લખાણ પર જાઓ

પંચતંત્ર: વાંદરાની સલાહ

વિકિસ્રોતમાંથી
પંચતંત્ર: વાંદરાની સલાહ
પંડિત વિષ્ણુશર્મા



વાંદરાની સલાહ

રત્નપુર નગરના રાજાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો. એના ઘોડારમાં દેશ દેશના કીમતી ઘોડાઓ હતા. એ બધા ઘોડા રાજાને ખૂબ વહાલા હતા.

આ રાજાનો એક કુંવર હતો. એકનો એક. બધાનો લાડકો. તેને ઘેંટા ને વાંદરાં પાળવાનો શોખ હતો. ધોળાં ધોળાં રૂના ઢગલા જેવાં અલમસ્ત ઘેટાં તેણે પાળ્યાં હતાં. અને વાંદરાનું તો આખું ઝુંડ તેના બગીચામાં હતું. અને વાંદરાં પણ જેવા તેવા નહિ. તાલીમ પામેલાં કુંવર આવે એટલે સલામ કરે. કુંવર સાથે જાતજાતની રમતો રમે. કુંવરને ખુશ કરવા જાત-જાતના ખેલ કરે.

રાજાએ એક વિશાળ જગા આ લોકો માટે અલગ કાઢી હતી. ત્યાં એક તરફ ઘોડાર અને બીજી તરફ વાંદરાં અને ઘેટાં રહેતાં. ઘોડાર સામે જ રાજાનું રસોડું હતું.

હવે એક ઘેટું બહુ તોફાની હતું. તે લાગ મળે ત્યારે આ રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખોરાક ખાઈ જતું. એના બગાડથી રસોઇયા ખૂબ ગુસ્સે થતા. કુંવરનું ઘેટું એટલે એને મારી તો ન નખાય. પરંતુ મેથીપાક તો બરાબર આપતા.

પરંતુ ઘેટાને એની જરાય પડેલી નહિ. તે તેનું તોફાન ચાલુ જ રાખતું. હવે તેનું આ તોફાન બુઢ્ઢો વાંદરો જોતો. એક દિવસ એણે પોતાના પરિવારને ભેગું કર્યું અને કહ્યું, 'જુઓ આપણે આનંદથી રહીએ છીએ. કુંવરજી આપણને સારો સારો ખોરાક આપે છે. પણ એક બહુ મોટું જોખમ આપણા માટે ઊભું થયું છે.'

'શું ?' બધાં વાંદરાં પૂછવા લાગ્યાં.

'પેલું તોફાની ઘેટું ઘણી વાર રાજાના રસોડામાં ઘૂસી જાય છે. જો કોઈ વાર રસોઇયો વધારે ખિજવાઈ જશે તો એને સળગતું લાકડું મારશે. એટલે તેના વાળ સળગી ઊઠશે. હવે રસોડાની સામે જ ઘોડારનો દરવાજો છે. ઘેટું ગભરાઈને એ ઘોડારમાં ઘૂસી જશે. આથી ત્યાંનું ઘાસ સળગી ઊઠશે. અને ઘાસ સળગી ઊઠશે તો ઘોડા દાઝી જશે. ઘોડા રાજાને બહુ વહાલા છે. એટલે તરત જ ઘોડાને બચાવવા વૈદો આવશે. વૈદો ઘોડાના દાઝેલા ભાગ પર લગાડવા વાંદરાનાં હાડકાંનું તેલ મંગાવશે. તાત્કાલિક વાંદરાં ક્યાંથી મળે ? એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણાં હાડકાંનું તેલ કઢાવશે. અને એમ આપણો નાશ થશે. માટે એવો કોઈ બનાવ બને તે પહેલાં જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ.'

લગભગ બધાં જવાંદરાં આ વાત સાંભળીને હસી પડ્યાં. એક જુવાન વાંદરો બોલ્યો : 'દાદા ! તમારી તો સાંઠે બુદ્ધિ નાઠી લાગે છે ! તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો. અને આપણી જિંદગી છે ટૂંકી. માટે હાલ જે સુખસાહ્યબી મળી રહી છે તેને ભોગવો અને શાંતિથી ઊંઘી જાઓ.'

'નહિ. હું બહુ વિચારીને કહું છું. હું આજે જ અહીંથી ભાગી જાઉં છું. તમે આવો... ન આવો એ તમારી મરજીની વાત છે. પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ.'

બધાં જ વાંદરાંએ બુઢ્ઢા વાંદરાની મશ્કરી કરી. અને કોઈએ તેની વાત ન માની. દુઃખી હૃદયે બુઢ્ઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો. બીજે દિવસે કુંવરે જોયું તો બુઢ્ઢો વાંદરો ન મળે. તેણે રાજાને કહ્યું. બધાંએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસો વીતવા લાગ્યા.

એમ કરતાં દશેરાનો દિવસ આવ્યો. રાજ્યમાં મોટો ઉત્સવ ઊજવાતો હતો. આજે રાજાની સવારી નીકળવાની હતી. અને ત્યાર પછી રાજમહેલમાં મોટો ભોજન સમારંભ હતો. રસોઇયાઓ રાતથી જાતજાતની વાનગીઓ બનાવી રહ્યા હતા. એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી. રાજાને ખીર બહુ જ ભાવતી. એમાં જાતજાતના તેજાના નાખવામાં આવ્યા હતા. બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા. બધા જ પોતાની ધૂનમાં હતા.

પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું. તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું લક્ષ ન હતું. એણે રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું. અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું. અચાનક પૂરી તળી રહેલા રસોઇયાની નજર એ ઘેટા પર પડી. ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઇયો ક્રોધથી લાલચોળ બની ગયો. ગુસ્સાથી એણે ચુલામાંથી સળગતું લાકડું ખેંચી કાઢ્યું અને ઘેટા પર છૂટું માર્યું. સળગતા લાકડાનો સ્પર્શ થતાં જ ઘેટાના વાલ સળગી ઊઠ્યા. તે ભાગ્યું. અને સીધું સામે ના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું. અને આળોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડ્યું. તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યું.

ઘેટું તો ભાગી છૂટ્યું. હવે રસોઇયાને પણ ખ્યાલ નહિ કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે. વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ ન હતું. બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા. એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોતજોતામાં આખું ઘોડાર સળગી ઊઠ્યું. ઘોડારના માણસો દોડતા આવ્યા અને ઝડપથી બધા ઘોડાઓને છોડવા લાગ્યા છતાં ઘણા ઘોડા દાઝી ગયા.

આ તો રાજાના પ્રિય ઘોડાઓ હતા. એટલે તાબડતોબ રાજવૈદને બોલાવવામાં આવ્યા. વૈદે કહ્યું, 'તાત્કાલિક વાંદરાંનાં હાડકાંનું તેલ જોઈએ. તે લગાડવાથી તરત જ ઘોડાઓને આરામ થશે.'

હવે તેલ માટે વાંદરાંનાં ઘણાં હાડકાં જોઈએ. તે હાડકાં ક્યાંથી લાવવાં ? એટલે રાજાએ રાજનાં વાંદરાંઓને મારી નાખવાનો હુકમ આપ્યો. તરત જ બધાં વાંદરાંઓને મારી નાખવામાં આવ્યાં.

આમ બુઢ્ઢા વાંદરાએ કરેલી આગાહી સાચી પડી. બધાં વાંદરાંઓનો નાશ થઈ ગયો.

૦ ૦ ૦

થોડો સમય વીત્યો એટલે બુઢ્ઢા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો. એને તેઓ વગર ગમતું ન હતું. અને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી. તે લોકોએ એની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી, તે વાતનું એને બહુ દુઃખ હતું. આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો, જ્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો.

ત્યાં જઈને એણે જોયું તો પોતાના પરિવારનો એકે વાંદરો ન દેખાયો. પેલા તોફાની ઘેટાં પર દાઝવાનાં નિશાન હતાં. અને ઘોડારમાં ઘણા ઘોડાનાં શરીર પર પણ દાઝેલાનાં નિશાન આછાં આછાં દેખાતાં હતાં. તે બધી વાત સમજી ગયો. તેની વાત સાચી પડી હતી. રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો.

આથી વાંદરો રડી પડ્યો. તેને બહુ જ દુઃખ થયું. પરંતુ બનવાકાળ બની ગયું. હવે શું થાય ? વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો. હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો. એટલે એ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એ આગળ ને આગળ વધતો ગયો. એમ કરતાં કરતાં એ એક તળાવને કિનારે આવ્યો. કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો. અને એણે પહેલાં આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. પછી એણે જમીન પર જોયું તો બધાનાં પગલાં તળાવની અંદર જતાં હતાં. પણ કોઈ પગલાં પાછાં વળતાં દેખાતાં ન હતાં. એટલે એને આશ્ચર્ય થયું. એને થયું કે, આ તળાવમાં ચોક્કસ વસ્તુ લાગે છે. પગલાં અંદર તરફ જાય છે તો બહાર કેમ વળતાં નથી ! જરા વાર એણે વિચાર કર્યો. એને જોખમ લાગ્યું. એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું. પણ તરસ તો ખૂબ લાગેલી. ગળું તરસથી સુકાતું હતું. હવે શું કરવું ? આથી એણે આજુબાજુ નજર કરી. તો એને બે-ત્રણ કેળનાં ઝાડ દેખાયાં. એના મનમાં એક યુક્તિ સૂઝી. એણે કેળનું એક મોટું પાન તોડ્યું. તેની ભૂંગળી બનાવી. અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડુબાડ્યો. અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો. આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું. આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું.

હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો. તે પાણીમાં છુપાઈ રહેતો. અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો. આ એનો રોજનો ક્રમ હતો.

આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો. વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું. એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે, ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું, ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો. તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો. આવું બુદ્ધિશાળી પ્રાણી એણે એની જિંદગીમાં જોયું ન હતું. એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો : 'હે વાનર ! હું તારા પર બહુ ખુશ છું. મેં તારા જેવું બુદ્ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી.'

વાંદરો તો એને જોઈ ચમક્યો. એને તળવમાં જતાં પગલાંનું રહસ્ય સમજાઈ ગયું. એને થયું, ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોંમાં પહોંચી જાત. એ કંઈ બોલ્યો નહિ. એણે રાક્ષસ સમે જોઈને પ્રણામ કર્યાં.

'હે વાનર ! હું તારા પર ખુશ છું. આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું. તેનો તું સ્વીકાર કર.'

'રાક્ષસરાજ ! સાચું કહું ? મને તમારો ભય લાગે છે. એટલે હું તમારી નજીક કેવી રીતે આવું ?' વાંદરાએ નમ્રતાથી કહ્યું.

રાક્ષસ હસી પડ્યો. અને બોલ્યો, 'તારો ભય સ્વાભાવિક છે. વાંધો નહિ. તું આ હાર ઝીલી લે.' કહીને એણે હર વાંદરા તરફ ફેંક્યો, વાંદરાએ એ હાર સ્ફૂર્તિથી ઝીલી લીધો. અને ગળામાં પહેરી લીધો. વાંદરાએ જોયું તો તે અતિ મૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્ય હાર હતો.

તેણે રક્ષસને કહ્યું, 'રાક્ષસરાજ ! આ હાર તો ઘણો કીમતી છે. મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો.' અચાનક વાનરના મનમાં એક વિચાર આવ્યો. અને તે તેણે અમલમાં પણ મૂકી દીધો.

'રાક્ષસરાજ ! મારા પર એક કૃપા કરશો ?'

'કહે.'

વાનરે પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી. પછી ઉમેર્યું, 'હું રાજા સામે બદલો લેવા માગું છું. આ હારની લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ. અને તમારે હવાલે કરી દઈશ. પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહિ.'

'સારું.' રાક્ષસ તો ખુશ ખુશ થઈ ગયો. માનવ માંસ તો એને અતિપ્રિય હતું. વાંદરો તો ઊપડ્યો રાજા પાસે. સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો. રાજા અને એનો કુંવર આ બુઢ્ઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા. ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી. તેના ગળામાં ઝળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો. અને બોલ્યો, 'હે વાનર ! તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે. તે તને ક્યાંથી મળ્યો ?'

વાંદરો મનોમન ખુશ થઈ ગયો. જે રીતે વાત શરૂ થવી જોઈએ, એ જ રીતે વાત શરૂ થઈ હતી. તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું, 'મહારાજ ! હું આ હાર આપને બતાવવા આટે જ આવ્યો છું. આપ એનું મૂલ્ય કરાવો.'

રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો. ઝવેરીએ હાર જોઈને કહ્યું, 'મહારાજ ! આ હારના બધા જ હીરા એટલા કીમતી છે કે આ હારની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દશ ભંડારો જોઈએ. તોય કિંમત ઓછી કહેવાય.' રાજા ચકિત બની ગયો. અને વાંદરાને પૂછ્યું, 'તને આ હાર ક્યાંથી મળ્યો ?'

'મહારાજ ! આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું.'

રાજા ખુશ થઈ ગયો. તેણે એ હાર પહેરી લીધો. પછી વાંદરો બોલ્યો : 'મહારાજ ! આ હાર એક ગુપ્ત જગ્યાએથી મળ્યો છે. જો આપને આવા બીજા કીમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત-ખંડમાં આવો. હું તમને બાકીની વાત કરું.'

રાજા તૈયાર થઈ ગયા. તેમણે સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે ગુપ્તખંડમાં પ્રવેશ્યા. વાંદરાએ કહ્યું, 'મને એક દિવસ સપનું આવ્યું કે, આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે. તેમાં એક તળાવ છે. તેમાં મોટો ખજાનો છે. આથી હું સવારે ઊઠીને ચાલી નીકળ્યો. આપણા રાજ્યની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો. ત્યાં એક તળાવ હતું. હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા. તેણે કહ્યું, 'હે વાનર ! તેં આ જળને સ્પર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ. માટે તું અંદર આવ.' હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો. ત્યાં સુંદર ભવન હતું. તે દેવ મને ભંડારમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારનાં રત્નો, આભૂષણો, સુવર્ણ, ચાંદી વગેરેના ચરુ ભરેલા હતા. તે દેવે એક ચરુમાંથી આ હાર કાઢી મને આપ્યો. પછી મને આંખો મીંચી દેવા કહ્યું. મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો. હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો છું. અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી છે. હે પ્રભુ ! હવે આપ જલદી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો. હું આપને રસ્તો બતાવીશ.'

રાજા ખુશ ખુશ થઈ ગયો. તેને થયું, હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ. અને તેમાંથી શસ્ત્રો-સૈનિકો ખરીદી મારું રાજ્ય મોટું કરીશ. આગળ જતાં હું ચક્રવર્તી રાજા બનીશ.

રાજાએ પોતાના પરિવારને, મુખ્ય મંત્રીઓને અને સ્વજનોને સાથે લીધા. અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા.

થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા. વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊભો રાખ્યો. અને બાકીના બધાંને એક પછી એક અંદર જવા ખ્યું. ધનની લાલસામાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતાં ગયાં. પછી લાંબો સમય વીતી ગયો. છતાં કોઈ પાછું આવ્યું નહિ. એટલે રાજાએ વાંદરાને પૂછ્યું, 'હે વાનર ! કેમ કોઈ પાછું ન ફર્યું ? હવે હું જાઉં ?'

'નહિ રાજન્‌ ! તમે ન જશો. અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું આવવાનું નથી. તમે મારા નિરપરાધી પરિવાર-સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવાર-સ્વજનોનો નાશ કર્યો. આમ આપણો હિસાબ સરભર થઈ ગયો. હવે કદી કોઈ નિર્દોષને મારશો નહિ. પછી એ માનવ હોય કે પશુ-પંખી.'

આમ કહીને વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો.

'હે કુમારો ! તમારે પણ એ જ વાત શીખવાની છે કે, કદી કોઈ નિર્દોષ-નિરપરાધી માનવી, પશુ-પંખી કે કોઈ પણ જીવને મારવો નહિ.'