પરથમ ગણેશ બેસાડો રે
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે હો… મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા
હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા
વિવાહ ઘરણી ને જગન જનોઇ
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો
જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો
ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા
રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા
તૂટ્યા તળાવ ને તૂટી પીંજણિયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા
વીવા, અઘરણી ને જગવને જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા
અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા
હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા
હરખ્યા પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા
હરખ્યા પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા
હરખ્યા સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા
હરખ્યા માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા
હરખ્યા વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા