લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૧

વિકિસ્રોતમાંથી
દિવાસ્વપ્ન
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રથમ ખંડ

પ્રયોગની શરૂઆત
: ૧ :

મેં વાંચ્યુંવિચાર્યું તો ઘણું હતું પરંતુ મને અનુભવ ન હતો. મને થયું કે મારે જાતઅનુભવ લેવો જોઈએ: ત્યારે જ મારા વિચારો પાકા થશે, ત્યારે જ મારી અત્યારની કલ્પનામાં કેટલું સત્ય છે અને કેટલું પોલાણ છે તે સમજાશે.

હું કેળવણીના વડા પાસે ગયો ને મને પ્રાથમિક શાળાનો એક વર્ગ સેાંપવાની માગણી કરી.

ઉપરી સાહેબ જરા હસ્યા ને કહ્યું: “રહેવા દો તો ? એ કામ તમારાથી નહિ બને. છોકરાંને ભણાવવાં અને તેમાં ય પ્રાથમિક શાળાનાં છોકરાંને, એમાં તો નેવાનાં પાણીને મોભે ચડાવવાં પડે છે, વળી તમે તો લેખક અને વિચારક રહ્યા. ટેબલ પર બેસી લેખો લખવાનું સહેલું છે, કલ્પનામાં ભણાવી દેવું પણ સહેલું છે; અઘરું છે માત્ર પ્રત્યક્ષ કામ કરવું અને તે પાર ઉતારવું”

મેં કહ્યું: “એટલે જ તો મારે જાતઅનુભવ કરવો છે. મારી કલ્પનામાં મારે વાસ્તવિકતા આણવી છે.”

ઉપરી સાહેબે કહ્યુંઃ “ભલે ત્યારે. તમારો આગ્રહ હોય તો એક વર્ષ સુખેથી અનુભવ લો. પ્રાથમિક શાળાનું ચોથું વર્ષ હું તમને સેાંપું છું. આ તેનો અભ્યાસક્રમ છે; આ રહ્યાં તેમાં ચાલતાં પાઠ્યપુસ્તકો; અને આ રહ્યા રજા વગેરેના ખાતાના કેટલાએક નિયમો.”

મેં આદરથી એ બધાં તરફ નજર નાખી. અભ્યાસક્રમ હાથમાં લઈ ખિસ્સામાં મૂક્યો ને પાઠ્યપુસ્તકોને એક દોરીથી બાંધવા લાગ્યો.

સાહેબે કહ્યું: “જુઓ, તમને ગમે તે અખતરા કરવાની છૂટ તો છે જ; એ માટે તો તમે આવ્યા છો. પરંતુ એટલું પણ ધ્યાનમાં રાખજો કે બાર માસે પરીક્ષા આવીને ઊભી રહેશે ને તમારું કામ પરીક્ષાના માપે મપાશે.”

મે કહ્યું: “એ કબૂલ છે; પણ મારી એક માગણી છે કે પરીક્ષક સાહેબ આપ પોતે જ થશો. આપે પોતે જ મારા કામનો ક્યાસ કરવો પડશે, આપ જો અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારું કામ બતાવી સંતોષ પામીશ. આ૫ જ મારી સફળતાનિષ્ફળતાનાં કારણો સમજી શકશો.

ઉપરી સાહેબે હસીને હા કહી ને હું ઑફિસમાંથી બહાર નીકળ્યો.