લખાણ પર જાઓ

જેને રામ રાખે રે

વિકિસ્રોતમાંથી
જેને રામ રાખે રે
ધીરો



પદ ૨૧ મું

જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?
અવર નહીં દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે. - જેને૦
ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રે રાય,
સ્થલને સ્થાનકે જળ ચલાવે, જળ સ્થાનકે સ્થલ થાય;
તરણાનો તો મેરુ રે, મેરુનું તરણું કરી દાખવે.- જેને૦ ૧
નીંભાડાથી બળતાં રાખ્યાં, માંજરીનાં બાળ,
ટિટોડીનાં ઈંડાં ઉગાર્યાં, એવા છો રાજન રખવાળ;
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે. ‌- જેને૦ ૨
બાણ તાણીને ઊભો પરઘી, સીંચાણો કરે રે તકાવ,
પારઘીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર ઘાવ;
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયાં સુખે. - જેને૦ ૩
ગજ કાતરણી લઈને બેઠા, હરજી તો દીનદયાળ,
વધે ઘટે તેને કરે બરાબર, સૌથી લે સંભાળ;
ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે. - જેને૦ ૪