લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/સમય ઓળખો

વિકિસ્રોતમાંથી
← ઉપવાસ વિષે દેશી રાજ્યોનો પ્રશ્ન
સમય ઓળખો
મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યાગ્રહીની લાયકાત →







૬૨
સમય ઓળખો

હું જોઉ છું કે ત્રાવણકોર રાજ્યના દીવાન સર રામસ્વામી આયરને ત્રાવણકોરના બે ભડવીર શ્રી. તાણુ પિલ્લૈ તથા શ્રી. રામચંદ્રનનો તેમને જેલમાં મોકલવા કરતાં ચડિયાતો ઉપયાગ ન જડ્યો. આ કાર્યકર્તાઓ તો બહારની પેઠે જ જેલમાં પણ પોતાનો હિસાબ બરાબર આપશે. પણ ત્રાવણકોર દરબારને હું તેમના આ પગલા માટે મુબારકબાદી નથી આપી શકતો. હું રાજકોટમાં હતો ત્યારે જ સર રામસ્વામી આયરનું વક્તવ્ય મેં વાંચ્યું હતું, જેમાં પેાતે જેને બહારની દખલગીરી કહે છે તેને વખોડી કાઢી છે. ત્યારે શું રાજાઓ મરજીમાં આવે તેવી અને તેટલી બહારની મદદ મંગાવે અને લે અને એકલી પ્રજા જ તે ન લઈ શકે એમ ? રાજાઓ ઉપર તે બહારની મદદ લેવા સામે કશો જ પ્રતિબંધ નથી. પ્રજાપક્ષે તો તેવી મદદ લેવા સામે સ્વેચ્છાએ જ ઘણી મર્યાદા મૂકી છે.

આખરે હું સત્યાગ્રહશાસ્ત્રના એક નિષ્ણાત તરીકે સલાહ આપવા સિવાય બીજું શું કરી નાંખું છું? અને આમ કરીને હું અહિંસાની ભાવનાને અને સુલેહશાંતિના કાર્યને ધપાવું છું. દેશી રાજ્યોની અને બ્રિટિશ મુલકની પ્રજા વચ્ચેનો સંબંધ હાડનો, જીવલગ અને અવિભાજ્ય છે. રાજાઓ વચ્ચે તેવું કશું નથી. તેઓ તો એકબીજાથી સ્વતંત્ર છે અને તેવા હોવા વિષે મગરૂરી ધરાવે છે. એક જ વસ્તુ તેમને એકદોરે બાંધનારી છે, અને તે ચક્રવર્તી સત્તાની તાબેદારી. એ સત્તાની સ્પષ્ટ કે મોઘમ રજા વિના તેમનાથી એક તણખલું પણ આમથી તેમ કરી શકાય એમ નથી.

પણ આજે તો ચક્રવર્તી સત્તા પોતે જનતા — જેમાં દેશી રાજ્યોની પ્રજાનો પણ સમાવેશ છે — ની ઇચ્છા પર વધુ ને વધુ પ્રમાણમાં નભવા લાગી છે. અને જનતાને જો પોતે સત્ય, અહિંસા વાટે અજેય બળ કેળવી શકે છે એ વાતનું દર્શન થાય, તો ચક્રવર્તી સત્તા સ્વેચ્છાએ ખસી જશે અને પ્રજાસત્તા તેનું સ્થાન લેશે. તેથી મને તો લાગે છે કે સર રામસ્વામી સ્વામી અને તેમની જોડે સહમત થતા બીજા દીવાનો રાજાઓના અવળા સલાહકારો છે અને રાજાઓની કુસેવા કરી રહ્યા છે. મહાસભાને અને મહાસભાના કાર્યકર્તાઓને અવગણવાનો તેમનો પ્રયાસ એ ધસમસતાં પૂરને હાથની હથેળીથી થોભાવવા મથનાર બાળકના પ્રયાસ જેવો છે. પ્રજાની ન્યાય આકાંક્ષાઓને ગૂંગળાવવાના આ પ્રયત્ન ચોક્કસપણે એક બાજુએ દેશી રાજ્યોની પ્રજાઓ જે પોતાના રાજાઓ પ્રત્યે વફાદાર રહેવા માગે છે તેમની અને રાજાઓની વચ્ચે, અને બીજી બાજુએ રાજા અને બની શકે તો તેમને મદદ કરવા ઇચ્છતી મહાસભા એ બેની વચ્ચે, કડવાશનાં બીજ વાવે છે.

હું રાજાઓને તથા તેમના સલાહકારાને વીનવું છું કે કાળબળને પિછાનો, સમય ઓળખો, અને તેને વરતીને ચાલવા લાગો. જુલમો વર્તાવીને તમો કદાચ ચાર દિવસને સારુ આઝાદીની ચળવળને ભોંયરે પેસાડવાની સફળતા મેળવશો, પણ તમે તેને કદાપિ કચડી શકવાના નથી. હું તો એમ માનું છું કે ચક્રવર્તી સત્તાએ પણ પોતાનાં ક્ષોભ અને અતિસાવચેતી છોડવાં રહ્યાં છે. જો રાજાઓ પ્રત્યે તેમની ફરજ રહેલી છે, તો એ રાજાઓની પ્રજાઓ પ્રત્યે પણ અલબત્ત તેમની તેટલી જ ફરજ રહેલી છે. પ્રજાને અવગણવાના દિવસો વીત્યા છે.

રાજાઓ ન માને તો ચક્રવર્તી સત્તાએ તેમને સ્પષ્ટ ભાષામાં કહી દેવું રહ્યું છે કે પ્રજાને દબાવવાની બાબતમાં તેમને ચક્રવર્તી સત્તાની મદદ નહિ મળે. જે ચક્રવર્તી સત્તા પોતાના પ્રાંતોના કારભાર માટે મહાસભાની પાસેથી પ્રધાનો મેળવે છે તેનાથી એ મહાસભાની ઉપર પડોશનાં દેશી રાજ્યો અપમાનો વરસાવતાં હોય તે વેળાએ મૂંગું ન જ બેસી રહેવાય. આવી વિસંગતિનો તત્કાળ ઉકેલ થવો જોઈએ.

ત્રાવણકોરની પ્રજાને તો હું એટલું જ કહું કે, તેમના ભડવીરો સમય પહેલાં ઝડપાઈ ગયા એમાં તેમના કાર્યને લાભ જ થયો છે. એ ધરપકડોનો જો તેઓ ડહાપણભર્યો ઉપયોગ કરી જાણશે તો જ એ લાભ તેમને ભાણે આવશે. જો હિંસા થવાનું સહેજ પણ જોખમ હોય તો સરઘસો વગેરે કશાં પ્રદર્શનો તેઓ ન જ કરે. સૌ કાઈ રચનાત્મક કામમાં વળગી જાય. સવિનય ભંગ શરૂ કરવાની તારીખને સારુ કોઈ અધીરું ન થાય. હું સલાહ આપવી ચાલુ રાખું એમ જો તેઓ ઇચ્છતા હોય તો મને પરિસ્થિતિનો અભ્યાસ કરી વાકેફ થવા દેવો જોઈએ. તેથી કરી વિનય ભંગ શરૂ કરતા પહેલાં મારા અભિપ્રાયની તેઓ વાટ જુએ.

સવિનય ભંગ સત્યાગ્રહનો એક ગૌણ અંશ માત્ર છે. પ્રજા આખી, સૌથી અભણ અને દલિત થર સુધીની, મૂંગી સેવાના સામાન્ય સૂત્રે ગૂંથાઈને સંગઠિત થાય. વિદ્યાર્થીઓ પણ આ કામમાં ઘટતો હિસ્સો લઈ શકે છે. ‘ઉતાવળા સો બાવરા’ એ કહેણી સત્યાગ્રહીઓ યાદ રાખે. તેમની આઝાદી જે દિવસે તેમણે એ આઝાદીને સારુ સત્ય અને અહિંસાને માર્ગે, એટલે કે સમજ અને શિસ્તપૂર્વકના આત્મબલિદાનથી, લડવાની પ્રતિજ્ઞા લીધી તે જ દિવસે અંકાઈ ચૂકી છે. કારણ હું જાણું છું કે લીધેલી પ્રતિજ્ઞાનો ભોગ તેમને હાથે કદી થવાનો નથી.

નવી દિલ્લી, તા. ૨૦–૩–૩૯
હરિજનબંધુ, ૨૬–૩–૧૯૩૯