લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓનું સ્થાન

વિકિસ્રોતમાંથી
← રાજાઓ દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓનું સ્થાન
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાઓ →






૮૫
રાજાઓનું સ્થાન

અખબારનવીસ: લોકશાસનની આણ વર્તાતી હોય એવા હિંદમાં તમે રાજાઓને સારુ કયું સ્થાન રાખો ?

ગાંધીજી : પ્રજાના ટ્રસ્ટીઓ તરીકે ખાસ મહેનતાણું આપીને હું તેમને રોકું. પણ હું તેમને કહું કે એ મહેનતાણું કમાવાને સારુ એમણે પ્રજાની સેવા બજાવવી પડશે. બ્રિટનના રાજાને જેટલાં અધિકાર કે છૂટો છે તેટલાં તેઓ સુખે ભોગવે. આખરે તો આ રાજાઓ એ રાજાના ખંડિયા જ છે ને? તો પછી તેઓ બ્રિટિશ રાજાના કરતાં મોટા ન હોઈ શકે. ઇંગ્લંડના રાજાની પાસે કોઈ માણસને ફાંસીએ લટકાવવાનો અખત્યાર નથી. કાયદેસર બંધારણને માર્ગે જ એણે જવું રહ્યું છે. એ એક ખાનગી વ્યક્તિ છે, નગરજન છે, જોકે પ્રથમ નાગરિક છે. જો રાજાની સંસ્થાને મારે પસંદ જ કરવી હોય તો ઇંગ્લંડમાં રાજાને જે મર્યાદિત પદ છે તેટલે સુધીનું રાજપદ હું પસંદ કરૂં. વળી દેશી રાજ્યોની પ્રજા પોતાને જોઈતું હોય તે બાબતમાં પોતે જ નિર્ણય શા સારું ન કરે ? વળી લોકોને મળતા ન્યાયની બાબતમાં તો હું આ અગાઉ કહી ચૂક્યો છું કે દેશી રાજ્યોની અદાલતો હિંદની વરિષ્ઠ અદાલતની હકૂમત નીચે હોવી જોઈએ.

હરિજનબંધુ, તા. ૧૪-૧-૧૯૪૦