ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી
ભક્તો ગાયે ને ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને દરવાજે નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે
રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં
હાથે ખડગ ત્રિશુલ સોહાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે
માની સૌ દેવો આરતી ગાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે
ભક્તો જોઈને વિસરે ભાન અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
માંએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં
મહીં ઝળકે છે તેજ અપાર અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી
ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે