પંચતંત્ર: યુદ્ધનું મૂળ
પંચતંત્ર: યુદ્ધનું મૂળ પંડિત વિષ્ણુશર્મા |
યુદ્ધનું મૂળ
એક શહેરની બહાર બહુ વિશાળ વડનું ઝાડ હતું. તેની ડાળીઓ ક્યાંને ક્યાં સુધી ફેલાયેલી હતી. તેના પર પુષ્કળ કાગડાઓ રહેતાં હતા. એમાં છેક ઉપર કાગડાઓનો એક રાજા રહેતો હતો. તેની નજીક ગુફાઓમાં ઘુવડો અને એમનો રાજા રહેતો હતો. બન્ને પક્ષીની જાતનાં હતાં પણ બન્ને પ્રજા વચ્ચે સહેજ પણ બનતર ન હતું. તેઓ એકબીજાને જુએ કે મારી જ નાખે. રાત્રે ઘુવડો લાગ મળતાં જ કાગડાનાં બચ્ચાં અને ઈંડાં ખાઈ જતાં.
એમાંયે ઘુવડના રાજાએ તો પોતાની પ્રજાને આદેશ આપેલો કે, જો કોઈ કાગડો નજરે ચઢે તો તરત જ મારી નાખવો. રાત્રે ઘુવડોને કાગડા દેખાતાં એટલે ઘુવડો કાગડાને મારી નાખતાં. તેમનાં ઈંડાં અને બચ્ચાં ખાઈ જતાં. પણ બખોલોમાં સંતાયેલા ઘુવડો કાગડાઓને દેખાતાં નહિ. એટલે એક ઘુવડ કાગડાઓના દાવમાં આવતું નહિ.
એક દિવસ કાગડાના રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યું, 'આ ઘુવડો રાત્રે એકલદોકલ કાગડાને મારી નાખે છે. આથી આપણી જાતિને બહુ નુકસાન થઈ રહ્યું છે. આ સિલસિલો ચાલુ રહ્યો તો એક દિવસ આપણી સમસ્ત જાતિનો નાશ થઈ જશે. આપણે તેઓને શોધી શકતા નથી. તેઓ ક્યાં રહે છે તેની આપણને જાણ નથી. એટલે એ લોકોને આપણા તરફથી કોઈ નુકસાન થતું નથી. એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવાં જોઈએ તે મને કહો.'
પહેલો મંત્રી કહે, 'જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ. સંધિ કરી લેવી જ હિતાવહ છે. કારણ કે પ્રાણ બચી ગયાં હોય તો બધું જ થઈ શકે છે. ગુરુ બૃહસ્પતિનું કહેવું છે કે, સામ, દામ અને ભેદથી શત્રુને હરાવવા કોશિશ કરવી. આ ત્રણ વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ કરવો. અને વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી.'
પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજુ કરવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, 'હે રાજન્! સંધિ ન કરવી જોઈએ. શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે તો પણ સંધિ ન જ કરવી. શત્રુ બળવાન હોય તો તેને બળથી નહિ, છળથી મારવો. બુદ્ધિ, હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુઓને હટાવી દે છે.' એ પછી કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્યું, 'મંત્રીવર ! તમે મને શું સલાહ આપો છો ?'
ત્રીજો મંત્રી કહે, 'મહારાજ ! આપણે જાણીએ છીએ કે, શત્રુ ઘણો બળવાન અને અનીતિમાન છે. માટે તેની સાથે યુદ્ધ કરવું પણ ઉચિત નથી. તેમ સંધિ કરવી પણ ઉચિત નથી. શત્રુ પર વિજય મેળવવા માટે એ મૂશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો. અને એના અન્ન-જળના ભંડારનો નાશ કરવો. જેથી તેને જીતી શકાય છે. માટે કારતક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો.'
રાજાએ ચોથા મંત્રીને પૂછ્યું, 'તમારો શો અભિપ્રાય છે ?'
'મહારાજ ! આપણે આપણું નિવાસસ્થાન બદલવું ન જોઈએ. આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ. તો અવશ્ય આપણી જીત થશે. બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે. પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે.'
છેલ્લે કાગરાજે પાંચમાં મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું. પાંચમા મંત્રીએ કહ્યું, 'આપણે મિત્રોની મદદ માગવી જોઈએ. મિત્રોની સહાય લઈને અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ જ બધી રીતે ઠીક ઉપાય લાગે છે.'
એ પછી રાજાએ પોતાના રાજ્યમાં વસતા એક સૌથી ઘરડા કાગડાને બોલાવી પૂછ્યું,
'હે વડીલ ! તમે અતિ વૃદ્ધ છો, અતિ અનુભવી છો. પાંચે મંત્રીઓની વાત તમે પણ સાંભળી છે. તો તમે કહો, મારે શું કરવું જોઈએ ?'
ઘરડો કાગડો ઝૂકીને રાજાને કહેવા લાગ્યો. 'હે મહારાજ ! પાંચે મંત્રીઓની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચી અને યોગ્ય છે. જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ. વળી રાજન્! શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરીને નિશ્ચિંત બનવું ન જોઈએ. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ અવિશ્વાસુ રહેવું જોઈએ. લોભ-લાલચથી તેને ખતમ જ કરવો જોઈએ.' 'રાજાએ ગુપ્તચરો દ્વારા આ કામ કરાવવું જોઈએ. સાધારણ પ્રાણી આંખોથી જુએ છે. બ્રાહ્મણ શાસ્ત્રોથી જુએ છે. અને રાજા ગુપ્તચરો દ્વારા જુએ છે. જે રાજા ગુપ્તચરો દ્વારા દુશ્મનોની ગતિવિધિ પર ધ્યાન રાખે છે તે કદી હારતો નથી.'
'વડીલ ! ગુપ્તચરો કેવી રીતે મોકલવા જોઈએ ?' કાગરાજે પૂછ્યું.
'મહારાજ ! પહેલાં એ કહો, ઘુવડો અને આપણી વચ્ચે આટલી ભયંકર શત્રુતા કેમ છે ?'
'એની પાછળ એક ઇતિહાસ છે. એક વાર પક્ષીઓની સભા મળી. હંસ, મોર, કાબર, બગલાં, કબૂતર, ચકલી, કોયલ, બુલબુલ, ઘુવડ, બાજ, પોપટ, લક્કડખોદ, વગેરે સર્વ પક્ષીઓ આ સભામાં આવ્યાં હતાં. મારા પરદાદા ત્યારે ક્યાંક ગયા હતા. એટલે તે આ સભામાં ન હતા. બગલા કહે,
'હે પક્ષીઓ ! આપણા રાજા ગરુડ છે. પરંતુ તે સદા ભગવાન વિષ્ણુના ભક્ત હોવાથી વૈકુંઠમાં જ રહે છે. તેમનો બધો સમય પ્રભુની ભક્તિમાં જાય છે. એટલે તેઓ આપણું સહેજે ધ્યાન રાખતા નથી. આપણા સુખદુઃખમાં ભાગ લેતાં નથી કે આપણને કોઈ મુશ્કેલીમાંથી ઉગારતા નથી. આવા રાજાનો અર્થ શો ?'
મોર કહે, 'જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી તે યમરાજ સમાન છે. અને રાજાના રક્ષણ વિનાની પ્રજા સમુદ્રમાં સુકાન વગરની નાવ જેવી બની જાય છે. અને છેલ્લે ડૂબી જાય છે. માટે આપણે એવો રાજા પસંદ કરવો જોઈએ, જે આપણા સમાજમાં જ રહેતો હોય, બળવાન હોય, આપણાં સુખદુઃખથી માહિતગાર રહીને આપણી રક્ષા કરતો હોય.'
બધાં પક્ષીઓ બોલી ઊઠ્યાં : 'બરાબર ! બરાબર !'
હવે નવો રાજા બનાવવો કોને ? ત્યારે ઘુવડે કહ્યું, 'હું રાજા બનીશ. અને તમારી રક્ષા કરીશ.' પક્ષીઓએ તે વાતમાં સંમતિ આપી.
અને આમ ઘુવડને પક્ષીઓનો રાજા બનાવવાની તૈયારી થવા માંડી. ત્યાં જ કાગડો આવ્યો. તે પૂછવા લાગ્યો : 'આટલાં બધાં પક્ષીઓ કેમ ભેગાં થયાં છો ? આજે શું છે ? કોઈ ઉત્સવ છે ?'
ત્યારે ચકલીએ કહ્યું, 'કાગડાભાઈ ! ઘુવડને રાજા બનાવવાનો બધાએ નિર્ણય કર્યો છે.'
'કેમ ?' કાગડાને આશ્ચર્ય થયું.
કાબરે માંડીને સભામાં થયેલી સર્વ વાત કાગડાને કરી.
'અરે ભાઈઓ !' કાગડાએ બધાને કહેવા માંડ્યું, 'આ તમે એકદમ ખોટું કરો છો ! આ ભયાનક દેખાવવાળું પક્ષી આપણો રાજા બને એમાં આપણી ઇજ્જત શું ? વળી તે દિવસે અંધ બની જય છે. તો તે આપણી રક્ષા શું કરવાનું ? આપણે ખુલ્લામાં ફરનારા છીએ જ્યારે આ તો સદા સંતાઈને રહેવાવાળું પક્ષી છે ! આપણા બોલ અને સહવાસ મનુષ્યોને ગમે છે. જ્યારે આનું ડાચું જોવાનુંયે મનુષ્યો પસંદ કરતાં નથી. એના તો અવાજથી બધાં થથરી જાય છે. એ તો તદ્દન અપશુકનિયાળ છે. આને રાજા બનાવવો એ તો મહા મૂર્ખાઈનું કાર્ય છે.' બધાં પક્ષીઓ આ નિવેદનથી થંભી ગયાં. બધાંને લાગ્યું, કાગડાની વાત સોળ આના સાચી છે. આના તો બધા જ ક્રમ આપણાથી ઊલટા છે. ઘુવડ તો રાજા બનવા માટે તદ્દન અયોગ્ય છે. બધાંએ ઘુવડને રાજા બનાવવાનું તત્કાળ માંડી વાળ્યું અને ગરુડને જ રાજા માની બધા પંખીઓ ઊડી ગયાં.
ઘુવડ કાગડા પર અત્યંત ગુસ્સે થઈ ગયું. તેણે કહ્યું, 'આજે તેં મારું બહુ જ બૂરું કર્યું છે. અને મને બેઇજ્જત કર્યું છે. તલવારનો ઘા રુઝાઈ જાય પણ કડવા બોલનો મન પર પડેલો ઘા કદી રુઝાતો નથી. તેં મારા મન પર ઘા કર્યો છે. આજથી તું મારો મહાશત્રુ છે. મારો સમાજ તારા સમાજને જ્યાં જોશે ત્યાં મારશે.' કહીને ઘુવડ ચાલ્યું ગયું.
'બસ ! ત્યારથી આપણી અને ઘુવડોની શત્રુતા ચાલતી આવે છે.'
'મહારાજ ! આપના પરદાદાની વાત સાચી હતી. તેમણે સભામાં સત્ય બોલીને પંખીસમાજ પર મોટો ઉપકાર કર્યો છે. ક્યાં સર્વગુણસંપન્ન, શક્તિશાળી અને રૂપવાન વિષ્ણુભક્ત ગરુડ અને ક્યાં નિશાચર, દુષ્ટબુદ્ધિ, કદરૂપું અને અપશુકનિયાળ ઘુવડ ! પંખીઓમાં આપણી જાત વધુ ચાલાક ગણાય છે. આજે આપણી કસોટીનો સમય આવી ગયો છે. આપણે ઘુવડોનો નાશ કરવો જોઈએ. તે માટે હું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું.'
'આપણે શું કરી શકીએ ?'
'હું ગુપ્તચર બનીને ઘુવડોની વચ્ચે જઈશ અને તેઓનો નાશ કરીશ.'
'પરંતુ તમે જશો કેવી રીતે ?'
'તેનો એક ઉપાય છે. સંધ્યાકાળે તમે મારી સાથે ખોટો ઝઘડો કરો અને ઘાયલ કરીને ફેંકી દો. હું કોઈ પણ ઉપાયે ઘુવડોના પક્ષમાં ભળી જઈશ. અને તેઓના ભેદ જાણી, તેઓનું રહેઠાણ શોધી, તેઓનો નાશ કરીશ. તમે મને શત્રુ ઘોષિત કરીને આ વૃક્ષ છોડી પહાડો પર ચાલ્યા જાઓ.'
'સારું, તમે કહો છો તેમ જ થશે.' કાગરાજે સંમતિ આપી.
ધીરે ધીરે સાંજ પડી. પક્ષીઓ માળામાં જવા લાગ્યાં. અને ચામાચિડિયાં, ઘુવડો વગેરે નિશાચરો જાગવા લાગ્યાં. ત્યારે કાગડાઓએ પેલા વૃદ્ધ કાગડા સાથે ઝઘડવાનો પ્રારંભ કર્યો. ઝઘડો વધતાં બધાંએ તેને ખાલી ખાલી મારવો શરૂ કર્યો અને તેને ફેંકીને દૂર દૂર પહાડ પર ચાલ્યા ગયા.
રાત્રિ પડી. ઘુવડો ફરવા નીકળ્યાં ત્યાં જ તેમને ઘાયલ પડેલો કાગડો દેખાયો. તેઓ તેને મારી નાખવા ભેગા થયાં. ત્યારે કાગડો બોલ્યો, 'ભાઈઓ ! મારે તમારા રાજાને મળવું છે. પછી ભલે તમે મને મારી નાખો. મારી આટલી વિનંતી માન્ય રાખો.'
ઘુવડોને થયું, આ અધમૂઓ કાગડો ભલે રાજાને મળી લેતો. એ આપણું કંઈ બગાડી શકવાનો નથી. અડધો મરેલા જેવો જ દેખાય છે. આપણે પૂરો મારી નાખીશું.'
ઘુવડો કાગડાને પોતાના રાજા પસે લઈ ગયા.
ઘુવડના રાજાએ પૂછ્યું, 'આ દુશ્મનને અહીં કેમ લાવ્યા છો ?'
'મહારાજ ! એ આપને મળવા માગે છે.' એક ઘુવડે કહ્યું. 'કહે, તું મને કેમ મળવા માગે છે ?' રાજાએ કાગડાને પૂછ્યું.
'મહારાજ ! અમારો રાજા બહુ લુચ્ચો અને સ્વાર્થી છે. મેં જરાક તમારાં વખાણ કર્યાં ત્યાં તો મને મરણતોલ માર મારી ફેંકી દીધો. હવે તો હું તમારા શરણે છું. મને મારવો કે જિવાડવો એ તમારે જોવાનું છે.'
રાજાએ મંત્રીઓને પૂછ્યું, 'હે મંત્રીઓ ! મારે શું કરવું જોઈએ ?'
એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, 'દુશ્મન એટલે દુશ્મન. એને મારી નાખવો જ ઉચિત છે.'
પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું, 'હે રાજન ! આપણા હાથમાં અનાયાસે સોનેરી મોકો આવ્યો છે. શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઊતરે છે. આને આપણે ગુપ્તચર બનાવીએ. એ આપણા દુશ્મનોનો ભેદ જાણીને આપણને કહેશે. એટલે આપણે કાગડાઓને મારી નાખી તેમનું નામનિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈશું.'
રાજાને પણ યુવાન મંત્રીની વાત ગમી ગઈ. તેણે ઘાયલ કાગડાને કહ્યું, 'શરણે આવેલાની રક્ષા કરવી અમારો ધર્મ છે. અમે તમારી રક્ષા કરીશું પરંતુ તેના બદલામાં તારે તારા સમાજના, તારા રાજાના અને તારા રાજ્યના ભેદ જાણી લાવવા પડશે. તું આ કામ કરી શકશે ?'
'મહારાજ ! હું જરૂર તમારું કામ કરીશ. મને મારા સમાજ અને રાજા પર બહુ ગુસ્સો આવ્યો છે. હું તેઓને ખતમ કરીને જ જંપીશ. જુઓને, તેમણે મને કેવો માર માર્યો છે ! તેમણે મારી બહુ બેઇજ્જતી કરી છે. હું તમને બધા જ ભેદ કહીશ. મને તમારો સેવક સમજો.'
ઘુવડનો રાજા આ સાંભળી ખુશ થઈ ગયો. અને કાગડાને જીવતદાન આપ્યું.
આમ વૃદ્ધ કાગડાની યુક્તિ સફળ થઈ. તે દુશ્મનના પક્ષમાં ભળી ગયો.
પરંતુ વૃદ્ધ મંત્રીને એ ન ગમ્યું. એને કાગડા પર જરાયે વિશ્વાસ ન બેઠો. એ પોતાના પરિવાર, સેવકો અને મિત્રોને લઈને દૂર દૂર ભાગી ગયું. તેના જવાથી કાગડો ખુશ થઈ ગયો. 'ચાલો, બલા ટળી. એ વધારે હોંશિયાર હતો. અહીં રહ્યો હોત તો મારી યોજનાને ઊંધી વાળી દેત. હવે જે છે તેમાં કોઈ એવું બુદ્ધિમાન નથી કે મારી ચાલને પારખે. જે રાજા પાસે બુદ્ધિમાન મંત્રી નથી હોતા તેનો જલદી વિનાશ થાય છે.'
કાગડો પોતાનો માળો બનાવવાને બહાને ગુફાની આજુબાજુ સૂકી લાકડીઓ લાવવા લાગ્યો. બે-ત્રણ દિવસ રહીને એણે ઘૂવડના રાજાને માહિતી આપી કે કાગડાઓની સંખ્યા કેટલી છે ? તેઓ કયા વૃક્ષ પર રહે છે ?
ઘૂવડોએ કહ્યું, 'તો તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે. માટે હવે હુમલો કરવો જોઈએ.'
કાગડાએ કહ્યું, 'જરા ધીરજ રાખો. હજી ઘણી માહિતી મારે મેળવવાની છે. અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે.'
ઘૂવડોને હવે કાગડા પર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો આપણો જ થઈ ગયો છે. એટલે તેની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું.
કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગો કરતો રહ્યો. 'હે કુમારો ! બુદ્ધિમાન મંત્રીઓ શક્ત્રુઓનો વિનાશ કરે છે. અને રાજ્યને આબાદ રાખે છે. વળી શત્રુપક્ષના માનવીનો કદી વિશ્વાસ ન કરવો.'
અને એક દિવસ ઊડતો ઊડતો એ પોતાના રાજા પાસે પહાડ પર પહોંચ્યો.
'મહારાજ ! આપણી તરકીબ સફળ થઈ છે. મેં ઘૂવડોનો નાશ કરવાની યોજના તૈયાર કરી નાખી છે. તમે જલદી મારી સાથે ચાલો.'
રાજા પોતાના મંત્રીઓ સાથે એ વૃદ્ધ કાગડા સાથે ઘૂવડોની ગુફા પાસે આવ્યો. કાગડાએ પોતાની ચાલ સમજાવીને સૂકી લાકડીઓ બતાવી. પછી બધા વૃદ્ધ કાગડાના કહેવાથી અગ્નિ શોધવા નીકળ્યા. રાજાને એક સળગતી લાકડી દેખાઈ. તેણે તે ઉપાડી અને ઘુવડની ગુફા આગળ ફેંકી.
ધીરે ધીરે સૂકી લાકડીઓ સળગવા લાગી. અને એ આગ ગુફામાં પણ પ્રસરી ગઈ. ધુમાડાથી ગુંગળાતાં ઘૂવડો અને તેનો રાજા બખોલોમાંથી બહાર નીકળ્યાં તે સાથે જ બળીને ભડથું થઈ ગયાં. મંત્રીઓ બીજા કાગડાઓને પહાડ પરથી બોલાવી લાવ્યાં અને ફરી કાગડાઓ પોતાના અસલ નિવાસસ્થાન પર શાંતિથી રહેવા લાગ્યાં.
કાગરાજે પેલા વૃદ્ધ કાગડાને મુખ્ય મંત્રી બનાવી અનેક ભેટો આપી.