લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો–૫

વિકિસ્રોતમાંથી
← સત્યાગ્રહીની લાયકાત દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
મારી ભૂલ? →







૬૪
દેશી રાજ્યો

દેશી રાજ્યોમાં ચાલતા સત્યાગ્રહોની જે મોકૂફી જાહેર કરવામાં આવી છે તે મોકૂફીનો પૂરો લાભ જો લોકો ઉઠાવવા ઇચ્છતા હોય, તો એ મોકૂકીનો સ્પષ્ટ અર્થ સમજી લેવો એ જરૂરનું છે. મોકૂફીનું અણધાર્યું નહિ એવું એક પરિણામ એ આવ્યું જણાય છે કે, કેટલાંક રાજ્યો પોતાના વલણમાં વધુ કડક બન્યાં છે અને મોકૂફી અગાઉ કદાચ મનમાં નહિ આણ્યું હોય તેવું દમન ચલાવવા લાગ્યાં છે. જ્યાં આમ બની રહ્યું છે ત્યાંના લોકોએ નાસીપાસ થવાનું કારણ નથી. એવી જગાએ દમન પોતે જ સત્યાગ્રહની તાલીમ થઈ પડવાનું છે, જેમ વણમાગી લડાઈ સૈનિકને તાલીમ આપે છે.

સત્યાગ્રહીઓ દમનનાં કારણો શોધી કાઢે. તે જોશે કે દમનનો ભોગ થનારા લોકો જોરજુલમના સહેજ દેખાવથીયે ત્રાસી ઊઠે છે અને દુઃખસહન તથા આપભોગની તૈયારી વિનાના હોય છે. તો પછી સત્યાગ્રહનો પહેલો કક્કો ઘૂંટવાનો આ જ વખત છે. જેમને આ અજોડ બળની લગારે પિછાન થઈ છે તેઓ પોતાના પડોશીઓને નબળાઈથી અને લાચારીથી નહિ પણ બહાદુરીથી અને સમજપૂર્વક રાજ્યના દમનને સહન કરતાં શીખવે. દાખલા તરીકે, કોઈ રાજ્ય એકાદ સંઘ કે સંસ્થાને ગેરકાયદે જાહેર કરે. એ સ્થિતિમાં તેના સભ્યો કાં તો સજાની બીકે રાજ્યના હુકમને વશ થાય, અથવા તો સવિનય ભંગની ઘડી હજુ નથી આવી એમ માનતા હોવાથી સમજપૂર્વક તેવા મનાઈહુકમ પાળે. બીજા દાખલામાં તેઓ પોતાની શક્તિનો સંગ્રહ કર્યે જશે અને અહિંસક વિરોધનું બળ ખીલવ્યે જશે. વળી વ્યક્તિ તરીકે પોતાના સંઘ અગર સંસ્થાની સ્વતંત્ર પણ ગેરકાયદે ન ગણાય એવી પ્રવૃત્તિઓ તેઓ ચલાવ્યે જશે. પોતાની સંસ્થાને કાયદાની મંજૂરી અપાવાને સારુ પણ કાયદેસરની ચળવળ તેઓ ચાલુ રાખશે. અને સ્થાનિક કાયદાઓની ચાર દીવાલો વચ્ચે રહીને કામ કરવા છતાં પણ જે કાર્યકર્તાઓને પકડવામાં આવે કે બીજી રીતે રંજાડવામાં આવે, તો તે એમાં રહેલાં બધાં દુઃખો સ્વેચ્છાએ સહન કરશે. એવાં દુઃખ ખમતાં ખમતાં તે અંતરખોજ કરે, અને પોતાના દિલમાં જુલમ કરનાર પ્રત્યે દ્વેષ કે રોષ છે કે કેમ, પોતાની મુસીબત વચ્ચે એક પરમેશ્વર જ પોતાનો સાચો બેલી અને માર્ગદર્શક છે એમ પોતે અનુભવે છે કે કેમ, એ તપાસે. આવી તાલીમ જો તેઓ યોગ્ય રીતે અને ચીવટપૂર્વક લેશે તો તેમનામાં અહિંસક વિરોધની ઠંડી તાકાત ખીલી ઊઠશે, જે પોતે જ અમોઘ અને અજેય થઈ પડશે; અને તેથી પછી સવિનય ભંગના રૂપમાં સીધો પ્રયત્ન કદાચ સાવ બિનજરૂરી થઈ પડે.

મને ધાસ્તી છે કે, આ અગાઉની સવિનય ભંગની લડતો ઉપાડવાની બાબતમાં ઉતાવળ કર્યાના અને વધુપડતો વિશ્વાસ ધર્યાના આરોપને મારે કબૂલ રાખવો જોઈએ. દેશને નુકસાન નથી પહોંચ્યું, કારણ પ્રજાની નાડ ઉપર હંમેશાં મારો હાથ રહ્યો છે; અને પ્રભુનો પાડ છે કે જ્યાં મને ભયની ગંધ સરખી આવી અથવા મારા અભિપ્રાય કે ગણતરીમાં મને ભૂલ માલૂમ પડી ત્યાં તત્કાળ પાછું પગલું ભરતાં હું અચકાયો નથી. એટલું નુકસાન અવશ્ય કબૂલ કરવું જોઈએ કે પૂર્વતૈયારીની બાબતમાં લોકો ઢીલા રહેવાને ટેવાયા, અને તેથી એવી તૈયારીના લૂખા નિયમોના પાલનની બાબતમાં જાળવવાની કડકાઈ હવે તેમને અરુચિકર થઈ પડે છે.

અને છતાં એવું પાલન અને તૈયારી જ સત્યાગ્રહની તાલીમનું સૌથી મહત્ત્વનું અંગ છે. પાર વિનાનું વૈતરું કરવાની અતિ જરૂરી પાયરીઓ ચડ્યા વગર ઉમેદવાર સત્યાગ્રહી અમોઘ, સક્રિય અહિંસાને ખીલવી શકતો નથી. પણ સરખી રીતે સમજાય તો દમન સત્યાગ્રહીમાં સ્વાભાવિક અને સહેજે સ્ફુરી આવનારી વિરોધશક્તિ જગાડે છે, એ બતાવી આપવામાં જો હું સફળ નીવડ્યો હોઉં તો આવી સમજ સત્યાગ્રહીના રચનાકાર્યની અને તેના પ્રતીક્ષાકાળની દેખીતી રૂક્ષતાને બદલી નાંખશે. ખરું જોતાં આ વસ્તુઓ લૂખી અને નીરસ લાગે છે એ જ સત્યાગ્રહની તેમ જ અહિંસાની શક્તિ અને ખૂબીની કદરનો અભાવ સૂચવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સત્યાગ્રહની ભાવના હજી પચી નથી અને શોધકના હૈયામાં અજાણ્યે પણ હજુ હિંસા ફેરા મારે છે.

તેથી મને ઉમેદ છે કે દમન ગમે ત્યાં થાય તોય તેનાથી લોકો નાસીપાસ નહિ થાય, બલ્કે તેથી ઊલટુ તેમની રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. પ્રજાને પક્ષે ચાલતા સુધી આપણા સાવ અહિંસક ઇરાદાની સત્તાવાળાઓને પેટ ભરીને ખાતરી કરવાની જરૂર છે. તેવું બને તો પ્રજાએ અર્ધી લડાઈ જીતી લીધી ગણાશે. આવી ખાતરજમા કરાવવા સારુ જેમ આપણાં કાર્યો નિઃસંદિગ્ધપણે અહિંસક હોવાં જોઈએ તેમ આપણી જબાન તેમ જ કલમ ઉપર પણ પૂરો અંકુશ જરૂરી છે.

નવી દિલ્લી, ૩–૪–૩૯
હરિજનબંધુ, ૯–૪–૧૯૩૯