લખાણ પર જાઓ

પંચતંત્ર

વિકિસ્રોતમાંથી
પંચતંત્ર
પંડિત વિષ્ણુશર્માપંચતંત્ર


ઘણાં વર્ષો પહેલાં મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતાં. તેઓ ન્યાયી, પ્રેમાળ, સત્યપ્રેમી અને પરાક્રમી હતા. તેમના રાજ્યમાં ખૂબ જ સુખ શાંતિ હતી. તેમના શાસન હેઠળ પ્રજાને કોઇપણ જાતનું દુઃખ ન હતું. બધા સંપીને રહેતા હતા. તેમના દરબારમાં વિદ્ધાનો અને કલાકારોનું સન્‍માન થતું. દેશવિદેશના વિદ્ધાનો, કલાકારો રાજાના દરબારને શોભવતા હતા.

સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા-રાણીના અતિશયલાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખુબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભળશે? રાજાએ આ રાજકુમારોને ભણવવા માટે કેટકેટલા વિદ્ધાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા;પણ રાજકુમારો સુધર્યા નહિ. તેઓ ભણાવનાર વિદ્ધાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂક્તા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન-પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહિ. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું.

એક દિવસ રાજદરબારમાં રાજાએ પોતાની આ ચિંતા વિદ્ધાનો અને પંડોતો સમક્ષ રજૂ કરી, પરંતુ રાજકુમારોને વિધ્યા આપવા માટે કોઈ તૈયાર ન થયું. બધા નીચા મસ્તકે બેસી રહ્યા. બધાજ રાજકુમારોનાં પરાક્રમો સારી રીતે જાણતા હતા. આથી તેમને ભણાવવાની હિંમત કોઈપણ કરી શક્યું નહિ. બધા ચૂપચાપ થઈને બેઠા રહ્યા.

દરબારમાં આવી શાંતિ જોઈ રાજા નેરાશ થઈ ગયા. તેમણે કહ્યું: " અરેરેરે! મારા દરબારમાં કોઈપણ એવો વિદ્ધાન નથી કે જે મારા કુંવરોને વિદ્યા આપી શકે ?” આ તો વિદ્ધાનો અને પંડિતોની ઈજ્જતનો સવાલ હતો.

દરબારના એક ખૂણામાં બેઠેલા પંડિત વિષ્ણુ શર્માને રાજા ઉપર દયા ઊંપજી. તેઓ પણ રાજકુમારોના તોફાન વિશે સારી રીતે જાણતા હતા.છતાં પોતાની રાજાની ખાતર,રાજ્યના ભવિષ્યની ખાતર તેઓ ત્રણેય રાજકુંવરોને ગુણવાન અને વિધાવાન બનાવવાનું બીડું ઝડપી લીધું. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને વિધ્યા આપવા માટે રાજમહેલને બદલે એકાંત સ્થળની પસંદગી કરી અને કુવરોને તેઓ પોતાની સાથે લઈ ગયા.

રાજકુમારોને પંડિત વિષ્ણુ શર્મા સાથે જવું ન હતું, છતાં પિતાજીની આજ્ઞાને વશ થઈને તેઓ પંડિત વિષ્ણુ શર્મા સાથે ગયા. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને ભણવા બેસાડ્યા. પરંતુ કુંવરોએ તો પંડિત વિષ્ણું શર્માને સ્પષ્ટ કહી દીધું કે”અમને ભણવાનું સહેજ પણ ગમતું નથી. અમને તો આ એકાંત સ્થળે ફરવાની રજા આપો.”

“રાજકુમારો! હું તમને ભણાવવાનો નથી. હું તો તમને જાતજાતની પશુ-પક્ષીઓની વાર્તાઓ કહેવાનો છું,તે તમે સાંભળો.”

“વાર્તા! અમને પશુ-પક્ષીની વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે.” ત્રણે કુવરો એકી સાથે બોલી ઊઠયા. “રાજકુમારો, હું તમને દરરોજ જાતજાતની વાર્તાઓ કહીશ. તે તમે યાદ રાખજો અને તેમાંથી બોધ ગ્રહણ કરજો.”

રાજકુમારો વાર્તા સાંભળવા માટે તરત તૈયાર થઈને બેસી ગયા. પંડિત વિષ્ણુ શર્માએ વાર્તા કહેવી શરુ કરી. આ બોધદાયક વાર્તાઓ એ જ આપણા પંચતંત્રની કથાઓ છે.