લખાણ પર જાઓ

ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/નિવેદન

વિકિસ્રોતમાંથી
ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬


નિવેદન

'પયગમ્બર એના દેશમાં અને એના યુગમાં નથી પૂજાતો' એ કહેણી સૈારાષ્ટ્રના પયગમ્બર – પુત્ર દયાનન્દજીના સંબંધમાં તો અક્ષરશઃ સાચી ઠરી છે. ધાર્મિક કલહો અને ક્લેશોથી ખરડાયેલા ગયા જુગમાં - એાગણીશમી સદીમાં એ યુગસૃષ્ટા પુરૂષનાં સાચાં મૂલ ન મૂલવાયા હોય એ શક્ય છે; પણ આજના નવયુગમાં યે એ પુરૂષની સાચી કીમ્મત ન મૂકાય અને માત્ર તેનો એક પંથ-સ્થાપક તરીકે જ આંક અંકાય, એ અજુગતુ લાગે છે. એ રીતે, આજે Greater Dayanand - મહર્ષિ દયાનન્દ અને Nation-builder Dayanand - રાષ્ટ્રવિધાયક દયાનન્દ સાવ ભૂલાઈ ગયા છે; અથવા તો એ મહત્તા ઘણી જ ઓછી પૂજા પામી રહી છે. અને સૌરાષ્ટ્ર તો એના એ સપૂતને સાવ ભૂલી ગયું છે. એ ભૂલ સુધારવા સૌરાષ્ટ્રની પ્રજાને નામે આ એક પ્રયત્ન છે.

સૌરાષ્ટ્રના પ્રતિભાવંત પુત્રોને અને ભારતના રાષ્ટ્રસૃષ્ટાઓનો ગુજરાતને સાચો પરિચય કરાવવાનો 'સૈારાષ્ટ્ર'નો, બીજા અનેક અભિલાષો માંહેનો, એક અભિલાષ છે. એજ દૃષ્ટિથી 'દેશબંધુ'ની જીવનકથા ગુજરાતને ચરણે ધરી છે અને આજે આ 'ઝંડાધારી'નું જીવનચરિત્ર જનતાને ચરણે, ધરું છું. એમાંથી ગુજરાતની પ્રજાને દયાનન્દની થોડીયે સાચી પિછાન મળશે અને ગત યુગની એ પરમ સમર્થ વ્યક્તિને ભારતના પૂજનીય પુરૂષોના મંદિરમાં યોગ્ય સ્થાન અપાશે એવી મારી આશા છે.

પુસ્તક બે ભાગમાં વહેંચાયું છે. પ્રથમ ભાગ - મહર્ષિજીની જીવનકથા ભાઈશ્રી કકલભાઈ કોઠારીએ લખી છે અને બીજો ભાગ, જેમાં મહર્ષિજીની મહત્તાના દર્શક એમના જીવનના પ્રસંગો અપાયા છે, તે ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી છે.

તા. ૬-૨-૨૬ શનિવાર
અમૃતલાલ શેઠ