દિવાળીબાઈના પત્રો/પત્ર ૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પત્ર ૧૦ દિવાળીબાઈના પત્રો
પત્ર ૧૧
દિવાળીબેન


પત્ર ૧૧
૧૪-૯-૮૫
 

બલા જાણે જીવાશે કે નહિ તેનો પણ ભરૂસો છૂટી ગયો છે. વૈદો તો જોઈ જોઈને નવી ગ૫ હાંકે છે. કોઈ કહે છે કે 'ક્ષય થયો છે.' કોઈ કહે છે 'તંબોલીયો ક્ષય છે.' આ સાંભળીને મણિકુંવર ને તમારા ભાઈએ તો મારા નામની પછેડી ઓઢી છે. પણ મને તો ધીરજ છે કે હમણાં હું તો કંઈએ નહિ મરૂં–વારૂ, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહિ? બીજું તો શું પણ એટલું તો ખરું કે પ્રિયંવદામાં લખનાર એક અક્કલનું બારદાન બાઈ મળવા દુર્લભ ! વળી તે પણ આવી આવી ગમ્મત ને ચતુરાઈની પરિસીમા જેવી તમારા જોવામાં ભાગ્યે જ આવી હશે.

હું ધારૂં છું કે તમને કોઈ પત્ર લખવાની પ્રાર્થના કરતું હશે કે 'સાહેબ, પત્ર લખશો, પત્ર લખવા કૃપા કરશો' ત્યારે કલમ હાથમાં લેતા હશો, નહિ વારૂ? પણ અમે તો એમ જ કહીશું કે ખુશી હોય તો જ પત્ર લખવાની તસ્દી લેવી. મુંબઈ પધારવાના છો તેથી મુંબઈના ગવ૨નરને અમે કહી રાખ્યું છે કે શામળદાસ કોલેજના પ્રોફેસર સાહેબની સવારી આ માસ આખર મુંબઈ આવનારી છે તો નામદારે તમામ દરવાજા ખુલ્લા મુકવા. એમણે કહ્યું કે 'ઠીક.', જુઓ હસવા માટે લખ્યું છે માઠું લગાડશો નહિ.

લિ. ... ના પ્રણામ.