તેજમલ ઠાકોર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યાં રે
ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યાં રે

કાકો વાંચે ને દાદો રહ રહ રુવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે

શીદને રુવો છો દાદા શું છે અમને કહો ને રે
દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે
હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે

માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે
માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે

કાનનાં અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે
કાનનાં અકોટા દાદા બોકાનામાં રહેશે

હાથનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે
હાથનાં ત્રાજવા દાદા બાંયલડીમાં રહેશે રે

પગનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે
પગનાં ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે

દાંત રંગાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે
નાના હતાં ત્યારે મોસાળ ગ્યાં'તાં રે
ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે

નાક વીંધાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે
અમારી માતાને અમે ખોટનાં હતાં રે
નાનાં હતાં તે દિ' નાક વીંધાવ્યાં રે

ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે
સોનીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં બેરખડે મન મો'શે રે
અસતરી હશે તો એનાં ઝૂમણલે મો'શે રે

સંધા સાથીડાએ ઝૂમણાં મૂલવિયાં રે
તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે
વાણીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં પાઘડીએ મન મો'શે રે
અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે
તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ સંઘેડા હાટે જઈએ રે
સંઘેડાં હાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં ઢોલિયે મન મો'શે રે
અસતરી હશે તો એનાં ચૂડલે મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂડલા મૂલવિયાં રે
તેજમલ ઠાકોરિયાના ઢોલિયે મન મોયાં રે

ચાલો મારા સાથીઓ દરિયે ના'વા જઈએ રે
દરિયા કાંઠે જઈ અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એ દરિયો ડો'ળી ના'શે રે
અસતરી હશે તો એ કાંઠે બેસી ના'શે રે

સંધા સાથીડા તો કાંઠે બેસી ના'યા રે
તેજમલ ઠાકોરિયો તો દરિયો ડો'ળી ના'યો રે

ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે
લશ્કરમાં જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એ સામે પગલે ધાશે રે
અસતરી હશે તો એ પાછે પગલે ખસશે રે

તેજમલ ઠાકોરે જુદ્ધમાં પહેલો ઘા દીધો ને
સૌ સાથીડાં એની પાછળ ધાયાં રે

દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે
દાદે ને કાકે એને મોતીડે વધાવ્યાં રે