જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો
લીરબાઈ


જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો,

જેને વિશ્વબંધુએ વખાણે હા.


જી રે વીરા... કુબુધ્ધિરૂપી કોયલા કરોડો આ કાયામાં,

એને તમે બ્રહ્માગ્નિથી પરજાળો રે હા.


જી રે વીરા... ધુમાડો ધુંધવે ત્યાં લગી ધારણા રાખો,

પછી એને બાંધી કઠણ તાએ તાવો.


જી રે વીરા... બંકનાળેથી ધમણ ધમાવો,

ઉલટા પવન સુલટ ચલાવો હા.


જી રે વીરા... આવા આવા ઘાટ તમે સંસારમાં ઘડજો,

તો તમે ખોટ જરિયે ન ખાશો હા.


ગુરૂના પરતાપે સતી લીરબાઈ બોલિયાં,

ત્યારે તમે સાચા કસબી ગણાશો.

લીરબાઈ