જીવન વસંત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ખેલો ખેલો તો ખેલો વિચારી
આવો સમય ન મેલો વિસારી. ખેલ૦

માનવ જન્મ વસંત સમય છે, આજ સુઘડ નરનારી,
વીત્યો વૃથા તો ફરી નહિ આવે, એથી કહ્રી શી ખુવારી?
રહે ભવનો ભય ભારી. ખેલ૦

નીતિ સરોવર શીતલ જવનું નાંખે મલિનતા નિવારી
ફૂલ અને ફલરૂપ સુસાધન અત્યંત આનંદકારી.
નિરંતર અતિ ગુણકારી. ખેલ૦

સંતોષ મંદ સુગંધિ સમીર છે પ્રેરક તેના પુરારિ
તાપ ત્રણેય તરત તે ટાળે, તન મનને ઠીક ઠારી,
અનુમતિ એમ અમારી. ખેલ૦

સત્સંગ કેસર રંગ કેસરી, પ્રીતિ પરમ પીચકારી,
સદ્ગુણ ગુલાબ લાલથી વૃત્ત રમાડો તમારી
ઉડાડી વિનયરૂપ વારિ. ખેલ૦

રંમતા ને જમતાં રામરટણે પ્રેમ પવિત્ર વધારી,
શમદમની શુભ સરલ રીતિએ, સંચરવું સુખાકારી,
અવર રીત સર્વ નઠારી. ખેલ૦