દિવાળીબાઈના પત્રો/પત્ર ૯
← પત્ર ૮ | દિવાળીબાઈના પત્રો પત્ર ૯ દિવાળીબેન |
પત્ર ૧૦ → |
આટલા દિવસથી પત્રનો ઉત્તર શા કારણથી નથી લખ્યો તે તુરત લખશો.
મેં જે પત્રો લખ્યા તે પથ્થરને પિગળાવે. વજ્રને તોડી નાંખે, પહાડને ફાડી નાંખે એવા છે. તે પત્ર વાંચીને જેનામાં પ્રેમનો અંશ હોય, દયાનો છાંટો હોય, અને સામાન્ય રીતે પણ જેનામાં કંઈ પ્રાણી ઉપર સ્નેહ હોય તો તેને એ પત્ર અસર કર્યા વિના રહે જ નહિ. શું ત્યારે તમને એ પત્રથી લેશપણ અસર ન થઈ ? 'પ્રેમ' 'પ્રેમ' એવી ભાષણમાં, ગ્રંથમાં, નિબંધમાં, કે ચોપાનીયામાં સર્વસ્થલે ગર્જના કરી ઉઠો છો તે સમજ્યા વિના જ? અને બીજાને ખાલી ખાલી 'વજ્રહ્રદયીને ભેદવાને તો મજબૂત હથિયાર જોઈએ.' વળી તે પછીના પત્રમાં 'તમે તો મારા પત્રમાં સમજતા નથી.' હું તમારા પત્રને નથી સમજતી, કેમ ? અને તમે મારા પત્રમાં સમજો છો, એમ કે? વારૂ, તમારા પત્રમાં એવી શી ચતુરાઈ ભરી હતી કે હું ન સમજી ? વજ્રહ્રદયીને ભેદવાને હથિયાર હથિયાર ઠામ ઠામ પત્રમાં ઉછાળ્યાં તે એ શબ્દનો અર્થ હુ મુદ્દલ સમજી નથી એમ હું ખચીત કહું છું. મેં લખ્યું કે સ્ત્રીના હાથમાં તે એવાં હથિયાર શોભે? એનો અર્થ એ કે સ્ત્રી કદી મરી જાય પણ પોતાના ભીતરની વાત પુરૂષ આગળ કરી શકતી નથી. વળી બાહ્યોપચાર શિવાયનાં બીજાં હથિયાર લઈને પોતાના મિત્રને ભેદે એવું કોણ અભાગિયું હોય ? એમ પણ લખ્યું છે તે મારકાપની મતલબ સમજીને. કેમ ? ના ! ના ! નહિ જ. એનો અર્થ તો એવો દબદબા ભરેલો છે કે જાણનાર હોય તે જાણે – તેને જ અસર થાય. લખવાની મતલબ એવી હતી કે પોતાના સ્નેહીને પોતાનું દુ:ખ રડી દુ:ખી કરવા ? ભલે પોતે એક જ દુ:ખ વેઠે એવી ભક્તિપૂર્વક એ મારૂં લખવું છે. તમારા એકે પત્રનો હું અર્થ સમજી નથી એમ છે જ નહિ. વળી તમે આગળથી જ લખો છો કે 'હું તો વિરાગી છું' ભલે તમે વિરાગી રહ્યા, હું તો ચાહું છું કે તમારા જેવા વિરાગી વસ્તીમાં ન રહે ને અરણ્યમાં રહે તો વધારે સારું કે જેથી મારા જેવી અર્ધબળીઓને એવા વિરાગીનાં દર્શન ન થાય. આખી દુનિયામાં પ્રેમના પ્રવાસી થઈ ફરો છો, 'પ્રેમ, પ્રેમ,' એવું શીખવવાનું ગુરુપદ ધારણ કરો છો તો તમે પોતે કેટલા પ્રવીણ છો તે તો કહો ?
જુઓ કે હજુ મારે ને તમારે પત્રવ્યવહાર શિવાય બીજો કશો સંબંધ નથી અને તમારા જેવા ક્રૂરનો સંબંધ હું ઇચ્છતી નથી... આખા જગતની ને ઈશ્વરની એ સૌની આશા તોડીને તમારા પછવાડે મારો ભવ બગાડું તેથી મને શું સુખના ઢગલા ઉપર તમે બેસાડવાના હતા ? હું કાંઈ તમને દોષ દેથી નથી કે તમે મને કોઈ પણ બાબતસર ભોળવી... પછી જો તમારૂં મન નહિ દેખું તો આશા નહિ રાખું તથા મારૂં મન પણ મારે સ્વાધીન કેવું નથી રહેતું તે જોઈશ. કદિ મારી બેદરકારી તમે કરો છો એવા નિશ્ચય બાદ પણ જો મારૂં મન નહિ કહ્યું કરે તો પ્રાણ ત્યાગ કરીશ પણ તમારા જેવા કઠોરનું જીવતાં મોં તો નહિ જ જોઉં–