દુનિયા દીવાની રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દુનિયા દીવાની રે
ધીરો


પદ ૧૫ મું

દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે;
કર્તા વસે પાસે રે, બાજી કંઈ નવ બૂજે. દુનિયા૦

જીવ નહિ એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,
ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ;
અર્કને અજવાળે રે, પ્રસિદ્ધ મણિ નવ સૂઝે. દુનિયા૦

પાષાણનું નાવ નીરમાં મૂકે, સો વાર પટકે શીશ,
કોટિ ઉપાય તરે નહિ એ તો, ડૂબે વશા વીશ;
વેળુમાં તેલ ક્યાંથી રે, ધાતુની ધેનુ શું દૂઝે. દુનિયા૦

અંતર મેલ ભર્યો અતિ પૂરણ, નિત્ય નિર્મલ જલમાં નહાય,
મહા મણિધર પેઠો રે દરમાં તો, રાફડો ટીપે શું થાય;
ઘાયલ ગતિ ઘાયલ રે જાણીને જ્ઞાની ઘાવ રૂઝે. દુનિયા૦

સદ્ગુરુ શબ્દનું ગ્રહણ કરીને, પ્રગટી પંડમાં પેખ,
દૂર નથી નાથ નજીક નિરંજન, દિલ શુદ્ધ દેદાર દેખ;
ધુરંધર ખેલે ધીરો રે, જાહેર જગત મધ્યે ઝૂઝે. દુનિયા૦