નાની સાધુ વંદના

વિકિસ્રોતમાંથી
નાની સાધુ વંદના
મુનિ આશકરણજી


લઘુ સાધુવંદણા


નાની સાધુ વંદના


સાધુજીને વંદના નિત નિત કીજે, પ્રહ ઉગમતે સૂર રે પ્રાણી;
નીચ ગતિમામ્ તે નવિ જાવે, પામે તે ફરિદ્ધિ ભરપૂર રે પ્રાણી - સાધુજી ( ૧ )

મોટા તે પંચ મહાવરત પાળે, છકાયના પ્રતિપાળ રે પ્રાણી;
ભ્રમ્ર ભિક્ષા મુનિ સુઝતી લેવે, દોષ બેતાલીસ ટાળ રે પ્રાણી - સાધુજી ( ૨ )

રિદ્ધિ સંપદા મુનિ કારમી જાણી, દીધી સંસારને પૂંઠ રે પ્રાણી;
એવા પુરુષની સેવા કરતાં; આઠે કરમ જાય ત્રુટ રે પ્રાણી - સાધુજી ( ૩ )

એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાન ભંડાર રે પ્રાણી;
એક એક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, જેના ગુણનો ના'વે પાર રે પ્રાણી - સાધુજી ( ૪ )

ગુણ સત્તાવીસ કરીને દીપે, જીતે પરીષહ બાવીસ રે પ્રાણી;
બાવન તો અનચરજ ટાળે, તેને નમાવું મારું શીશ રે પ્રાણી - સાધુજી ( ૫ )

જહાજ સમાન તે સંત મુનીશ્વર, ભવિ જીવ બેસે આય રે પ્રાણી;
પર ઉપકારી મુનિ દામ ન માગે, દેવે તો મુક્તિ પહોંચાય રે પ્રાણી - સાધુજી ( ૬ )

સાધુ શરણે જીવ શાતાઅ રે પામે, પાવે તે લીલ વિલાસ રે પ્રાણી;
જન્મ જરા ને મરણ મિટાવે, ના'વે તે ફરી ગર્ભાવાસ રે પ્રાણી - સાધુજી ( ૭ )

એક વચન એ સદ્ગુરુ કેરું, જો પ્રગટે દિલમાંય રે પ્રાણી;
નરક ગતિમાં એ નહિ જાવે, એમ કહે જિનરાય રે પ્રાણી - સાધુજી ( ૮ )

પ્રભાતે ઉઠીને ઉત્તમ પ્રાણી, સુણો સાધુનું વ્યાખ્યાન રે પ્રાણી;
એવા પુરુષની વડી રે પુનાઇ પામે તે અમર વિમાન રે પ્રાણી - સાધુજી ( ૯ )

સવંત અઢાર ને વર્ષ આડત્રીશે, બુસે તે ગામ ચોમાસ રે પ્રાણી;
મુનિ આશકરણજી એણી પેરે જંપે, હું તો ઉત્તમ સાધુજી નો દાસ રે પ્રાણી - સાધુજી ( ૧૦ )