીવનવિભાવના - જીવનદૃષ્ટિ એમના સાહિત્યમાં અનુસ્યૂત હોઈ, એ તદ્દન થંભી ગઈ નથી. વળી એ લંબાઈ છે એમના વંશજમાં. ખરા અર્થમાં જેને સુ-પુત્ર કહેવાય એવું વ્યક્તિત્વ છે કુમારપાળ દેસાઈનું. એમણે પિતાનો શબ્દવારસો માત્ર જાળવ્યો નથી, પરંતુ એમાંય વૃદ્ધિ કરી છે – સતત શબ્દ-આરાધના કરીને. એ સાથે જયભિખ્ખુની જીવનવિભાવનાને જયભિખ્ખુ ટ્રસ્ટ દ્વારા જાળવીને ગતિશીલ રાખી છે. એમના જીવનઉદ્દેશને જીવન્ત રાખવા પ્રયત્નશીલ છે. કુમારપાળે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં જે ગતિ કરી છે તે જયભિખ્ખુના અંતરાત્માને પ્રસન્ન કરતી રહી છે. પોતે પ્રગટાવેલ દીપને વંશજ પ્રજ્વલિત રાખે તે અપૂર્વ ઘટના લેખાય. આ ઘટનાના જનકના જનકને એમની શતાબ્દીએ વંદના.

સર્જક 'જયભિખ્ખુ' રચિત સાહિત્યસૃષ્ટિ
(ગ્રંથ-નામાવલી)નવલકથાઓ
૧. ભાગ્યવિધાતા
૨. કામવિજેતા
૩. ભગવાન ઋષભદેવ
૪. ચક્રવર્તી ભરતદેવ
૫. ભરતબાહુબલી (રાજવિદ્રોહ)
૬. પ્રેમભક્ત કવિ જયદેવ
૭. વિક્રમાદિત્ય હેમુ
૮. ભાગ્યનિર્માણ
૯. દિલ્હીશ્વર
૧૦. પ્રેમનું મંદિર (મત્સ્યગલાગલ)
૧૧. પ્રેમાવતાર : ભા. ૧-૨
૧૨. લોખંડી ખાખનાં ફૂલ: ભા. ૧-૨,
૧૩. નરકેસરી
૧૪. સંસારસેતુ (મહર્ષિ મેતારજ)
૧૫. શત્રુ કે અજાતશત્રુ : ભા.૧-૨
૧૬. બૂરો દેવળ
૧૭. દાસી જનમ જનમની (બેઠો બળવો)
(નવલિકાસંગ્રહ)
૧. માદરે વતન
૨. યાદવાસ્થળી
૩. માટીનું અત્તર
૪. ગુલાબ અને કંટક
૫. સતની બાંધી પૃથ્વી

૬. ઉપવન
૭. પારકા ઘરની લક્ષ્મી
૮. કંચન અને કામિની
૯. અંગના
૧૦. કાજલ અને અરીસો
૧૧. કન્યાદાન
૧૨. કર લે સિંગાર (પ્રેમપંથ પાવકની જ્વાળા)
૧૩. શૂલી પર સેજ હમારી
૧૪. મનવાની ટેકરી
૧૫. કામનું ઔષધ
૧૬. લીલો સાંઠો
૧૭. પગનું ઝાંઝર
૧૮ મનઝરૂખો
૧૯. સિંહપુરુષ
૨૦. દેવદૂષ્ય
૨૧. ભગવાન મલ્લીનાથ
૨૨. વીરધર્મની વાતો
૨૩. જયભિખ્ખ વાર્તાસૌરભ : ભા. ૧-૨
(સં. ડૉ. ધીરુભાઈ ઠાકર)
૨૪. પાપ અને પુણ્ય (શ્રી સત્યમ્ સાથે) ૨
બાલસાહિત્ય
૧. રત્નનો દાબડો
૨. હીરાની ખાણ
૩. મૂઠી માણેક૪. પાલી પરવાળાં
૫. નીલમનો બાગ
૬. માણુ મોતી
૭. આંબે આવ્યો મૉર
૮. ચપટી બોર
૯. બૌદ્ધ ધર્મની પ્રાણીકથાઓ
૧૦. હિંદુ ધર્મની પ્રાણીકથાઓ
૧૧. જૈન ધર્મની પ્રાણી કથાઓ
૧૨. સર જાવે તો જાવે
૧૩. જવાંમર્દ
૧૪. એક કદમ આગે
૧૫. નીતિકથાઓ : ભાગ ૧-૪
૧૬. દિલના દીવા
૧૭. દેવના દીવા
૧૮. દેરીના દીવા
૧૯. દેશના દીવા
૨૦. દીવે દીવા
૨૧. બાર હાથનું ચીભડું: ભાગ ૧-૨
૨૨. તેર હાથનું બી : ભાગ ૧-૨
૨૩. છૂમંતર
૨૪. બકરી બાઈની જે !
૨૫. નાનો પણ રાઈનો દાણો
૨૬. શૂરાને પહેલી સલામ
૨૭. ફૂલપરી
૨૮. ગરુડજીના કાકા
૨૯. ગજમોતીનો મહેલ
૩૦. 'ઢ'માંથી ધુરંધર
૩૧. મા કડાનું મંદિર

૩૨. ભારતના ભાગ્યવિધાતાઓ (શ્રી સોમાભાઈ પટેલ સાથે)
૩૩. મહાકાવ્યોની રસિક વાતો
૩૪. આત્મકથાનાં અમૃતબિંદુઓ
૩૫. રૂપાનો ઘડો–સોના ઈંઢોણી
૩૬. હિંમતે મર્દા
૩૭. ગઈ ગુજરી
૩૮. માઈનો લાલ
૩૯. જાદુકલા અને શ્રી કે. લાલ
૪૦. પલ્લવ
૪૧. લાખેણી વાતો
૪૨. અક્ષયતૃતીયા
૪૩. રાજા શ્રીપાલ
ચરિત્રો
૧. નિર્ગ્રંથ ભગવાન મહાવીર
૨. ભગવાન મહાવીર (સચિત્ર)
૩. યજ્ઞ અને ઇંધન
૪. સિદ્ધરાજ જયસિંહ
૫. શ્રી સોમનાથ ભગવાન
૬. ઉદા મહેતા
૭. શ્રી ચારિત્રવિજય
૮. યોગનિષ્ઠ આચાર્ય
૯. મંત્રીશ્વર વિમલ
૧૦. દહીંની વાટકી
૧૧. ફૂલની ખુશબો
૧૨. મોસમનાં ફૂલ
૧૩. ફૂલ વિલાયતી
૧૪. ફૂલ નવરંગ૧૫. પ્રતાપી પૂર્વજો (વીર નરનારીઓ) (શ્રી 'ધૂમકેતુ' સાથે)
૧૬. પ્રતાપી પૂર્વજો (નરોત્તમો) (શ્રી 'ધૂમકેતુ’ સાથે)
૧૭. પ્રતાપી પૂર્વજો (સંત-મહંતો) (શ્રી 'ધૂમકેતુ’ સાથે)
૧૮. પ્રતાપી પૂર્વજો (ધર્મ-સંસ્થાપકો) (શ્રી 'ધૂમકેતુ’ સાથે)
૧૯. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી
૨૦. ધર્મજીવન
૨૧. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની જીવનઝરમર
૨૨. મહાન આચાર્ય આર્ય કાલક
૨૩. हंस मयूर नाटक के कर्ता (श्री वर्माजी के प्रत्युत्तर का प्रतिवाद)
૨૪. મંગલજીવન કથા
નાટકો
૧. રસિયો વાલમ
૨. આ ધૂળ, આ માટી
૩. પતિત-પાવન
૪. બહુરૂપી
૫. પન્ના દાઈ
૬. ગીતગોવિંદનો ગાયક
હિન્દી
૧. वीर धर्म की कहानियां
૨. वीर धर्मकी प्राणी कथायें
૩. भगवान महावीर
૪. जागे तभी सवेरा

પ્રકીર્ણ
૧. અંતરાયકર્મની પૂજા
૨. બાર વ્રતની પૂજા
૩. દેવદાસ (અનુવાદ)
૪. સોવેનિયર : શ્રી યશોવિજય
ગ્રંથમાળા
૫. મહારાજા સયાજીરાવ
સદ્‌ચનમાળા
શ્રેણી ૧ થી ૬ (દરેકમાં
૧૧ પુસ્તિકાઓ)
વિદ્યાર્થી-વાચનમાળા
શ્રેણી ૧ થી ૧૦ (કુલ ૬૬
પુસ્તિકાઓ)
સંપાદનો
૧.સર્વોદય વાચનમાળા :
બાળપોથી તથા ૧ થી ૪ ચોપડી
(ડૉ. ધીરુભાઈ ઠાકર
સાથે)
૨.

સાહિત્ય-કિરણાવલી : ભા. ૧ થી ૩
(ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે)
૩.

વિશ્વવિજ્ઞાન ભારત-તીર્થકથા
વિશેષાંક
૪.

વિશ્વવિજ્ઞાન : નરનારાયણ
વિશેષાંક૫. વિશ્વવિજ્ઞાન : અમર-ધંપત્ય અંક
૬. વિશ્વવિજ્ઞાન : વાર્તા-અંક
૭. વિશ્વવિજ્ઞાન : શ્રી કૃષ્ણ વાસુદેવ, વિશેષાંક
૮. વિશ્વવિજ્ઞાન : પર્વકથા વિશેષાંક
૯. સવિતા : ધર્મકથા-અંક
૧૦. રાજેન્દ્રસૂરિ સ્મારક-ગ્રંથ
૧૧. નકલંક મોતી
૧૨. દર્શન અને ચિંતન, ભાગ ૧-૨ (અન્ય સાથે)

૧૩. જાણ્યું છતાં અજાણ્યું, ભા. ૧-૨
૧૪. મહાવીર જૈન વિદ્યાલય : સુવર્ણ-મહોત્સવ ગ્રંથ, ભાગ ૨
૧૫. જૈન બાળગ્રંથાવલી પુસ્તિકાઓ (૭)
૧૬. વિદ્યાર્થીવાચનમાળા પુસ્તિકાઓ
પરિશિષ્ટ
૧. સાત ફૂલ સોનાનાં
૨. વસહી અને પર્વત
૩. વસ્તુપાલ-તેજપાલ

:જીવન-તવારીખ :


૧૯૦૮ :ર૬મી જૂને જન્મ, મોસાળ વીંછિયા

જન્મ-નામ : બાલાભાઈ
ઉપનામ : જયભિખ્ખુ
માતાનું નામ : પાર્વતીબહેન
પિતાનું નામ : વિરચંદભાઈ હીમચંદ દેસાઈ
વતન : સાયલા
જ્ઞાતિ : જૈન

૧૯૧૩ :

પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ વીંછિયામાં; પછી બોટાદમાં, વરસોડામાં
- સાત ધોરણ સુધી
૧૯૨૪ : માધ્યમિક શિક્ષણ ટ્યૂટોરિયલ હાઇસ્કૂલ, અમદાવાદ
૧૯૨૫-૨૮

જૈન ધર્મનું શિક્ષણ - શિવપુરી - ગ્વાલિયર - તર્કભૂષણની
પદવી
૧૯ર૯ :લેખનનો પ્રારંભ

શ્રી વિજયધર્મસૂરિજીનું જીવનદર્શન' લખ્યું
ઉપનામ : 'ભિક્ષુ સાયલાકર' પછી 'જયભિખ્ખુ'

૧૯૩૦ : મે મહિનામાં જયાબહેન સાથે લગ્ન
૧૯૩૦ :

નોકરી ન કરવાની પ્રતિજ્ઞા, કલમના આશરે જીવવું તથા પિતૃક
સંપત્તિ ન લેવાનો નિર્ણય
૧૯૩૧ : લેખન-પત્રકારત્વ
૧૯૩૩ : અમદાવાદમાં સ્થાયી થયા, માદલપુરમાં રહેઠાણ
૧૯૩૪ :


શારદા મુદ્રણાલયમાં બેઠક
'જૈન-જ્યોતિ' સાપ્તાહિકના તંત્રી
કૉલમની શરૂઆત 'રવિવાર'માં
૧૯૩૫ : પ્રથમ નવલકથા 'ભાગ્યવિધાતા' પ્રસિદ્ધ
૧૯૩૬ : શ્રી ચરિત્રવિજયનું ચરિત્ર પ્રસિદ્ધ :
૧૯૪૦ : 'કામવિજેતા' નવલકથા પ્રસિદ્ધ
૧૯૪૧ : પ્રથમ વાર્તાસંગ્રહ 'ઉપવન' પ્રસિદ્ધ
૧૯૪૫ : 'પ્રેમભક્ત કવિ જયદેવ'નું પ્રકાશન 'ગુજરાત સમાચાર'માં
૧૯૫૩ : 'ઈંટ અને ઇમારત' કોલમ શરૂ
૧૯૫૭ : અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક
૧૯૬૮ : ષષ્ટિપૂર્તિની ઉજવણી, રૂ. ૨૫000ની થેલી અર્પણ – ૨૧-૪-૧૯૯૮
૧૯૬૯ : ૨૪ ડિસેમ્બરે અવસાન