લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૭

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૧.૬ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૭
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૮ →


 : ૭ :

બીજે દિવસે શાળા ઊઘડી. મને હતું કે છોકરાઓ ટોપીઓ વિના કદાચ આવશે; પણ મારી ધારણા ખોટી પડી. જાણવામાં આવ્યું કે માબાપોએ તેમ કરવાની ના પાડેલી. તેમણે કહેલું: “ઉઘાડે માથે તે ક્યાં ય જવાતું હશે ? તમારો માસ્તર તો ગાંડો છે !”

મેં નખ તપાસ્યા; પણ કોઈકે જ ઉતરાવ્યા હતા. જાતજાતની ઘરની મુશ્કેલીઓ તેનું કારણ હતી. કોટનાં બુતાનો ટાંકવા કોણ નવરું હતું તે ટાંકી આપે ? એક બાએ કહેવરાવેલુંઃ “મહેતાજી સાહેબ, તમે ભણાવવા આવ્યા છે તે ભણાવો ને બાપુ ! આ હુન્નર શું કામ કાઢો છો ! અમારે તે કાંઈ કામકાજ હશે કે છોકરાને નખ કાઢી દઈએ ને બુતાન ટાંકી દઈએ ને આ કરી આપીએ ને તે કરી આપીએ ! અમારા લોકના છોકરાનું તો એમ જ ચાલે ! અમે તો મરવા યે નવરાં નથી, તે તમારી આ વેઠ તે ક્યાંથી કરીએ ?”

હું તો ઠરી જ ગયો. આપણે તો ધારેલું કે શાળા ઊઘડતાં વર્ગ સ્વચ્છ ને સુઘડ દેખાશે પણ તેને બદલે આ સંદેશા મળ્યા ! પણ હરકત નહિ. મને થયું કે “આમ કાંઈ નહિ વળે. મારે એક તરફથી માબાપનો સહકાર સાધવો જોઈશે ને બીજી બાજુ શાળામાં જ તેનો શોખ કેળવાય તેવી યોજના કરવી પડશે.”

તે દહાડે તો વધારે વાતચીત ન કરતાં વાત શરૂ કરી ને આદરેલી વાર્તા પૂરી કરી.

છોકરાઓ કહે: “બીજી વાર્તા.”

મેં કહ્યું: “કાલથી નવી વાર્તા શરૂ કરશું. આજે ચાલો જરા રમીએ.”

“રમીએ ?” છોકરાઓ આશ્વર્યથી મારી સામે જોઈ રહ્યા.

“હા, રમીએ. રમતો રમીએ. તમને કઈ કઈ રમતો આવડે છે ?” “ઘણી યે આવડે છે. પણ અહીં કાંઈ રમાય ?”

“કેમ ન રમાય ?”

“આ તો નિશાળ છે. ક્યાં કોઈ દિવસ છોકરાઓ અહીં રમે છે ! કોઈ દિવસ રમતાં ભાળ્યા છે !”

“પણ આપણે તો રમીએ. હું તમારી જોડે રમીશ. ચાલો રમીએ.”

કેટલાએક છોકરાઓ સજજડ ઊભા રહ્યા. કોઈ કોઈ તો હેઈયાં કહીને રમવા દોડ્યા. ત્યાં તો હોહો થઈ રહ્યું ! બીજા વર્ગના છોકરાઓ વર્ગમાંથી જોઈ રહ્યા. બીજા શિક્ષકો પણ મારી સામે તાકી રહ્યા.

હેડમાસ્તર એકાએક આવ્યા ને મને ટોક્યો: “જુઓ, આ રમતો અહીં નજીકમાં નહિ રમાય. જોઈએ તો દૂર પેલા મેદાનમાં જાઓ. અહીં બીજાઓને અડચણ થાય છે.”

હું છોકરાઓને લઈ મેદાનમાં ગયો.

છોકરાઓ તો છૂટેલા ઘોડાઓ જેમ કૂદાકૂદ કરી બોલતા હતા: “રમત! રમત ! એ ભાઈ રમત !”

મે કહ્યું: “કઈ રમત રમીએ !”

એક કહે: “ખેાખો.”

બીજો કહે: “ ના, હતુતુ.”

ત્રીજો કહેઃ “ના, સાતટાપલિયો દાવ.”

ચોથો કહે: “તો અમારે નથી રમવું.”

પાંચમો કહે: “તો ચાલો આપણે બાકીના રમીએ.”

હું છોકરાઓને શેરીમાં પડેલી ટેવો જોઈ શક્યો. મેં કહ્યું: “આપણે તો રમવા આવ્યા છીએ. ના અને હા, ને નથી રમતા ને રમતા, ને એવું કરવું હોય તો ચાલો પાછા નિશાળે જઈએ.” છોકરાઓ કહે: “ના, અમે તો રમવા માગીએ છીએ.”

મેં કહ્યું: “ચાલો ત્યારે, આજે તો ખોખો રમીએ. બે જણા ઊભાવડિયા થાઓ ને બીજાઓ પઢી આવો.”

ભેરુ થતાં પાછી કેટલીયે વાર લાગીઃ એક કહે હું ઊભાવડિયો થાઉં ને બીજે કહે હું છેવટ મેં બેનાં નામ નક્કી કરી આપ્યાં ને ભાગ પાડ્યા એટલે રમત ચાલી.

પણ એ તે શેરીમાં રમેલા છોકરાઓની રમત.! કોઈ મોઢામાં જીભ ઘાલીને રમે તો કે ! દરેક નકામો કંઈ ને કંઈ બોલે જ તે. “એ આવો મિયાંજી પકડવા !” “એ પકડ્યાં, પકડ્યાં ! તમારા શા ભાર છે, તે તમે પકડી શકો !” “એ પણે સાચવજો.” “એ ભાઈ, જરા જો તો ખરો, પણેથી પેલો નીકળી જશે.” “અરે ધ્યાન રાખ! જો હું નો'તો કહેતો કે નીકળી જશે ! ભાઈ વાતો કરવા રોકાણા ત્યાં પેલો નીકળી ગયો. જો હારી ગયા !”

મને થયું: “આ તે રમતનું મેદાન કે કોઈ નાતનો વંડો ! આ તે ખેાખોની રમત કે ઘોંઘાટની રમત !”

રમત પૂરી થઈ ને જીતેલા છોકરાઓમાંથી એક બોલ્યોઃ “લો, અમે જીત્યા, લો ! મહેનત તો ખૂબ કરી પણ કાંઈ ચાલ્યું ! સારો ઊભાવડિયો હતો એમાં શું થયું !”

સામાવાળો ખીજાયો ને ઘૂરકયો. તે કહે: “લે હું હાર્યો. હવે શું છે !”

પેલાએ ફરી વાર કહ્યું: “તમે હાર્યા ને અમે જીત્યા ! તમે હાર્યા ને અમે જીત્યા !"

હારનારના મોં પર ગુસ્સો હતો. તે કહે, “બસ! હવે ચૂપ રહેવું છે !- નહિતર આ પથરો લગાવીશ.” જીતનાર કહે: “લગાવ્યાં, લગાવ્યાં ! ખીજવીશું, ખીજવીશું ને ખીજવીશું ! એ હાર્યો ! એ હાર્યો ! એ હાર્યો !”

પેલાનો ગુસ્સો હાથ ન રહ્યો ને પથરો ઊંચકીને લગાવ્યો. પથરો સામાના માથામાં લાગ્યો ને લોહીની ધાર ચાલી. મને થયું કે આ ભૂંડી થઈ ! મારો રૂમાલ ફાડી મેં તેને પાટો બાંધ્યેા.

સૌ છોકરાઓને પાસે બેલાવ્યા ને કહ્યું: “કાલથી રમવાનું બંધ.”

બધા કહે: “પણ એ બે લડે એમાં અમને શું !”

મેં કહ્યું: “તમને એકબે વાત કબૂલ હોય તો જ રમવા આવીએ.”

બધા કહેઃ “ કબૂલ, કબૂલ.”

મેં કહ્યું: “પહેલી વાત એ કે રમતી વખતે નકામું બોલવું નહિ. બોલે તે માર થાય.”

બધા કહેઃ “કબૂલ.”

“બીજી વાત એ કે હારવા જીતવાની વાત જ નહિ. રમત છે; એક વાર આપણે નબળા દેખાઈએ તે બીજી વાર બીજા દેખાય. એમાં પછી અમે હાર્યા ને તમે જીત્યા એવું ન હોય. રમવું એટલે રમવું, દોડવું ને મજા લેવી. હારવું ને જીતવું ને પછી માથાં ફોડવાં એ બધું આપણને ન જોઈએ.”

બધા કહેઃ “એ પણ કબૂલ.”

અમે સૌ રમત રમીને શાળાએ આવ્યા. સાથે પેલો માથું ફૂટેલો છોકરો પણ હતો. માસ્તરે ને છોકરાઓ સૌ અમને જોવા બહાર આવ્યા. એક ટીખળી છોકરે કહ્યું: “કાં, કેવી રમત રમાડી!”

બીજો કહે: “એ તો ભાઈ હોળી રમવા ગયા'તા !”

રજા પડી એટલે શિક્ષકો અને હેડમાસ્તર મળ્યા. એક શિક્ષક મને કહે: “કેમ, યુદ્ધની રમત રમી આવ્યા !” બીજો કહે: “અરે ભાઈ, આ રમતનું કયાં કાઢયું ! આ બાર બાપની વેજા એને તો શાળાની ચાર દીવાલોમાં રાખવી ને ગોખાવવું ને ભણાવવું; છૂટી મૂકીએ તો તો માથાં ભાંગી નાખે ! શેરીમાં રોજ શું થાય છે એ નથી જાણતા !”

હેડમાસ્તર કહે: “હું તો ધારતો જ હતો કે કંઈક નવાજૂની થશે. પણ ઠીક છે, આ ભાઈને એક વાર અનુભવની જરૂર છે, એ વિના અમસ્થા ટાઢા નહિ પડે ! અહીં શાળામાં તે રમતોફમતો હોય? ”

મેં કહ્યું: “સાહેબ, રમત એ જ સાચું ભણતર છે. દુનિયાની મહાન મહાન શક્તિઓ રમતના મેદાન પર થયેલી છે. રમત એટલે ચારિત્ર્ય.”

હેડમાસ્તર કહે: “ ત્યારે જ તો મારામારી થઈ ને માથું ફૂટયું ને !”

વાત ચાલે છે ત્યાં માથું ફૂટેલા છોકરાનો બાપ ધૂવાંફૂવાં થતો આવ્યો. તે બોલ્યો: “આ અમારે આવું ભણતર નથી જોઈતું. જુઓ, આ માથું બધું ભાંગી ગયું છે ! કયાં છે મોટા માસ્તર ! કોણે એને માર્યો?”

મેં કહ્યું: “જુઓ ભાઈ, એ તો રમવા ગયેલા તે ત્યાં છોકરા લડી પડ્યા ને લાગ્યું.”

બાપ કહે: “પણ રમવા જવાનું એને કીધું કોણે ? નિશાળમાં તે ભણાવવાનું હોય કે કાંઈ રમાડવાનું ! દિવસ બધો શેરીમાં તો રમે જ છે ને ! તમારે છોકરાને ભણાવવો હોય તો મોકલું; નહિતર ન મોકલું.”

હું તો સાંભળી જ રહ્યો.

હેડમાસ્તર કહે: “ એ તો આ ભાઈ જરા નવા શિક્ષક આવ્યા છે તે ભણાવવાના નવા નવા અખતરા કરે છે. આજે આ રમતનો અખતરો કર્યો ! ને એમ કરતાં આ બાઝણ થઈ !”

છોકરાનો બાપ કહે: “તે મારે તમારા અખતરાબખતરા નથી જોઈતા. છોકરાને સરખો ભણાવવો હોય તો ભણાવો; નહિતર ઉઠાડી લઉં.”

બીજા માસ્તરો મૂછમાં હસતા હતા. હું આ વખતે શું બોલું !

ઘેર ગયો. ખાવું ભાવ્યું નહિ. એારડીમાં જઈને વિચાર કરવા લાગ્યોઃ “માળું, આ તો રોજડી થઈ ! ખેર. રમતના નિયમો તો આપ્યા છે ને વધારે આપીશ. બાકી રમત રમાડવી તો જોઈએ જ. મારે મન તો એ જ શિક્ષણ સાચું છે.”

પડ્યાં પડ્યાં વિચાર આવ્યો: “માબાપની એકાદ સભા કરું ને રમતનો મહિમા સમજાવું. તેમની પાસેથી સ્વચ્છતા અને વ્યવસ્થાની બાબતમાં સહકાર માગુ. એ લોકો મદદ ન કરે તો મારું કામ માર્યું જાય. અને પોતાના છોકરાઓ માટે એટલું તો તેઓ કરે જ ને ! આપણે શિક્ષક લોકો માબાપોનો સહકાર માગતા નથી તેમાં આપણી જ ખામી છે, કાલે સભા બોલાવીશ.”