ઝાલર વાગે ને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ઝાલર વાગે ને વા'લો હરિરસ ગાય
કાન ગોપીઓનો છેડો સાહ્ય

મેલો મેલો ને કાનુડા અમ્મારા ચીર
અમે ગોપીયું છીએ નિરમળા નીર

છેડો ફાટ્યો ને ગોપી રાવે ગઈ
જશોદા મંદિર જઈ ઊભી રહી

માતા જશોદા તમ્મારો કાન
નિત્ય મારગડે માંગે છે દાણ

દાણ માંગે ને વળી લૂંટી ખાય
ઈ તે ગોકળિયામાં કેમ રે'વાય

જાવ જાવ ગોપીયું તમ્મારે ઘેર
આવે કાનો તો માંડુ વઢવેડ

સાંજ પડી ને કાનો આવ્યો છે ઘેર
માતા જશોદાએ માંડી વઢવેડ

ભાઈ કાનુડા તારે આવડી શી હેર
નિત્યના કજિયા લાવે મારે ઘેર

માતા જશોદા તમ્મારી આણ
જુઠુ બોલે ગોપી ચતુરસુજાણ

વનમાં ચારું હું એકલો ગાય
ચાર-પાંચ ગોપીયું ભેળી થાય

પરથમ આવે ને મારી ઝાલર બજાય
બીજી આવે ને મારો મુગટ ઘેરાય

ત્રીજી આવે ને મારી તૃષ્ણા કરે
ચોથી આવે ને મારે ચરણે પડે

એટલી વપત્ય મને વનમાં પડે
તો યે ગોપીઓ મારી રાવ જ કરે !