ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/ક્ષમાવીર
← જ્ઞાન-પિપાસા | ઝંડાધારી - મહર્ષિ દયાનંદ ક્ષમાવીર ઝવેરચંદ મેઘાણી ૧૯૨૬ |
ત્યાગ-વીર → |
સોંરો ગામમાં એકવાર સ્વામીજી ઉપદેશ આપી રહ્યા છે. તે વખતે એક કદાવર, પહેલવાન, વિકરાળ જાટ આવી પહેાંચ્યો. મ્હોં ઉપર રેાષ સળગે છે: ભવાં ચડી ગયાં છે: ખભા પર ડાંગ રહી ગઈ છે: લાલધૂમ નેત્રો ફોડતો ને હોઠ પીસતો એ રજપુત સભાને ચીરીને સડસડાટ સ્વામીજીની સન્મુખ આવી ઉભો રહ્યો. એના મ્ંહેામાંથી અંગાર ઝરવા લાગ્યા કે “રે ધૂર્ત, તું સાધુ થઈને મૂર્તિપૂજાનું ખંડન કરે છે? ગંગામૈયાને નિન્દે છે ? દેવોની વિરૂદ્ધ બકવાદ કરે છે? હવે બોલ જલ્દી, તારા કયા અંગ ઉપર આ ડાંગ લગાવીને તને પૂરો કરી નાખું ?
આખી સભા થરથરી ઉઠી. પણ સ્વામીજીએ તે રતિમાત્ર ચલાયમાન થયા વિના, એની એજ ગંભીર મુખમુદ્રા રાખીને હસતાં હસતાં ઉત્તર આપ્યો કે “ભાઈ ! મારો, ધર્મપ્રચાર જો તને અપરાપ લાગતો હોય તો એ અપરાધ કરનાર તો આ મારું મસ્તક જ છે, એ માથું જ મને આવી વાતો સુઝાડે છે. માટે તારે સજા કરવી હોય તો એ અપરાધી માથા ઉપર જ તારી ડાંગ ઝીંકી દે બેટા !”
એ ક્ષમા-વીરનાં નેત્રોની જ્યોત પેલા જાટનાં નેત્રોમાં પડી. ધગધગતો અંગાર જાણે કે જળધારા વડે બુઝાઇ ગયો. સ્વામીજીના ચરણોમાં તે ઢળી પડ્યો. રડવા લાગ્યો. સ્વામીજી બોલ્યા, “વત્સ ! તેં કશુંય નથી કર્યું. કદાચ તેં મને માર્યો હોત તો પણ શી ચિંતા હતી ? જા, પ્રભુ તને સન્મતિ દેજો !”
સેંકડો રાજપૂતોને યજ્ઞોપવિત દેતા દેતા સ્વામીજી ગામેગામ ઘુમી રહ્યા હતા. એક વખત કર્ણવાસમાં એમનો પડાવ હતો. ગંગાસ્નાનના મેળા પર હજારો માનવી એકઠાં થએલાં હતાં. બરેલીના ઠાકોર રાવ કર્ણસંહ પણ આવેલા. આ રાવને વૈષ્ણવ પંથનો એવો તો નાદ લાગેલો કે પોતાના નોકર ચાકરોને-અરે ગાય, ભેંસ તેમજ ધાડાએાને કપાળે ને કંઠે પણ તે બલાત્કાર કરીને તિલક,કંઠી લગાવી રહ્યા હતા. એક રાત્રિએ એના મુકામ પર રાસલીલા રમાતી હતી. સ્વામીજીને પણ પંડિતો બોલાવવા આવ્યા. સ્વામીજીએ કહ્યું “એવા હલકા કામમાં હું ભાગ નહિ લઇ શકું. આપણા પુજનીય પુરૂષોનો તમે વેશ ભજવી રહ્યા છો, એ કૃત્ય ધિકારને પાત્ર કહેવાય.” રાવ કર્ણસિંહને આ અપમાનનો ઘા વસમો લાગ્યો. બીજે દિવસે સાંજરે પોતાના મંડળને લઇ ખુન્નસભર્યો રાવ આવી પહોંચ્યો. સ્વામીજી ઉપદેશ કરી રહ્યા છે. શ્રોતાઓ શ્રવણમાં તલ્લીન છે. રાવને આવેલા જોઇ સ્વામીજીએ સત્કાર કર્યો કે “આવો.“
“ક્યાં બેસીએ !" કડક સ્વરે રાવ ગરજી ઉઠ્યા.
“જ્યાં આપની ખુશી હોય ત્યાં.” હસીને સ્વામીજી બોલ્યા. “તમારી પડખે જ બેસીશું.”
“ખુશીથી; આવો, બેસો.” કહી સ્વામીજીએ પોતાના આસન પરથી પોથી હટાવી લીધી.
પણ રાવને તો ટંટો જ મચાવવો હતો. એના મદોન્મત્ત કંઠમાંથી વચનો નીકળ્યાં કે “સંન્યાસી થઈને રાસલીલામાં હાજરી ન આપી તેની લજ્જા નથી આવતી ?”
મંદ મંદ હસતા મહર્ષિએ જવાબ વાળ્યો:
“રાવ મહાશય, આપના પૂજ્ય પૂર્વજોનો વેશ લઈને હલકાં મનુષ્યો નાચે અને આપ ક્ષત્રિય બનીને બેઠા બેઠા એ નાટક ઉપર ખુશી થાઓ, એની લજ્જા તો આપને જ આવવી ઘટે ! કોઈ સાધારણ લોકો પણ પોતાનાં કુટુંબીજનોના વેશ જોઈને કદિ ખુશી થાય ખરા કે ?”
“અને તમે ગંગામૈયાની પણ નિન્દા કરો છો, કેમ?”
“ના ભાઈ, હું ગંગાની નિન્દા નથી કરતો. પણ ગંગા જેવી અને જેટલી છે તેવી અને તેટલી જ હું એને વર્ણવી બતાવું છું.”
“એટલે ! ગંગા કેટલી છે ?”
કમંડળ ઉઠાવીને સ્વામીજી બોલ્યા, “જુઓ, મારે માટે તો આ કમંડળ ભરાય તેટલી જ ” .
કર્ણસિંહના હોઠ કમ્પી રહ્યા હતા.
સ્વામીજી ફરીવાર બોલ્યા, “રાવ સાહેબ, આપના કપાળમાં આ તિલક શાનું છે?”
“એ 'શ્રી' છે. એને ન ધારણ કરનાર ચંડાળ છે." રાવે ડોળા ફાડ્યા.
'આપ ક્યારથી વૈશ્નવ થયા ?'
'કેટલાં યે વર્ષો થયાં.'
'અને આપના પૂર્વજો પણ વૈશ્નવ હતાં કે?' 'ના.'
'ત્યારે આપના કથન પ્રમાણે તો આપના પૂર્વજો તેમજ થોડાં વર્ષ પૂર્વે આપ પોતે પણ ચંડાળ જ હતા એમ ઠર્યું !'
રાવનો હાથ તલવારની મૂઠ ઉપર ગયો અને એણે ત્રાડ દીધી, 'મ્હોં સંભાળીને બોલ !'
બીજા દસબાર હથિયારબંધ લોકો હતા તેના પંજા પણ પોતપોતાની તલવાર પર ગયા. શ્રોતાઓ ડરી ગયા. પણ સ્વામીજીએ તો પોતાની સદાની ગંભીર વાણીમાં શરૂ રાખ્યું કે 'શીદને ડરો છો ? કશી ચિંતા નથી. મેં સત્ય જ કહ્યું છે.'
રાફડામાંથી ભભૂકતા ફણીધરની માફક રાવ કર્ણસિંહ ફુંકાર કરતા ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા. એનો જમણો હાથ વારંવાર ખડ્ગની મૂઠ પર જવા માંડ્યો. પરંતુ સ્વામીજીએ તો મ્હોં મલકાવીને જ શાંત વાણી ઉચ્ચારી કે “રાવ સાહેબ, વારંવાર ખડ્ગ શા માટે ખખડાવો છો ? જો શાસ્ત્રાર્થ કરવો હોય તો આપના ગુરૂજીને તેડી લાવો, પણ જો શાસ્ત્રાર્થ જ કરવો હોય તો પછી અમને સંન્યાસીને શીદ ડરાવો છો ? જઈને જયપુર જોધપુરની સાથે બાખડો ને !'
કોપ-જ્વાળામાં સળગતો રાવ તલવાર ખેંચીને સ્વામીજીની સામે ધસ્યો. એકવાર તો સ્વામીજીએ ધક્કો દઈને દુશ્મનને પાછો નાખ્યો, ત્યાં તો ચેાગણો કોપ કરીને રાવ ફરીવાર ધસ્યો. સ્વામીજી પર તલવાર ફરવાની જરા યે વાર નહોતી. પણ સ્વામીજીએ ઉભા થઈને ઝપાટામાં પોતાનો પંજો પહોળો કરી રાવના હાથમાંથી તલવાર ઝાલી ઝુંટવી લીધી, અને તલવારની પીંછીને જમીન ઉપર ટેકવી, મૂઠ પર એક એવો દાબ દીધો કે 'કડાક' કરતા એ તલવારના બે ટુકડા થઈ ગયા. રાવનું કાંડું પકડીને સ્વામીજીએ કહ્યું, “કેમ, હવે હું તમારા પર પ્રહાર કરીને બદલો લઉં, એવી તમારી ઇચ્છા છે ખરી ?'
રાવનું મોં ઝંખવાણું પડ્યું.
'રાવ સાહેબ ! તમારા અત્યાચારથી ચીડાઈને હું તમારૂં બુરું ચિન્તવું નહિ. હું સંન્યાસી છું. જાઓ, પ્રભુ તમને સન્મતિ આપે !'
તલવારના બંને ટુકડા સ્વામીજીએ દૂર ફગાવી દીધા. રાવ વિદાય થઈ ગયા. આ ઉગ્ર ઘટના બની તે વેળા પચાસ માણસો સ્વામીજી પાસે બેઠા હતા. તેઓએ એવો આગ્રહ કર્યો કે રાવને અદાલતમાં ઘસડવા જોઈએ. સ્વામીજી કહે કે 'એ કદિ ન બને, એ બિચારા તો પોતાની ક્ષત્રિવટ ચૂકશે, પણ હું મારા બ્રાહ્મણત્વમાંથી શા માટે લથડું ?
'ભક્તજનોએ આવીને સ્વામીજીને વિનવ્યા કે લોકો આપની જીંદગી લેવા વારંવાર હુમલા કરે છે. તો આપ આંહી ઉધાડા સ્થાનમાં ન રહેતાં અમારા અંદરના ખંડમાં રહો.'
સ્વામીજી કહેતા કે 'ભાઈ ! અહીં તો તમે રક્ષણ કરશો; પણ હું બીજે જઈશ ત્યાં કોણ બચાવવાનું હતું? મને તો પ્રભુ જેવડો ચોકીદાર મળ્યો છે, મને કશો ભય નથી.”
એક દિવસ સભાની વચ્ચોવચ્ચ એક કાલિનો ઉપાસક બ્રાહ્મણ નશામાં ચકચુર થઈને આવ્યો અને ગાળો દેતાં દેતા સ્વામીજીની સામે પગરખું ફેક્યું, પગરખું તો સ્વામીજીને ન વાગતા વચ્ચે જ પડી ગયું, પણ ત્યાં બેઠેલા સાધુઓની આંખોમાં ખૂન ભરાઈ આવ્યું. તેઓ આ બ્રાહ્મણને પકડીને મારવા મંડ્યા. સ્વામીજીએ તેઓને અટકાવીને કહ્યું કે 'શા માટે ? મને કંઈ જ દુ:ખ નથી. અને કદાપિ જોડો મને વાગ્યો હોત તો પણ એ ક્યાં રામબાણ હતું ?'
'મહારાજ, એકલા એકલા આપ હસી કાં રહ્યા છો?' એક દિવસ ભક્તોએ પૂછ્યું.
'જુઓ, એક માણસ અહીં ચાલ્યો આવે છે. હમણાં તમને એનો તમાશો બતાવું.” સ્વામીજીએ જવાબ દીધો.
ત્યાં તો એક બ્રાહ્મણ મિષ્ટાન્ન લઈને આવી પહોંચ્યો, 'સ્વામીજી નમો નારાયણ ' કહીને એણે મિષ્ટાનની ભેટ ધરી.
સ્વામીજીએ કહ્યું, 'લ્યો, થોડું તમે પણ ખાઓ; હું પણ ખાઉં.'
પરંતુ પેલા માણસે મીઠાઈ ન લીધી. સ્વામીજીએ ત્રાડ મારીને કહ્યું, 'ખાઓ કેમ નથી ખાતા?'
બ્રાહ્મણ કાંપી ઉઠ્યો. એણે બે હાથ જોડ્યા. સ્વામીજીએ પાસે બેઠેલા એક કુતરાને બટકુ ખવરાવ્યું. તરત કુતરો ઢળી પડ્યો.
હસતા હસતા પોતાના ભક્તોને આ ઘટના બતાવીને પોતે બોલ્યા કે 'આટલા માટે હું હસતો હતો. આ વિષ- પ્રયોગ જોયો ?'
ભક્તો પોલિસને બોલાવવા ઉઠ્યા. સ્વામીજી કહે કે 'એ ન જ બને. જુઓ, એ બાપડો થરથરે છે એને એટલી સજા બસ થશે.'
બ્રાહ્મણને છોડી દેવામાં આવ્યો.
અમૃતસરમાં એક દિવસ એક પાઠશાળાના શિક્ષકે પોતાના નાની વયના વિઘાર્થીઓને શીખવ્યું કે 'ચાલો, સાંજે આપણે એક સ્થળે કથા સાંભળવા જવાનું છે. તમે તમારાં દફતરમાં ઇંટોના ટુકડા ભરી લો, ત્યાં હું ઇસારા કરું કે તૂર્ત જ તમે એ કથા કહેનારની ઉપર ઇંટોનો મારો ચલાવજો. કાલે તમને લાડુ આપવામાં આવશે.'
એ કથાકાર મહર્ષિ દયાનંદ વિના બીજો કોણ હોય ? બાળકો સહિત ગુરૂજી કથામાં ગયા. સાંજ પડી અને અંધારું થયું કે તત્કાળ ગુરૂજીએ આજ્ઞાંકિત છોકરાઓને ઈશારત કરી. તત્કાળ સ્વામીજીના માથા પર ઈંટને વરસાદ વરસવા લાગ્યો. આખી સભા ખળભળી ઉઠી. પણ સ્વામીજીએ સૌને શાંત પાડ્યા, પોલિસના અધિકારીઓએ એ બાળકોમાંના કેટલાએકને પકડીને સ્વામીજીની પાસે હાજર કર્યા. પોલિસના પંજામાં સપડાયેલાં એ બટુકો ચોધાર રડતાં હતાં. ડુસકા ભરતાં ભરતાં તેઓએ કબુલ કર્યું કે 'અમારા ગુરૂજીએ અમને લાડુની લાલચ દઈને આ કૃત્ય અમારે હાથે કરાવ્યું હતું.'
સ્વામીજીએ એ જ પળે લાડુ મંગાવ્યા, બાળકોને વહેંચી દીધા અને કહ્યું કે “બચ્ચાઓ ! તમારા ગુરૂજી તો હવે કદાચ તમને લાડુ ન આપે, એમ સમજીને હું જ આપી દઉં છું ખાઓ, અને આનંદ કરો !'
એક વખત વ્યાખ્યાન ચાલી રહ્યું છે, ઇસ્લામના સિદ્ધાંતો ઉપર નિખાલસ દિલે શાંત ચર્ચા થાય છે. એવામાં એક તરૂણ મુસલમાન ત્રાડ દેતો ઉભો થઈ ગયો. તલવારની મૂઠ પર હાથનો પંજો પસારીને એ બોલ્યો, 'અય સ્વામી, મ્હોં સંભાળીને બોલજો, ખબરદાર અમારા ! ધર્મ વિષે એક કંઈ બોલ્યા છો તો !'
અત્યંત કોમલ સ્વરે સ્વામીજી બોલ્યા, 'બેટા ! તારા મ્હોંમાં તો હજુ દુધીઆ દાંત છે, જો હું તારી એવી ત્રાડોથી ડરતો હોત તો આટલું જોખમ શિર પર ઉઠાવીને શીદ ઘૂમત? બેસી જા, ભાઈ !'
લજ્જા પામીને યુવક બેસી ગયો.
અજમેરનો પાદરી શૂલબ્રેડ સાહેબ, સ્વામીજીનાં નિખાલસ સત્યની ઝાળને સહન ન કરી શક્યા. રાતી પીળી મુખમુદ્રા કરીને એણે સ્વામીજી સન્મુખ ચેતવણી ઉચ્ચારી કે 'કેદમાં પડશો, કેદમાં !'
હસીને સ્વામીજીએ જવાબ દીધો: 'બંધુ, સત્ય ખાતર કેદ પકડાવું એ તો લગારે લજ્જાની વાત નથી. એવી વાતોથી હું હવે નિર્ભય બની ગયો છું. મારા વિરોધીઓ કદાચ મને તુરંગની કોટડીમાં નખાવશે, તો એ વેદના સહેતાં સહેતાં ન તો હું મારા પ્રતિપક્ષીઓનું બુરૂ વાંછવાનો કે ન તો મારા દિલમાં કશી દિલગીરી થવાની, પાદરીજી! લોકોને ડરાવ્યો હું સત્યને નહિ છોડું. ઇસુ ભગવાનને યે ક્યાં નહોતું લટકવું પડ્યું.'
એક દિવસ એક બ્રાહ્મણે આવીને સ્વામીજીને પાનનું બીડું અર્પણ કર્યું. ભાવિક મનુષ્યની સ્નેહ-ભેટ સમજીને સ્વામીજીએ બીડું મ્હોંમાં મૂક્યું. લગાર રસ લેતાં જ પોતે પામી ગયા કે પાનમાં ઝેર છે, એ પાપીને કશું યે ન કહેતાં પોતે ગંગાકિનારે જઈ, ઉલટી કરી, ઝેર ઉતારી નાંખ્યું. કાંઈ યે ન બન્યું હોય તેમ આવીને પાછા આસન પર શાંત મુખમુદ્રા લઈ બેઠા, પણ પાપ ન છુપ્યું. અપરાધી ઝલાયો. તહસીલદારે એ પાપીને પકડી ગિરફતાર કર્યો. તહસીલદારે માન્યું કે સ્વામીજી પોતાના પર પ્રસન્ન થશે, પણ સ્વામીજીએ તો એની સાથે બોલવુંયે બંધ કર્યું. ચક્તિ બનેલા તહસીલદારે સ્વામીજીની નારાજીનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે 'ભાઈ ! મારે ખાતર તમે એક પામર મનુષ્યને કેદમાં પૂર્યો તેથી હું ઉદાસ છું. હું આંહી મનુષ્યને બાંધવા નથી આવ્યો, મુક્ત કરવા આવ્યો છું, બીજાઓ પોતાની સજ્જનતા ત્યજે, પણ તેથી હું મારી ખાનદાનીને શા સારૂં ગુમાવું?
તહસીલદારે બ્રાહ્મણને છોડી દીધો.
કાશીના મહારાજાની સરદારી નીચે બનારસી પંડિતોએ આવીને એક વાર દયાનંદજીને શાસ્ત્રાર્થને માટે ઘેરી લીધા. પોતાના વિજયની જૂઠી તાળીઓના હર્ષનાદ કરીને સંધ્યાકાળે પંડિતોની ટોળીએ શોર ઉઠાવ્યો. ગડબડ મચી ગઈ. પચાસ હજાર શ્રોતાઓની મેદનીમાંથી સ્વામીજીને શિરે ઈંટો, પત્થરો, છાણ અને ખાસડાંની તડાપીટ બોલી. સાધુવર શબ્દ સરખો યે ન બોલ્યા, ફૂલો વરસતાં હોય તેવી પ્રસન્ન મુખમુદ્રા રાખીને બેઠા રહ્યા. પંડિતો પણ પોતાનો દિગ્વિજય થયો માની ચાલ્યા ગયા. ઈશ્વરસિંહજી નામના એક પંડિતે જ્યારે દયાનંદ ઉપર આવું વીતક વીત્યાની વાત સાંભળી, ત્યારે એણે મનસૂબો કર્યો કે, “ચાલો, જોઈએ તો ખારા કે અત્યારે દયાનંદ ઉપર આ અપમાનની શી અસર થઈ છે ? એના બ્રહ્મજ્ઞાનીપણાનું માપ તો કાઢીએ.'
ઈશ્વરસિંહજી ઉદ્યાનમાં પહોંચ્યા. જુએ છે તો શીતલ સુમધુર ચાંદનીમાં સ્વામીજી કુંજર શી ગતિએ ટેલી રહ્યા છે. પંડિતને સ્નેહભાવે સત્કાર કરીને સ્વામીજીએ જ્ઞાનવાર્તાઓ માંડી. મધુર વિનોદ રેલાવ્યા, ન મુખ પર ઉદાસીનો છાંટો, ન વ્યાકુળતા, ન ખેદ, કે ન લગારે છુપો રાગ ! જાણે કશુંય બન્યું નથી: ઈશ્વરસિંહજીએ એવી વિજયવંત સાધુતાનાં દર્શન કર્યા. યોગીવરના નિર્મળ ચિદાકાશમાં નિરાશાની નાની સરખી યે વાદળી ન ભાળી. પંડિતજીથી બોલાઈ ગયું, 'મહારાજ ! આજ સુધી હું આપને પંડિત જ માનતો હતો. આજે એ પંડિતાઈને પેલે પાર જઈને મેં જાણે કે સાચા વીતરાંગના દર્શન કર્યા !'
મથુરાપુરી આખી ખળભળી ઉઠી છે, જાણે કોઈ શયતાન આવીને ધર્મને નરકમાં ઘસડી જાતો હોયની, એવી વ્યાકુળતા મથુરાના પંડાઓમાં મથી રહી છે. સ્વામીજીએ આહ્વાન દીધું છે : 'સુખેથી શાસ્ત્રાર્થ કરવા ચાલ્યા આવો.'
પાંચસો પંડા આવ્યા, પણ શાસ્ત્રાર્થ કરવા નહિ, ગાળાગાળી અને મારામારી મચાવવા ! અગાસી ઉપર ઉભા ઉભા સ્વામીજી મ્હોં મલકાવી રહ્યા છે અને જમાવટ કરીને નીચે ઉભેલા લાઠીદાર ચોબાઓ ગાળો ને મારો ચલાવે છે. મકાન ઉપર ચોકી કરતા ક્ષત્રિય સેવકોએ સ્વામીજીને કહ્યું કે 'મહારાજ, થોડીક રજા આપો. આ પંડાઓને પાંસરા કરીએ.'
સ્વામીજી કહે છે કે 'ના ભાઇ ! આ ધર્માંધતા ઉપર દયા ઘટે, કો૫ ન ઘટે. બાકી તો મારા આંહી આવવાનો આટલો યે લાભ શું ઓછો છે, કે આ આળસુના પીર, ઉંઘતા પશુવત પંડાઓમાં પણ આટલી જાગૃતિ આવી ! આટલી સંખ્યામાં એ બાપડા એકઠા મળ્યા, એ ફાયદો કાંઈ કમ નથી !'
સ્વામીજી વ્યાખ્યાન દઈ રહ્યા છે, એવે ભર સભામાં એક કસાઈએ અને કલાલે આવી, બૂમો પાડીને ઉઘરાણું કરવા માંડી કે 'અય સ્વામીજી ! હવે તે બહુ દિવસ વાયદા દીધા. આટલો બધો આંકડો ચડ્યો છે, માટે હવે તો પૈસા ચૂકાવો !'
આવું સાંભળીને સ્વામીજીના સેવકોની આંખોમાં ખૂન ભરાયું. સ્વામીજી બોલ્યા કે “ખામોશ પકડો ! એને શબ્દ પણ ના કહેશો હો !'
સભા જેમની તેમ ચાલુ રહી. શાંતિથી વ્યાખ્યાન ખતમ થયું. એટલે સ્વામીજીએ એ બન્નેને ગળે પોતાના હાથ વીંટ્યા. પૂછ્યું “ભાઈ સાચું કહેજો હોં, આ તમને કોણે શીખાવેલું?' હાથ જોડીને બન્ને બોલ્યા 'બાપુ ! માંગીલાલ મુનીમે. અમને બદલો દેવાનું પણ એમણે વચન દીધું છે.'
'કશી ફિકર નહિ !' એટલું જ કહી, હસીને સ્વામીજીએ બન્નેને છોડી દીધા.
મુંબઈમાં દયાનંદનાં પગલાં થયાં. વલ્લભી સંપ્રદાયના ગોંસાઈ મહારાજોએ માન્યું કે આપણો કાળ આવ્યો. સ્વામીજીને સલાહ મળી કે 'મહર્ષિજી, વલ્લભપંથીઓની છેડ ન કરતા હો!'
દયાનંદજી કહે છે કે 'ભાઈ, અસતને તે ઈંદ્રના આસન પર પણું દીઠું નહિ મેલું. મારૂં ભલે થવું હોય તે થાઓ !'
“બલદેવસિંહ ! બચ્ચા ! તારી આંખોમાં આજ હું મારૂં મોત ઉકેલી રહ્યો છું.” ઓચીંતા એક દિવસ પોતાના સાથી પ્રત્યે મહર્ષિજી બોલી ઉઠ્યા.
બલદેવને માથે જાણે વિજળી પડી.
'બો બચ્ચા ! આજ ગોંસાઈને ત્યાં ગયો હતો ?'
બલદેવે ચક્તિ બનીને ડોકું ધુણાવ્યું.
'શી શરતે મને વિષ દેવાનું ઠર્યું છે ?'
'એક હજાર રૂપીએ.' લાઈલાજ બનેલા બલદેવે પૂરેપૂરું અંતર ખોલી નાખ્યું.
'જો બચ્ચા, પરમેશ્વર જેનો રખેવાળ છે એને કોઈ ન મારી શકે હો ! કાશીમાં મને હળાહળ ઝેર દીધેલું હતું. રાવ કર્ણસિંહે પાનમાં ઝેર ભેળવીને ખવાડ્યું હતું. બીજા કૈંકે એ પ્રયોગો મારા પર અજમાવ્યા છે, છતાં હું જીવું છું, ને યાદ રાખજે, હું હમણાં નથી મરવાનો.'
બલદેવસિંહ સ્વામીના ચરણોમાં લેટી પડ્યો.
મુંબઈમાં વ્યાખ્યાન ચાલી રહ્યું છે. વલ્લભ સંપ્રદાયના ટોળાએ ઈંટ, પત્થર અને ધુળના પ્રહારો સ્વામીજીના માથા પર શરૂ કરી દીધા. સહુએ સ્વામીજીને વ્યાખ્યાન બંધ કરવાની સલાહ દીધી. જવાબમાં સ્વામીજી બોલ્યા:
“મારાં ભાંડુઓએ ફેંકેલા ઇંટ પત્થર તો મારે મન ફૂલોની વૃદ્ધિ સમાન છે. બાકી વ્યાખ્યાન તો ઉચિત સમયે જ સમાપ્ત કરીશ; અધૂરું તો નહિ મેલાય. ભલે પત્થરો વરસતા.'
માર સહેતાં સહેતાં સ્વામીજીએ બરાબર મુકરર સમયે જ વ્યાખ્યાનની સમાપ્તિ કરી.
૧૮૭૫માં ન્યાયમૂર્તિ સ્વ. મહાદેવ ગોવિન્દ રાનડેએ સ્વામીજીને પૂનામા નિમંત્ર્યા. ત્યાં જઈને સ્વામીજીએ પંદર વ્યાખ્યાનો દીધા. વિદાયને દિવસે પ્રજાએ પાલખીમાં વેદ પધરાવી, હાથીને હોદ્દે સ્વામીજીને બેસાડી, ધર્મ–સવારી કાઢી. નગરની બદમાસ ટાળીએ આની સાથોસાથ 'ગર્દભાનંદ સવારી' ચડાવી કોલાહલ કર્યો. અપશબ્દોની ઝડી વરસાવી વરસાદમાં ભીંજેલી પરતી પરથી કાદવ ઉપાડી ઉપાડીને છાંટ્યો. સ્વામીજી અને સ્વ. જસ્ટીસ રાનડે, બન્ને જણા કાદવમાં ખરડાયા. જસ્ટીસ રાનડેએ હુકમ આપ્યો હોત તો પલકમાં એ ટાળું તુરંગનાં દ્વાર દેખત. પણ સ્વામીજીએ હસીને કહ્યું “રાનડેજી, કશી ચિન્તા નહિ, કશું યે કષ્ટ આ બાપડાઓને દેશો નહિ.”
મિરજાપૂરમાં છોટુગિર નામનો એક ગુંસાઈ રહેતો હતો. ભારી જલદ પ્રકૃતિનો એ આદમી હતો. એક વખત એ જબરદસ્ત ટોળું લઈને સ્વામીજીના મુકામ પર ચડી આવ્યો. આવતાંની વાર જ સ્વામીજીના પગ ઉપર પગ રાખીને એ તો બેસી ગયો અને ફાવે તેમ બકવાદ કરવા લાગ્યો. સ્વામીજીએ પૂછ્યું 'આ કોણ છે ?'
'કાશી વિશ્વનાથ જેવા જ અહીંના એક પ્રાચીન મહાદેવના પૂજારી છે.'
સ્વામીજી સમજી ગયા કે આ ભાઇ લડાઇ મચાવવા જ આવ્યા છે, એટલે તો પોતે વધુ નિર્ભય બનીને કાશીવિશ્વનાથનું ખંડન કરવા મંડ્યા. સ્વામીજીની પાસે પતાસાંનો ડબો પડ્યો હતો તેમાં હાથ ઘાલીને આ ગુંસાઈ એક એક પતાસું ઉઠાવીને અજીઠે હાથે પતાસાં બુકડાવવા લાગ્યો.
સ્વામીજી શાંત સ્વરે બોલ્યા, 'અરે ભાઇ, પતાસાં ખાવાં હોય તો, મૂઠો ભરીને એક સામટાં લઇ લેને ! મારાં બધાં પતાસાં શીદને અજીઠાં કરી રહ્યો છે ?'
ગુંસાઇ માન્યો નહિ. એટલે સ્વામીજીએ ત્રાડ નાખીને સેવકોને આજ્ઞા કરી કે 'બહારનો દરવાજો બંધ કરી દો. હું એકલો જ આ બધાને હમણાં સીધા કરી નાખું છું.'
વિકરાલ આકૃતિને દેખીને છોટુગિરનું હૃદય કમ્પી ઉઠ્યું. એણે પોતાનો કાળ ભાળ્યો. ખસીને એ દૂર બેસી ગયો. ટોળું દિગ્મૂઢ બની ઉભું રહ્યું.
છોટુગિરનો ઘમંડ તે વખતે તો તૂટી ગયો. પણ એની દ્વેષ-જ્વાળા ઓલવાઇ નહિ. એક રાત્રિયે એણે બે પહેલવાનોને સ્વામીજી પર હુમલો કરવા મોકલ્યા. રાત્રિને શાંત સમયે સ્વામીજી એક ભક્તને ધર્મ નું ૨હસ્ય સમજાવી રહ્યા હતા. એવામાં આ ગુંડાઓએ આવીને ઠઠ્ઠામશ્કરી આદરી દીધાં. એક બે વાર તો સ્વામીજીએ એને કોમળ વાણીમાં સમજાવ્યા. પણ જ્યારે એણે જોયું કે ભલમનસાઇ ફોગટ જાય છે, ત્યારે પોતે સિંહગર્જના કરી. અને એ તો આત્મસિદ્ધ બ્રહ્મચારીની ત્રાડ ! છાતિ વિનાના એ બન્ને માનવ-પશુઓ કાંપી ઉઠ્યા. પરસેવે ભીંજાયા. પેશાબ છુટવાથી વસ્ત્રો પણ બગડ્યાં. સ્વામીજીએ સૌમ્ય સ્વરે કહ્યું કે 'જાઓ, સુખેથી ચાલ્યા જાઓ. અમે સંન્યાસી છીએ. અમારા ધર્મ કોઇને મારવાનો નથી, બચ્ચાઓ !'
ફરીવાર સ્વામીજી કર્ણવાસમાં આવી ચડ્યા છે, બરેલીના પેલા ઠાકોર રાવ કર્ણસિંહ પણ ત્યાં શરદપૂર્ણિમાનું સ્નાન કરવા આવ્યા છે. એની રયાસત સાથે તો નાચરંગને માટે વેશ્યાઓ પણ શામિલ રહેલી છે ! સ્વામીજીના મુકામથી દોઢસો જ કદમ પર રાવનો ઉતારો છે.
રાવના અંતરમાં આગલા પ્રસંગનું વેર ખટકતું જ હતું. મતિ ગુમાવીને એણે પોતાના ત્રણ નોકરોને ચકચકતી તલવારો આપી સ્વામીજીનો વધ કરવા મોકલ્યા.
અધરાતનો સમય છે. ચોમેર ચુપકીદી છવાયેલી છે. કેવળ ગંગાનો ઘેરો રવ ગુંજે છે. અને વાયુની કોઇ કોઇ લહરીમાં ઝાડ પરનાં પાંદડાં ખડખડ હસે છે. સ્વામીજી ધ્યાનમગ્ન છે. થોડે અંતરે પોતાના ભક્ત કૈધલસિંહ ગાઢ નિદ્રામાં પડ્યા પડ્યા નસકોરાં બોલાવે છે.
એ સમયે કર્ણસિંહના ત્રણ નોકરો હાથમાં ખુલ્લી તલવાર લઇને ચુપચાપ ચાલ્યા આવ્યા. આવ્યા છે તો ખરા, પણ અંગો થરથર ધ્રૂજે છે. કલેજાં ધબકારા મારે છે. તલવારો તો તીક્ષ્ણ છે, પણ એક નિર્દોષ વીતરાગ પર એ તલવારો ચલાવવા જેટલી હિંમત તેઓના હાથમાં નથી રહી.
બહુ વાર સુધી તેઓ થંભી રહ્યા. આખરે થાક્યા. છાતી ન ચાલી. પાછા વળીને રાવની પાસે આવ્યા. રાવે ધમકાવી ફરીવાર મોકલ્યા. તે વખતે સ્વામીજીની સમાધિ ઉતરી ગઇ હતી અને રાવે પોતાના નોકરોને દીધેલ ધમકી પણ સ્વામીજીએ કાનોકાન સાંભળી હતી. બીજી વાર પણ નોકરો પાછા વળ્યા. પણ રાવની જીદ તો ઋષિના દેહની સાથે મોતની હિચકારી રમત રમી નાખવા જ ચાહતી હતી. એણે નોકરોને ફરીવાર ધમકાવી ધકેલ્યા.
એ આવ્યા. સ્વામીજીએ બીજું કાંઇ જ ન કર્યું. ઉઠીને એક ગગનભેદી હુંકાર ગજવ્યો. જમીન પર એક લાત મારી. તલવારધારીએાની ભુજામાંથી તલવારો પડી ગઇ. એ નાઠા.
કૈધલસિંહજીની આંખ પણ ઉઘડી ગઇ. સ્વામીજીને એણે વિનવ્યા “હત્યારાઓ હજુ ફરીવાર આવશે હો મહારાજ ! માટે ચાલો, ક્યાંઇક છુપાઇને રાત વીતાવીએ.”
જવાબમાં સ્વામીજીના મુખમાંથી ગીતાપાઠ ગુંજી ઉઠ્યો કે
नैनं छिन्दति शस्त्राणि
'કૈધલ ! ભાઈ ! સંન્યાસી તે ગઢ ગુફાના આશરા ક્યાં સુધી શેાધતો ફરશે? મારો રક્ષણહાર તો પ્રભુ જેવડો હજાર હાથવાળો બેઠો છે. તું ગભરા નહિ ભાઇ ! હું જો ધારત તો એ ત્રણેના હાથમાંથી તલવારો છીનવીને તેઓનાં માથાં વાઢી લેત.'
તે દિવસે જ રાજઘાટ ઉપર પંજાબી સેનાની એક ટુકડીનો પડાવ હતો. તે લોકોને રાવ કર્ણસિંહના આ અત્યાચારની જાણ થઇ ગઇ. તેઓનું ખૂન તપી આવ્યું. પચીસ પંજાબી વીરો શસ્ત્રો બાંધીને સ્વામીજીની પાસે આવી ગરજ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે “એક વાર અમને આજ્ઞા આપો ને પછી જોઇ લો, કે અમે એ સાધુઓના શત્રુને કેવો સ્વાદ ચખાડીએ છીએ ! ભલે અમારી નોકરી તૂટી જાય. પણ એને તો પૂરો કરીને જ પાછા ફરશું.' પ્રેમભરપુર શબ્દો વડે સ્વામીજીએ એ સૈનિકોને શાંત કર્યા અને સત્સંગમાં બેસી એક શીતળ ઉપદેશ સંભળાવ્યો.
અમૃતસરમાં છ સાત હજાર મનુષ્યોની મેદની જામી છે. આજે પંડિતો અને મહર્ષિજીની વચ્ચે પ્રશ્નોતરીનો મામલો મચવાનો છે, મહર્ષિજી બેઠા છે. થોડીવારમાં પંડિતોનું ટોળું જયનાદ ગુંજતું દાખલ થયું. સાત આઠ તિલકધારી પંડિતો બગલમાં પુસ્તકો દબાવીને સન્મુખ બેસી ગયા. ત્યાં તો ચારે બાજુથી પંડિતોના ચેલાઓએ ઇંટપત્થરનો મારો ચલાવ્યો. સભા-મંડપમાં ધૂળની મોટી ડમરી ચડી. પોલીસો દોડી આવ્યા પંડિતો પલાયન કરી ગયા. સેવકો કોપાયા. ટોળાને પીટવા ઉઠ્યા.
સ્વામીજીએ સૌમ્ય નેત્રે આનંદભર વાણી કાઢી 'ગરમ ન થશો, બચ્ચાઓ ! આ તો મદિરા-પાનનો નશો કહેવાય. અને મારું કાર્ય તો વૈદ્યનું ગણાય. દારૂડિયાને વૈદ્ય મારે નહિ. ઔષધ આપે. વળી હું તો આર્યધર્મની ફૂલવાડીનો પામર માળી છું. ફૂલવાડીમાં ખાતર પૂરતાં પૂરતાં માળીનાં અંગ ઉપર પણ ધૂળ, કચરો છવાય. એમાં શી તાજ્જુબી છે ! અને એની ચિન્તા નથી. હું ઝંખું છું એટલું જ કે આ ફૂલવાડી સદાય લીલીછમ રહે અને ફાલ્યા કરે.'