ઝેરી કાંટો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઝેરી કાંટો
લોકગીત


<poem> હું તો ભૂંભલાં વીણવા ગઈ'તી રે, રાજલ મારવાડી ! મને ઝેરી કાંટો વાગ્યો રે, રાજલ મારવાડી !

મારા સસરાને તેડાવો રે, રાજલ મારવાડી ! મારા સસરા વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી ! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારા જેઠને તેડાવો રે, લાગભાગ સોપી દઉં, મારા જેઠ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી સાસુને તેડાવો રે, ઘરબાર સોંપી દઉં, મારી સાસુ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી શોક્યને તેડાવો રે, પરણ્યો સોંપી દઉં, મારી શોક્ય વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારા પરણ્યાને તેડાવો રે, છોકરાં સોંપી દઉં મારો પરણ્યો વૈદ્ય તેડાવે રે કાંટો ઝેરી છે. મારા પરણ્યાને વૈદ્ય સાચો રે, કાંટો કાઢવો છે; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે.

મારી સાસુને તેડાવો રે, ઘરબાર મારૂં છે; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે.

મારા જેઠને પાછા વાળો રે, લાગભાગ માગી લઉં; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે.

મારી શોક્યને તેડાવો રે, સાયબો પાછો લઉં; જીવી-જીવી, કેસરિયા લાલ! સાયબો મારો છે.