લખાણ પર જાઓ

પંચતંત્ર: લોભી પારધી

વિકિસ્રોતમાંથી
પંચતંત્ર: લોભી પારધી
પંડિત વિષ્ણુશર્મા



લોભી પારધી

તમસપુર નગરની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. તેની ચારે તરફ મીઠાં ફળવાળાં વૃક્ષો હતાં. વિશાળ છાયા કરતાં વડ-લીમડો-પીપળો જેવાં વૃક્ષો પણ હતાં. ઠેક ઠેકાણે સુગંધી પુષ્પોના છોડ હતાં. સરોવરમાં લાલ અને શ્વેત કમળનાં પુષ્પો તથા રંગબેરંગી માછલીઓ શોભામાં ઓર વધારો કરતાં. સરોવરની આવી સુંદર શોભા કોઈને કેટલીયે જાતનાં પંખીઓએ ત્યાં પોતાનો નિવાસ કર્યો હતો. વળી એ પ્રદેશ રાજાના સિપાહીઓથી રક્ષાયેલો હોવાથી ત્યાં સસલાં, હરણ, વાંદરાં જેવાં પ્રાણીઓ પણ નિર્ભયપણે વિચરતાં.

સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો. તેને એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ. બન્ને રોજ સરોવરને કિનારે મળતાં અને જાતજાતની, ભાત ભાતની વાતો કરતાં.

એક વાર એક પારધીએ આ હંસને જોયો. એને એ હંસ ખૂબ ગમી ગયો. કેવો રૂપાળો હંસ છે ! એનું મન લલચાઈ ગયું. એ જાળ લઈને રોજ છાનોમાનો એ સરોવર પાસે ફરવા લાગ્યો. એક વાર હંસ અને માછલી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે સિપાહીઓની નજર ચૂકવીને એણે હંસને જાળમાં ફસાવી પકડી લીધો. આથી હંસ ગભરાઈ ગયો, માછલી પણ ગભરાઈ ગઈ. તેણે પારધીને કહ્યું, 'ભાઈ ! આ હંસને શું કામ પકડ્યો છે ?'

'પૈસા માટે. આ રૂપાળા હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે.'

'ભાઈ ! તું હંસને છોડી દે. હું તને એક મોતી આપું છું. તેના પૈસા હંસ કરતાં વધારે ઊપજશે.'

'સારું, હું હમણાં જ આવી.' કહી માછલી પાણીમાં સરકી ગઈ. અને તરત જ પાછી ઉપર આવી. એણે પારધીના હાથમાં એક મોતી મૂક્યું.

પારધીએ હંસને છોડી મૂક્યો. હંસ પાંખો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો. એ હજી ધ્રૂજી રહ્યો હતો. પારધી ગયો. પછી એ ધીરેથી નીચે ઊતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો. પહેલી વાર હંસને લાગ્યું, 'સારો અને સાચો મિત્ર મુશ્કેલીમાં કામ આવે છે.'

આ તરફ પારધી નગરમાં એક ઝવેરીને ત્યાં ગયો. અને પેલું મોતી બતાવ્યું. ગુલાબી ઝાંયનું આવડું મોટું ચોખ્ખું મોતી જોઈને ઝવેરી અજાયબ થઈ ગયો. તેણે પારધીને સો સોનામહોર આપી. અને કહ્યું, 'જો તું આમાનું બીજું મોતી લઈ આવશે તો હું તને પાંચસો સોનામહોર આપીશ.'

પારધી સો સોનામહોર જોઈને અજાયબ થઈ ગયો. અને પાંચસો સોનામહોરની વાત સાંભળીને તો એને ચક્કર જ આવી ગયા.

બીજે દિવસે એ ઊપડ્યો ફરી જાળ લઈને સરોવર કિનારે. લપાતો છુપાતો એ હંસને ફસાવવાનો લાગ જોયા કરતો હતો. હંસ સરોવર કિનારે બેઠેલો હોવો જોઈએ. અને તે સમયે કોઈ માણસ કે ચોકિયાત હોવો ન જોઈએ. માંડ માંડ એક દિવસ એવો મોકો મળી ગયો. એણે જાળ નાખી અને હંસ ફરી સપડાયો. ફરી માછલીએ કહ્યું, 'તું હંસને છોડી મૂક.' પારધીએ કહ્યું, 'તેં પહેલાં આપેલું એવું મોતી મને આપ. તો જ હું આ હંસને છોડીશ.'

માછલી કહે, 'ભાઈ ! તને પહેલાં કેવું મોતી આપેલું તે મને કેવી રીતે યાદ હોય ! મારી પાસે તો જાતજાતનાં મોતી છે.'

પારધી કહે, 'તું મારી રાહ જોજે. હું હમણાં જ આવ્યો.' એ તો દોડતો ઝવેરી પાસે આવ્યો અને કહે, 'શેઠજી ! પેલું મોતી આપો હું એની જોડનું બીજું મોતી લઈ આવું.'

'પણ ભાઈ ! હું તારો વિશ્વાસ કેવી રીતે કરું ? તું મને સો સોનામહોર પાછી આપી દે. હું તને મોતી આપી દઈશ.'

'સારું' કહીને પારધી ઘરે દોડ્યો. સો સોનામહોર લાવીને ઝવેરીના હાથમાં મૂકી. ઝવેરીએ પેલું મોતી પાછું આપ્યું અને કહ્યું, 'બન્ને મોતી લઈને જલદી પાછો આવજે.'

'હા શેઠજી !' કરીને એ દોડ્યો સરોવરની પાળે. પછી માછલીને કહ્યું, 'લે, આ મોતી ! આવું બીજું મોતી જોઈએ છે. વળી આ મોતી પાછું લાવવાનું ભૂલતી નહિ. બન્ને મોતી એક સરખાં રંગના અને કદનાં જોઈએ.'

'જો, ભાઈ ! તું આ હંસને પહેલાં છોડી દે. પછી જ હું મોતીની જોડ લઈ આવું.'

લોભમાં ભાન ભૂલેલા પારધીએ હંસને છોડી દીધો. હંસ પાંખો ફફડાવતો દૂર દૂર ઊડી ગયો. અને માછલી મોતી લઈને ગઈ તે ગઈ. ફરી દેખાઈ જ નહિ.

ત્યાં જ એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો,

'તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે ? મને તારી દાનત સારી લાગતી નથી. ચાલ, તો ઊભો થા.' ત્યાં જ સિપાહીની નજર તેણે સંતાડેલી જાળ પર પડી. એની આંખો ચમકી ઊઠી. એ સમજી ગયો કે આ પારધી છાનોમાનો જાળ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે.'

સિપાહીએ બીજા સિપાહીઓને બોલાવ્યા અને પારધીને પકડી લીધો. પારધીને બહુ અફસોસ થયો. જો એણે સો સોનામહોર લઈને સંતોષ માન્યો હોત તો આજે પકડાયો ન હોત.

બીજે દિવસે એને ન્યાયલયમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં એને ચાર વર્ષની જેલ થઈ. જેલની ચક્કી પીસતાં પીસતાં પણ એને પેલું મોતી યાદ આવી રહ્યું.

હંસ દૂર ઝાડ પર બેસીને એનો તાલ જોતું હતું. સિપાહી એને પકડી ગયા. એટલે હંસે હાશ કરી અને સીધો તે સરોવરની પાળે આવ્યો. તેનો ફફડાટ સાંભળીને માછલી પણ સપાટી પર આવી અને બોલી, 'હંસ ! હવે તું આભાર ન માનતો. તને મદદ કરવી એ મારો મિત્રધર્મ છે.' બન્ને હસી પડ્યાં.

'હે કુમારો ! સારા અને સાચા મિત્રો જ દુઃખમાં મદદ કરે છે. અને લોભી જ વધુ ગુમાવે છે.'