જ્યાં લગી આત્મા તત્વ

વિકિસ્રોતમાંથી
જ્યાં લગી આત્મા તત્વ
નરસિંહ મહેતા


જ્યાં લગી આતમા તત્વ ચિંતયો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
માનુષ-દેહ તારો, એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં૦
શુ થયું સ્નાન, સેવા ને પૂજાથકી, શું થયું ઘેર રહી દાન દીધે;
શુ થયું ધરિ જટા ભસ્મ લેપન કર્યે, શું થયું * [૧] વાળ લોચન કીધે. જ્યાં૦

શું થયું તપ ને તિરથ કીધા થકી, શું થયું માલ ગ્રહી નામ લીધે;
શું થયું તિલક ને તુલસી ધાર્યાથકી, શું થયું ગંગજલ પાન કીધે. જ્યાં૦
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણે;
શું થયું ખટ્‌દર્શન સેવાથકી, શું થયું વરણના ભેદ આણે. જ્યાં૦
એ છે પરપંચ સહુ પેટ ભરવાતણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે, તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. જ્યાં૦

  1. વાળ લોચન - લુંચન કરાવવા - ચૂંટવવા તે

અન્ય સંસ્કરણ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લોચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજળ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
શું થયું રાગ ને રંગ જાણ્યે ?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
આતમારામ પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.


નરસિંહ મહેતા