નવલા તે આવ્યા માનાં નોરતા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

નવલા તે આવ્યા માનાં નોરતા,
ને નવ દહાડા, રૂડી નવરાત આવ્યા નોરતાં,
સ્થાપન કરાવું કોરો કુંભ ભરાવું,
જ્વારા વવરાવું માના પૂજન કરાવું.
મારી શેરીએ ફૂલડાં વેરાવો કે,
રંગોળી પુરાવું કે રંગોળી પુરાવું. આવ્યા નોરતાo

સોનાનો ગરબો રૂપલા ઈંઢોણી,
રાસે રમવાને આવો રન્નાદે રાણી,
કહો તો રઢિયાળા રાસ રચાવું કે,
માંડવો સજાવું કે માંડવો સજાવું. આવ્યા નોરતાંo

રૂડા રમવાને રાસ આવ્યાં અલબેલી માત,
ઘૂમી ગરબાને ગાય, વાગે ઝાંઝરિયા પાય,
શો લહેકો ને શું એનું ગાવું કે,
ત્રિભુવન ડોલાવ્યું ત્રિભુવન ડોલાવ્યું. આવ્યા નોરતાંo

મુખ મીઠું મલકાય ઝાંખો ચાંદલીયો થાય,
માનો પાલવ લહેરાય ચંદા ચોકે પછરાય,
જીતુ જોતામાં ભાન ભૂલી જાઉં કે,
ફૂલ્યો ન સમાઉં કે ફૂલ્યો ન સમાઉં. આવ્યા નોરતાંo