દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો અને પ્રજા

વિકિસ્રોતમાંથી
← ઔંધ રાજ્યમાં સુધારા દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો અને પ્રજા
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજકોટ →







૪૫
દેશી રાજ્યો ને પ્રજા

પ્રજાના મુક્તિસંગ્રામમાં જુદાં જુદાં દેશી રાજ્યોની એકસામટી જાગૃતિ એ એક મહત્ત્વની બીના છે, કોઈ એક વ્યક્તિ કે મંડળ અથવા સંસ્થાની ઉશ્કેરણીથી આવડી જાગૃતિ થાય એમ માનવું પણ ભૂલભરેલું છે. સંભવ છે કે હરિપુરાની મહાસભાના ઠરાવે દેશી રાજ્યોની પ્રજાને કસોટીની સરાણ પર મૂકી દીધી, અને અગાઉ કદી ન થયેલું તેટલું ભાન તેમને થયું કે તેમની મુક્તિ તેમના પોતાના જ પુરુષાર્થ ઉપર નિર્ભર છે. પણ સૌથી વધુ તો કાળગતિએ કરીને જ આ જાગૃતિ રજવાડી પ્રજામાં આવી એમ કહેવાય. આ કાળગતિને રાજાઓ અને તેમના સલાહકારો ઓળખશે અને પ્રજાઓની ન્યાય આકાંક્ષાઓ પૂરી કરશે એવી આપણે આશા રાખીએ. કાં તો દેશી રાજ્યો સાવ નાશ પામે; અથવા તો રાજાઓ પોતાની પ્રજાઓને રાજ્યતંત્રને સારુ જવાબદાર બનાવીને પોતે પ્રજાના ટ્રસ્ટીઓ બને અને તેની રૂએે કામ બજાવીને મહેનતાણાની કમાઈ લે. આ બે સ્થિતિ સિવાય વચલો માર્ગ નથી.

તેથી હું આશા રાખું છું કે, પોતાની પ્રજાઓને જવાબદાર રાજ્યતંત્ર આપવાની રાજાની શક્તિની બાબતમાં અર્લ વિન્ટરટને તાજેતરમાં જાહેર કરેલી નીતિમાં બ્રિટિશ સરકાર રાજાઓની અગર તો તેમના દીવાનોની માગણીથી ફેરફાર કરવાની છે એવી ઊડેલી અફવા સાચી નહિ હોય. જો કોઈએ સાચે જ એવા ફેરફારની માગણી બ્રિટિશ સરકાર પાસે કરી હોય તો તેમણે પોતાનું અહિત જ કર્યું છે, અને જો કદી બ્રિટિશ સરકાર એમનું મન રાખવા એવી કશી પેરવી કરશે તો તેમાંથી એવો મહાકઠણ પ્રસંગ ઊભો થશે જેની વ્યાપ્તિ વિષે અટકળ કરવી મુશ્કેલ છે. બ્રિટિશ સરકાર એવી ભયાનક ભૂલ કરે એમ માનવાની મારે ના જ પાડવી જોઈએ. અર્લ વિન્ટરટનની ઘોષણા ચાલતી આવેલી પ્રથાનો અનુવાદ માત્ર છે. પોતાની પ્રજાને અધિકાર — પછી તે ગમે તેટલા મોટા હો — આપવાની તજવીજમાં સરકારે કોઈ દેશી રાજ્યની બાબતમાં દખલગીરી કરી હોય એવું જાણમાં નથી.

હું એથીયે એક પગલું આગળ વધીને કહું છું કે, ચક્રવર્તી સત્તા તરીકે જેમ બ્રિટિશ સત્તા રાજાઓને બહારના કે ઘરના સંકટ સામે રક્ષણ આપવાને બંધાયેલ છે, તેમ એ જ ન્યાયે, બલ્કે એથીયે વધુ, રાજાઓ પણ ન્યાયથી રાજ કરે એવી ખોળાધરી લોકોને આપવાને બંધાયેલ છે. તેથી જ્યારે કોઈ પણ દેશી રાજ્યને તે પોલીસ કે લશ્કરની મદદ આપે ત્યારે, તેવી મદદની માગણીને માટે યોગ્ય સંકટ ઊભું થયું છે અને તેને પહોંચી વળવામાં સદરહુ મદદનો ઉપયોગ પૂરના અંકુશપૂર્વક કરવામાં આવશે એ જોવાની પણ તેની તેટલી જ ફરજ છે. ઘેનકનાલમાં ચક્રવર્તી સત્તાએ મોકલેલ પોલીસની છાયા હેઠળ રાજના ભાડૂતી મવાલીઓએ કરેલા રાક્ષસી અત્યાચારોની હકીકતો મારી પાસે આવી છે. કેટલાક અકથ્ય અત્યાચારોની બાબતમાં મેં પુરાવો માગ્યો છે, અને તે માનવા પડે એટલા પ્રમાણમાં મળ્યો પણ છે.

સવાલ તો એ છે કે, જવાબદાર તંત્રોવાળા પ્રાંતોના પ્રધાનોની પોતપોતાના પ્રાંતોમાં આવેલાં દેશી રાજ્યોની પ્રજા પરત્વે કશી નૈતિક જવાબદારી આમાં ઊભી થાય છે કે નહિ ? નવી રાજ્યઘટના હેઠળ પ્રધાનોની તેમના ઉપર કશી જ સત્તા માનેલી નથી. ગવર્નર વાઈસરૉયનો અને વાઇસરૉય ચક્રવર્તી સત્તાનો પ્રતિનિધિ છે, અને છતાં સ્વાયત્ત પ્રાંતોના પ્રધાનોની તેમના પ્રાંતમાં આવેલાં દેશી રાજ્યોમાં જે કંઈ બને તે પરત્વે કશીએ નૈતિક જવાબદારી પણ નથી એમ કેમ કહી શકાય ? જ્યાં સુધી રજવાડાં અને તેમની પ્રજા સુખસંતોષથી રહેતાં હોય ત્યાં સુધી પ્રધાનોને કશી ફિકર કરવાપણું નથી. પણ ધારો કે તેમના પ્રાંતમાં આવેલાં દેશી રાજ્યોમાં એકાદ ભયાનક રોગચાળો ફાટી નીકળે, અને તેના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવે તો જે પ્રાંતમાં સદરહુ રાજ્યો આવેલાં છે તે પ્રાંતમાં પણ તે ફેલાઈ જાય એવી ધાસ્તી હોય, તો તેવી સ્થિતિમાં પણ શું પ્રાંતના પ્રધાનોની કશી જવાબદારી નથી ઊભી થતી ? ધેનકનાલમાં જો નૈતિક દૃષ્ટિએ ભયાનક રાગચાળો ફાટી નીકળેલો દેખાતો હોય તો એ સ્થિતિમાં ઉત્કલના પ્રધાનમંડળ પર કશી નૈતિક ફરજ નથી આવી પડતી ?

મને મળેલી ખબર મુજબ, ત્રાસના ભોગ થયેલા વિપદ્‌ગ્રસ્ત લોકો બ્રિટિશ ઉત્કલની હદમાં આશરો લઈ રહ્યા છે. પ્રધાનોએ તેમને આશરો આપવા શું ના પાડવી ? જો રક્ષણ આપવું તો કેટલાને ? આપી શકે પણ કેટલાને ? દેશી રાજ્યોમાં જે કંઈ સારું માઠું બને તેનાં પરિણામ આખા પ્રાંતને અસર કરવાનાં જ. તેથી મને તો લાગે છે કે, પ્રધાનો પર પડેલી મોટી જવાબદારી જોતાં, તેમને કડક મર્યાદાઓ જાળવીને પ્રાંતમાંની સુલેહ અને આબરૂને ખાતર પણ વચ્ચે પડવાનો નૈતિક અધિકાર છે જ. ચક્રવર્તી સત્તાએ મનસ્વીપણે બનાવેલાં આ દેશી રાજ્યોની પ્રજાને, ધેનકનાલમાં ચાલી રહ્યું છે તેમ, પીસી કાઢવામાં આવતી હોય તેવે વખતે પણ પોતાને કશી નિસબત ન હોય તેમ તેમનાથી ચૂપ બેસી રહેવાય નહિ.

છાપાંમાં જોઉં છું કે ધેનકનાલની રૈયતને કંઈક છૂટો અપાઈ છે. છાપાંની બાતમી સાચી છે કે કેમ અગર તો જે રાહત આપવામાં આવી છે તે જેને સારુ લોકો લડી રહ્યા છે અને આટલી જહેમતો ઉઠાવી રહ્યા છે તે તેમની હાજતોને પહોંચી વળે છે કે કેમ એ હું નથી જાણતો. મેં ઉઠાવેલા સવાલને અંગે એ વિગત અપ્રસ્તુત છે. મને તો લાગે છે કે, પ્રાંતિક સ્વાયત્તતા ભોગવનારા પ્રધાનો, પોતાની હદમાં આવેલાં દેશી રાજ્યોમાં ભયાનક અંધેર ચાલતું હોય તો, નૈતિક દૃષ્ટિએ તે તરફ લક્ષ આપવા અને એ સ્થિતિ અટકાવવા સારુ એમના અભિપ્રાય પ્રમાણે શું કરવું જોઈએ એ બાબતમાં ચક્રવર્તી સત્તાને સલાહ આપવાને બંધાયેલા છે, અને ચક્રવર્તી સત્તા પણ, જો તેને પ્રાંતિક પ્રધાનો જોડે મૈત્રીનો સંબંધ રાખવો હોય તો, તેમની સલાહને સહાનુભૂતિપૂર્વક સાંભળવાને બંધાયેલ છે.

બીજી એક બાબત તરફ પણ દેશી રાજ્યો અને તેમના સલાહકારો સત્વર ધ્યાન આપે એ અગત્યનું છે. તેઓ મહાસભાના નામથી ભડકે છે. મહાસભાવાદીને તેઓ બહારના, પારકા, ઇત્યાદિ ગણે છે. કાયદાની દૃષ્ટિમાં તેઓ ભલે તેવા ગણી શકાતા હોય, પણ માણસનો કાયદો જ્યારે કુદરતી કાયદાનો વિરોધી બને છે અને એ કુદરતી કાયદો જ્યારે પોતાની પૂરી અસર પાડવા લાગે છે ત્યારે મૃત થઈ પડે છે. દેશી રાજ્યોની પ્રજા તેમનાં હિતોની બધી બાબતોમાં મહાસભા સામું જુએ છે. તેમનામાંના ઘણા મહાસભાના સભ્યો છે. શ્રી. જમનાલાલજી જેવા મહાસભાના તંત્રમાં મોટા હોદ્દાધારી પણ છે. મહાસભાની નજરમાં દેશી રાજ્યોના કે બ્રિટિશ કહેવાતા મુલકના સભ્યો વચ્ચે કશો જ ભેદ નથી. આ સ્થિતિમાં જ્યારે મહાસભા કે મહાસભાવાદીઓ ખાસ કરીને જ્યારે તે પોતે થઈ તે મિત્રદાવે મદદ કરવા તૈયાર હોય ત્યારે તેમની અવગણના કરવી એ ખચીત રાજ્યોના હિતને ધક્કો પહોંચાડનારું છે. તેમણે સમજવું જોઈએ કે તેમની પ્રજા તો ઘણે ભોગે મહાસભાની જ સલાહથી વર્તનારી છે. તેમને એ બીનાની પણ ખબર હોવી જોઈએ કે, આજ દિવસ સુધી મહાસભા જે બિનદખલગીરીની નીતિ પાળતી આવી તેને સારુ હું જવાબદાર રહ્યો છું. પણ મહાસભાની વધતી જતી અસર અને પ્રભાવ જોતાં અને દેશી રાજ્યોમાં ચાલતા જુલમો જોતાં એ નીતિનો બચાવ કર્યે જવો મારે સારુ અસંભવિત છે. જો મહાસભાને લાગે કે અસરકારક રીતે વચ્ચે પડવાની તેનામાં તાકાત છે, તો એવો પ્રસંગ આવ્યે અને સાદ પડ્યે તેવી રીતે વચ્ચે પડવાનો તેનો ધર્મ છે. અને રાજાઓ જો માનતા હોય કે પ્રજાનું ભલું એ તેમનું પણ ભલું જ છે, તો તેમણે કૃતજ્ઞતાપૂર્વક મહાસભાની મદદ માગવી અને લેવી જોઈએ. તેમને દેખાવું જોઈએ કે, બહુ દૂરના નહિ એવા ભવિષ્યમાં જે સંસ્થા તેમની ચક્રવર્તી સંસ્થાની જગા — મારી આશા મુજબ તો મિત્રાચારીભરી પતાવટથી – લેશે એવો રંગ દેખાય છે, તેમની જોડે મિત્રાચારીનો સબંધ કેળવવો એ ખચીત તેમના હિતની જ વાત છે. નગારાં વાગી રહ્યાં છે. તેઓ નહિ સાંભળે ?

સેવાગ્રામ, ૨૮–૧૧–૩૮
હરિજનબંધુ, ૪–૧૨–૧૯૩૮