લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો–૪

વિકિસ્રોતમાંથી
← મહાસભા અને દેશી રાજ્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજકોટની લડત →







૫૦
દેશી રાજ્યો

દેશી રાજ્યોમાં ચાલી રહેલી આઝાદીની ચળવળ નવી મજલમાં પગલાં માંડી રહી છે. ઇતિહાસ વળી એક વાર ભજવેલા ખેલ ભજવશે એમ લાગે છે. તાલચેર અને ધેનકનાલમાં ચાલતી દમનનીતિ સૌથી મોખરે છે. તાલચેરની કુલ ૭૫,૦૦૦ વસ્તીમાંની ૨૬,૦૦૦ બ્રિટિશ ઉત્કલમાં હિજરત કરી ગઈ છે એ બીના જેવીતેવી નથી. આ હિજરતી લોકોની હાડમારીઓની હૈયું વલોવી મૂકનારી વિગતો પ્રો૦ રંગાએ પ્રગટ કરી છે. એ હકીકતોને ઠક્કરબાપા જેવા પીઢ દયાધર્મી સમાજસેવક, જેઓ ગમે ત્યાંથી પણ દુઃખની બૂમ સંભળાતાં જ હમેશાં કુમકે દોડી જનારા છે, તેઓ ટેકો આપે છે. આ હિજરતીઓ બે માસ થયાં રણવગડે છે. મને આશા હતી કે તેઓ પાછા ઘરભેગા થવા પામ્યા હશે, પણ એમના ભાગ્યમાં હજુ શાંતિ જણાતી નથી.

આ લોકોમાં સંકટનિવારણના કામને એકલા ઉત્કલથી કોઈ રીતે પહોંચી વળાય એમ નથી. ઉત્કલ સરકાર પાસે પૈસાની છૂટ નથી. મને આશા છે કે કલકત્તાની મારવાડી સંકટત્રાણ સમિતિ આ સંકટનિવારણનું કામ ઉપાડી લેશે અને ધ્યાન રાખશે કે, સંકટગ્રસ્ત લોકોને મુખ્ય રાહત મજૂરીનાં કામ શોધી આપવાની છે.

રણુપુરે એક પોલિટિકલ એજન્ટનું ખૂન કર્યું, અને પરિણામે હવે ત્યાં નિરપરાધી સ્ત્રીપુરુષોને ભોગે પોલીસ તથા લશ્કર મનગમતી મોજો માણી રહ્યાં છે. મને આશા છે કે ઉત્કલ સરકાર પૂરી મક્કમ રહેશે અને સામ્રાજ્યસત્તાને મનસ્વીપણે કામ લેવા નહિ દે. જ્યારે જ્યારે મેજર બૅઝલગેટની કમનસીબ હત્યાના જેવા સંજોગો ઊભા થાય છે અને પોતાના વર્ગના કોઈ માણસને ગુમાવે છે. ત્યારે સામ્રાજ્ય-સત્તાવાળા પાગલ બની જાય છે. આ હત્યાથી આપણને સમજવું જોઈએ કે આવાં કૃત્યોથી પ્રજા કશું મેળવી શકે એમ નથી.

જયપુર રાજ્યને તો જયપુરી પ્રજા જવાબદાર તંત્રની માગણી કરતાં અને તેને લગતી લાયકાત કેળવતાં શીખે એટલું પણ ન ખપે. પછી ભલે થોડા રોજમાં એને પોતાના એક સૌથી અગ્રગણ્ય એવા પનોતા સપૂતને જીવતો દફનાવવો પડે. આની તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટમાં ઠાકોર સાહેબના સલાહકારો ઠાકોર સાહેબ પાસે તેમણે પોતાની પ્રજાને પૂરી ગંભીરતાપૂર્વક આપેલા વચનને ‘અબી બોલ્યા અબી ફોક’ કરાવવામાં પાછું વાળી જોતા નથી. મારી પાસે પડેલા પુરાવા જોતાં કાઠિયાવાડનાં દેશી રાજ્યોના રેસિડેન્ટનો આ વચનભંગ કરાવવામાં હાથ છે. મહાસભા અને સરદારનું નામ એને અળખામણું છે. રાજકોટમાં હિંદુ-મુસલમાન વચ્ચે તેમ જ ભાયાતો તથા પ્રજા વચ્ચે બખેડા ઊભા કરાવવાની પેરવી ચાલી રહી છે. લોકો વચ્ચે આટલા દિવસ કશો કજિયોટંટો નહોતો. આપણે આશા રાખીશું કે મુસલમાન ભાઈઓ અને ભાયાતો પોતાની જ આઝાદીના વેરી નહિ નીવડે. પ્રજાસેવકોનો માર્ગ સ્પષ્ટ છે. તેમણે બધા પ્રકારના બખેડાથી તરીને ચાલવું રહ્યું છે. પ્રસંગ આવ્યે પોતાના જ ભાઈઓને હાથે ઝબે થવા તેમણે તૈયાર રહેવાનું છે. તેમણે અહિંસામય અસહકારનું શસ્ત્ર અજબ સફળતાપૂર્વક ચલાવી જોયું છે. એ જ શસ્ત્રને તેઓ અણીશુદ્ધપણે અને સંપૂર્ણતાએ અમલમાં મૂકે અને માત્ર મૂંગા બેસી રહે. પ્રજા માલિક છે. રાજા શું, અમલદારો શું, બધા જ પ્રજાના સેવક છે, જેમણે માલિકની મરજી ઉઠાવ્યે જ છૂટકો છે. જ્યાં પ્રજા જાગી છે, સમજી ગઈ છે અને એક વિચારે વિચારવાની અને વર્તવાની કળા શીખી ગઈ છે, ત્યાં આ સ્થિતિ અક્ષરશઃ સાચી ઠરવાની છે.

બીજાં રાજ્યોની પ્રજાને હું આસ્તેકદમ જવા વીનવું છું. જો તેઓ ધીરજ રાખશે અને પોતાના પર કાબૂ જાળવશે તો આઝાદી એમની જ છે. દરેક સ્થળે લોકો પાકું સંગઠન કરે અને પોતાનું બળ જાણે. આપસના ઝઘડાટંટા દાટી દે, આપસના કજિયાની આગમાં બેને લડાવીને પોતે ફાવવાની ત્રીજાની ભેદેનીતિ પારખવાની અને તેમાં ન ફસાતાં તેનો સચોટપણે સામનો કરવાની સમજ તેમણે કેળવવી જોઈએ. પ્રજાસેવકો અને સુધારકોએ સાચી અહિંસા કેળવી હશે તો આ બધું સહેલ છે.

ત્રાવણકોરવાસીઓ ચેતીને ચાલે. મારી પાસે પૂરતો પુરાવો આવી પડ્યો છે જે બતાવે છે કે ત્યાં હિંદુ, ખ્રિસ્તી, ઈળવા, વગેરે કોમોને આપસમાં લડાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જો જવાબદાર રાજ્યતંત્ર તેમની નેમ હોય તો પોતે અમુક કોમવાળા છે એ તેમણે ભૂલી જ જવું રહ્યું છે. આખી પ્રજા એક જ અવિભાજ્ય રાજદ્વારી એકમ છે, એ એક જ એકડો એમણે ઘૂંટવો રહ્યો છે. અને બીજાં હિંસાનાં તમામ બળો ઉપર તેમણે કાબૂ જમાવવો રહ્યો છે. અહિંસાને માર્ગે આઝાદી મેળવવી હોય તો પોલીસની મદદ લીધા વિના આખા ત્રાવણકોરમાં શાંતિ જાળવવાની જવાબદારી ઉઠાવવાની તેમની તૈયારી જોઈશે. સભાઓ અને સરઘસો અજ્ઞાન આમવર્ગમાં પ્રચારકાર્યને સારુ જરૂરી છે; જેનામાં નાગરિક તરીકેની પોતાની ફરજોનું ભાન આવી ગયું છે એવી પ્રજાને સારુ તે જરૂરી નથી. અને સ્વરાજ તો જાગતાને સારુ જ છે, ઊંઘણશી અનાડીને માટે નહિ.

બારડોલી, ૨૩–૧–૩૯
હરિજનબંધુ, ૨૯–૧–૧૯૩૯