નણદલ માગે લહેરિયું
નણદલ માગે લહેરિયું અજ્ઞાત સર્જક |
નણદલ માગે લહેરિયું
મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ !
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ !
શું રે કરું તારા ડાબલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
શું રે કરું તારાં બેડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
શું રે કરું તારા ઘોડલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !
સામી વળગણિયે લહેરિયું રે બાઈ,
નણદી ! લઈને અદીઠડાં થાવ હો રે બાઈ !
નણદલ માગે લહેરિયું રે બાઈ !