લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૧૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૨ પિતામહ
પ્રકરણ ૧૩
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૪ →






૧૩
 

‘ઓ હતભાગિની, ચિંંતાની જ્વાલામાં તારે ભરખાઈ જ જવાનું છે.’ સત્યવતી મનોદ્વેગમાં પોતાની જાતને જ તેના દુર્ભાગ્ય વિષે સંભળાવતી હતી.

પાંડુને બબ્બે રાણીઓ હોવા છતાં નિઃસંતાન હતો. વૈદની તાકીદનો અર્થ સ્પષ્ટ હતો. તેણે બન્ને રાણીઓને જે સલાહ આપી હતી તે પણ સ્પષ્ટ હતી. પાંડુ નિઃસતાન હશે ને ધૃતરાષ્ટ્ર તો જન્મથી અંધ છે. આજ સુધી તેને પોતાની રાજકુમારી દેવા કોઈ આવ્યું નથી. અંધને કોણ પોતાની દીકરી દેવા તૈયાર થાય ?

તો કુરુવંશ અટકી જશે. પોતે તો પુત્રવધૂઓને નિયોગના માર્ગે દોરી કુરુવંશની વેલ સલામત રાખી. પણ હવે?

દિવસો થયા તે આ ચિંંતામાં સળગતી હતી. પાંડુની તબિયત વિષેના સમાચારો પણ હતાશાભર્યા હતા એટલે પાંડુને સંતાન થાય તેવી કોઈ જ શક્યતા ન હતી. પરિણામે સત્યવતીની ચિંંતાનો અંગારો વધુ પ્રજ્વલિત થતો હતો. તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ હતી.

ભીષ્મ સત્યવતીની ગમગીની જોઈ મનમાં શંકા કરતો, મા કોઈ અદીઠ, કલ્પિત વિપદાથી મનોમન પિડાય છે. તેણે માની ચિંંતાભરી હાલતનો ભેદ જાણવાનો પ્રયત્ન કર્યો.

‘મા, હમણાં હમણાં તમે ઉદાસ કેમ રહો છો ? કોઈ કલ્પના તમને ધ્રુજાવી રહી છે ? કહો તો ખરા ? ભીષ્મ તેની તમામ શક્તિથી એ કલ્પનાનો અંત લાવશે.’ તેમણે પ્રશ્ન કર્યો, ‘ધૃતરાષ્ટ્રના રાજવહીવટમાં કોઈ ક્ષતિ તમે જોઈ છે? વિદુર સતત ઉપસ્થિત જ હોય છે. ધૃતરાષ્ટ્રને પણ વિદુર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.’ પછી અટહાસ્ય કરતાં ભીષ્મ બોલ્યા, ‘મા, તમે કદાચ નહિ માનો, પણ ધૃતરાષ્ટ્ર વિદુરને પોતાના ખોળામાં બેસાડી તેના પર વાત્સલ્યભાવ વર્ષાવે છે.’ પછી મૂળ પ્રશ્ન ઉપસ્થિત કરતા પૂછ્યું : ‘કહો મા, તમને ચિંંતા શાની છે? પાંડુની તબિયત પણ હવે સુધારા પર છે. થોડા મહિના સંપૂર્ણ આરામ કર્યા પછી પુનઃ પાછો ફરશે એમ લાગે છે. પછી ચિંંતા શી છે, મા ?’

સત્યવતી ભીષ્મની વાત ધ્યાનપૂર્વક સાંભળતી હતી. હમણાં છેલ્લા સમાચાર પ્રમાણે પાંડુની તબિયત થોડી સુધારા પર છે એટલે તેને વિશે કોઈ ચિંંતા ન હતી. તેની ચિંંતા કુરુવંશ વધતો જ રહે તે વિષેની હતી.

ભીષ્મ કદાચ તેની ચિંંતા દૂર કરી શકે એવી આશાથી તેણે ભીષ્મ સમક્ષ પોતાની ચિંંતા કાલ્પનિક નથી. એ હકીકત પર આધારિત છે તેવી સ્પષ્ટતા કરતાં કહ્યું :

‘ભીષ્મ, ફરી ફરીને કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદી વિષે જ મને ચિંંતા રહે છે. ફરી ફરીને તમારી પર દૃષ્ટિ સ્થિર થાય છે.’

પોતાની સમક્ષ શાંત, સ્થિર, શૂન્યમન્શક ઊભેલા ભીષ્મ સમક્ષ પોતાની ચિંતા વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ભીષ્મ, ઈશ્વરનો સંકેત જ એવો છે કે કુરુવંશની વૃદ્ધિ અને હસ્તિનાપુરની ગાદીની જવાબદારી તમે જ ઉઠાવો. તમે જ હવે એક માત્ર આધારસ્તંભ છો.’ પછી આગ્રહ કર્યો, ‘હવે તમે હઠ પકડશો નહિ. ઈશ્વરની ઇચ્છાનો તમારે અમલ કરવો જ જોઈશે.’

ભીષ્મ પણ મનમાં મૂંઝવાતા હતા. સત્યવતી જે કાંઈ બોલતી હતી, તેની જાણે તેમને સમજ પડતી ન હોય એમ જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાખી રહ્યા.

‘હજી તમે સમજ્યા નથી ?’

‘હા, જરા સ્પષ્ટતાની જરૂર છે. ઈશ્વરની ઇચ્છા વિષે તમે શી વાત કહો છો, કહો તો ખરા?’

હવે ભીષ્મ સમક્ષ તેમની જવાબદારી વિષેનો ખ્યાલ આપવા સત્યવતી પણ વધુ સ્વસ્થતા ધારણ કરી રહી.

‘જુઓ ભીષ્મ, જ્યારે મારા બન્ને પુત્રો નિઃસંતાન મૃત્યુ પામ્યા ત્યારે જ મને સમજાયું કે હું દુર્ભાગી છું. મેં તમારો હક્ક છીનવી લીધો. તેની સજા ઈશ્વર મને સતત કરતો જ રહે છે.’ બોલતાં બોલતાં સત્યવતી દ્રવી ગઈ હતી.

એમ ન બોલો, મા, તમે દુર્ભાગી નથી, બડભાગી છો મા! ભીષ્મ જેવો દીકરો તમારી સેવામાં સતત ઉપસ્થિત હોવા છતાં તમે તમારી જાતને દુર્ભાગી કેમ માનો છો, મા?’

‘બરાબર. ભીષ્મ, તમારો પ્રશ્ન બરાબર છે. તમારી સેવાથી હું પ્રસન્ન છું. મને વિશ્વાસ પણ છે કે તમારી સહાનુભૂતિ જ મારા દુર્ભાગ્યને ફેરવી શકશે.’

‘તો હવે અવિશ્વાસ શા માટે?’

‘અવિશ્વાસ નથી, પણ હકીકત સ્પષ્ટપણે અવિશ્વાસ પ્રેરે છે.’

‘હકીકતો શી છે. કહો તો ખરા ? તેનો પણ ઉકેલ તો હશે ને ?’

‘હા, ઉકેલ જરૂર છે. તેમાં તમારી સહાયતાની જરૂર છે.’

‘તો બતાવો ઉકેલ ?’

‘જુઓ ભીષ્મ, પાંડુને બબ્બે રાણીઓ હોવા છતાં તે સંતાનોનો પિતા બની શક્યો નથી.’

‘હા, પણ તેનું દર્દ જ જો એવું હોય તો પાંડુ શું કરે?’

‘ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે તેને કોઈ દીકરી દેવા તૈયાર ન જ હોય એ પણ સ્વાભાવિક છે ને ?’

‘હા, તદ્દન સાચી વાત છે. જાણી જોઈને પોતાની દીકરી અંધને દેવા કોણ તૈયાર થાય ?’

‘ત્યારે કુરુવંશ પાંડુ-ધૃતરાષ્ટ્રથી જ સમાપ્ત થશે ?’ સત્યવતી જાણે કુશળ ખેલાડીની જેમ સોગટી મારતી હતી. તેણે ઉમેર્યું, ‘ભીષ્મ તેની જિદ છોડવા તૈયાર નથી.’ ને પૂછ્યુંં, ‘પછી ભાવિ વિષે ચિંતા ન થાય.’ ધ્રૂજતા સ્વરે બોલી, ‘આ બનાવો જાણે ઈશ્વરે મને મારા અપરાધની સજા દેતા હોય એવા નથી?’ એકદમ આવેશમાં આવી જતાં બોલી ઊઠી, ભીષ્મ, હું દુર્ભાગી છું, અભાગિની છું એટલે જ મારે આ પરિસ્થિતિ જોવી પડે છે ને ભાઈ ? તમે જો થોડી સમજ બતાવો ને પ્રતિજ્ઞા કરતાં વંશનો વેલો વધતો જ રહે તેનું મહત્ત્વ સમજો તો સારું.’

હવે ભીષ્મ સત્યવતીની ચિંંતાનો મર્મ બરાબર સમજી ચૂક્યો હતો. તે પોતે વિચારના ઊંડાણમાં ઊતરી પડતો હતો, પણ તેને કોઈ માર્ગ સુઝતો નહોતો. તેણે જે પ્રતિજ્ઞા લીધી હતી તેમાંથી રજમાત્ર પણ પીછેહઠ કરવાની તેની તૈયારી ન હતી. સત્યવતીને તેણે કહી જ દીધું હતું, ‘મા, કૃપા કરી મને પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાનો પ્રયત્ન કરો જ નહિ. પ્રતિજ્ઞાભંગ કરવાની મારી જરા પણ ઇચ્છા નથી. જો મારે પ્રતિજ્ઞાભંગ કરવી જ હોત તો નિયોગ દ્વારા ધૃતરાષ્ટ્ર-પાંડુના આગળ મને ઉત્તેજિત કરત ત્યારે પણ તમે તો મને જ સંભાળી લેવા આગ્રહ કર્યો હતો ને? ના, પ્રતિજ્ઞાનો ભંગ ભીષ્મ કદી પણ કરશે નહિ.’

અકળામણ ઠાલવતી સત્યવતીએ પૂછ્યું, ‘તો બીજો માર્ગ શો ?’

‘ધૃતરાષ્ટ્રના લગ્ન કરવાનો !’

‘આંધળાને કોણ અભાગી દીકરી દેવા તૈયાર હોય ?’

‘ચિંતા ન કરો મા, ભીષ્મ તેના લગ્ન માટે જરૂરી વ્યવસ્થા કરવા પ્રયત્નશીલ બનશે.’ ભીષ્મે વિશ્વાસ દેતાં કહ્યું, ‘કોઈ ને કોઈ મળી જ રહેશે.’

‘શક્ય નથી ભીષ્મ, એ શક્ય નથી.’ સત્યવતી દર્દભીના સ્વરે કહી રહી, ‘ધૃતરાષ્ટ્ર અંધ છે, એ જાણ્યા પછી કોઈ યૌવના તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય જ નહિ.’

‘છતાં પ્રયત્ન કરવામાં શો વાંધો છે, મા !’ ભીષ્મ સત્યવતીના નિરાશાભર્યા ઉદ્‌ગારનો જવાબ દેતાં કહી રહ્યો ને ઉમેર્યું, ‘હવે ધૃતરાષ્ટ્ર અંધ છે તેના કરતાં ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરનો ગાદીપતિ છે એ વાત ઘણી મહત્ત્વની છે. વળી હસ્તિનાપુરની મૈત્રી મેળવવા પણ ઘણાં રાજવીઓ ઉત્સુક છે. એટલે મને વિશ્વાસ છે કે કોઈ ઉત્સુક રાજવી ધૃતરાષ્ટ્ર સાથે પોતાની રાજકુમારી પરણાવવા તૈયાર પણ થશે.’

‘ભલે, તમારી આશા સફળ થાઓ!’ સત્યવતી બોલી. તેના સ્વરમાં આનંદ હતો. ભીષ્મની દલીલમાં તેને ઘણું તથ્ય પણ જણાતું હતું. તેણે ભીમને કહ્યું, ‘તો તમે જ પ્રયત્ન કરો.’

‘હું પ્રયત્ન કરું છું. મારો પ્રયત્ન સફળ થશે જ તેવો વિશ્વાસ પણ છે.’ ભીષ્મે દૃઢતાથી કહ્યું, ‘ભીષ્મની શક્તિથી સત્યવતી અજ્ઞાત ન હતી. પોતાના પુત્રોને ગાદીપતિ હોવા છતાં કોઈ રાજવી તેમને કન્યા દેવા તૈયાર નહોતો. તેણે પોતે ઘણાં પ્રયત્નો કર્યા હતા, પણ ભીષ્મે બંનેના લગ્ન માટે કેવું પ્રચંડ સાહસ ખેડ્યું ? યુદ્ધ પણ કર્યું ને બન્ને ભાઈઓના લગ્ન શક્ય બન્યા તેમ ધૃતરાષ્ટ્ર માટે પણ તે કોઈ બેત ગોઠવતા જ હતા.

આ કલ્પના સાથે જ સત્યવતીના મનમાં ભીષ્મ વિષેનો અનુરાગ ઘણો વધી પડ્યો. મનોમન તે ભીષ્મને, તેની પ્રતિજ્ઞા વિષેની દૃઢતાને પણ બિરદાવી રહી. નહિ તો પોતે તો ભીષ્મને જ હવાલે બધું કરવા માંગતી હતી ને? ભીષ્મે જો ગાદીપતિ થવાની તૈયારી બતાવી હોત, લગ્ન કરવા પણ તૈયાર થયા હોત તો કોઈ તેમને દોષ દઈ શકે તેમ નહોતું. મારા જ આગ્રહથી તેઓ તૈયાર થયા હોત, પણ શાબાશ છે તેની દૃઢતાને ! પ્રતિજ્ઞામાંથી ચલિત થવા માટેના પ્રલોભનોને તેણે ઠોકર દીધી ને પ્રતિજ્ઞાને વળગી રહેવા છતાં તેનું બધું જ ઝૂંટવી લેનાર સત્યવતીની ઇચ્છા, આજ્ઞાને આધીન રહીને સાહસો પણ કરે છે.

ધૃતરાષ્ટ્ર માટે ભીષ્મ પ્રયત્નો કરશે જ તેને વિષે તો તેના મનમાં શંકા ન હતી, તેમ જ તેના પ્રયત્નોની સફળતા વિષે ભારોભાર વિશ્વાસ પણ હતો.

ભીષ્મ પણ હવે ધૃતરાષ્ટના લગ્ન વિષે સતત ચિંતિત હતા. તેમણે ચોપાસ દૃષ્ટિ દોડાવી. નિર્બળ, સામાન્ય સતત ચિંંતામાં વ્યસ્ત એવા નાના નાના રાજવીઓ પર નજર દોડાવી. તેમની નજરમાં ગાંધાર રાજ્ય વસી ગયું. તેમણે ગાંધારના રાજવીને કોઈ રાજકુમારી છે કે નહિ તેની તપાસ કરાવીને ગાંધારી વિષેની માહિતી પણ પ્રાપ્ત કરી.

હવે સોગટી મારવી પડશે. દંતાવલી વચ્ચે અધરોષ્ટને દબાવતાં ભીષ્મ બબડ્યા. તેમણે વિદુરની સહાયતા લેવાનું પણ નક્કી કર્યું ને વિદુરને બોલાવ્યો.

‘ભાઈ વિદુર !’ પોતાની પડખે બેસાડી તેના ખભા પર હાથ મૂકી વિદુરના મનમાં ભાવો પેદા કરીને બોલ્યા, ‘આપણે હવે ધૃતરાષ્ટ્રના લગ્ન કરાવવાનો પ્રયત્ન કરવા જોઈએ. તને શું લાગે છે ?’ વિદુરના અભિપ્રાય પૂછ્યો.

‘પિતામહ, તમારી ચિંંતા સકારણ છે એ હું જાણું છું. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે આપણી ઈચ્છા કાંઈ કામ આવે તેમ નથી.’ વિદુરે ભીષ્મના પ્રશ્નના જવાબમાં નિરુત્સાહ બતાવ્યું. ભીષ્મ તેમના નિર્ણયમાં મક્કમ હતા. તેમણે વિદુરને વિશ્વાસ દેતાં કહ્યું, ‘વિદુર, પ્રથમ દૃષ્ટિએ તારી વાત સાચી છે. જો ધૃતરાષ્ટ્ર અંધ ન હોત તો તે જ ગાદીનો અધિકાર હતો ને? છતાં પાંડુને બેસાડવો પડ્યો. હવે તેના અંધાપાની અયોગ્યતા કરતાં તે હસ્તિનાપુરની ગાદી પર બેઠો છે તેની મહત્તા વધુ છે.’

‘જરૂર, જરૂર. પણ તેની કોઈ રાજવી પર અસર થાય ને. તેની દીકરી દેવા તૈયાર થાય ખરું?’

‘હા, પ્રયત્ન કરવો જોઈએ.’

‘તો પ્રયત્ન કરવા તમારી સાથે હું તૈયાર છું.’

હવે ભીષ્મે તેમની યોજના વિદુરને વિસ્તૃત રીતે સમજાવી. ગાંધાર નાનું રાજ્ય છે. તેને હડપ કરવાનું કોઈ પણ રાજવી માટે ઘણું આસાન છે. તેને જો હસ્તિનાપુરનો સહારો પ્રાપ્ત થાય તો તેની સદાની ચિંંતાનો અંત આવે.

‘પણ તેથી ગાંધારનો રાજા તેની દીકરી અંધને દેવા તૈયાર થાય ખરો?’ વિદુરે શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘ના, એ શકય નથી.’

‘જાણું છું શક્ય નથી, છતાં આપણે તેને શક્ય બનાવવું જ જોઈએ. ભીષ્મે દૃઢતાપૂર્વક કહ્યું ને પછી તેની કામગીરી ચીંધતા કહ્યું, ‘તમે ગાંધાર જાવ. તેના રાજવીને હસ્તિનાપુરની મૈત્રીની વાત કરો ને ધૃતરાષ્ટ્રના લગ્ન વિષેનો પ્રસ્તાવ પણ મૂકો’ તેણે વિશ્વાસપૂર્વક દૃઢતાથી કહ્યું, ‘જરૂર તમારી કામગીરી સફળ થશે.’

ભીષ્મના જબ્બર આશાવાદ છતાં વિદુરના મનમાં આશાનો અંશ પણ પેદા થતો નહોતો, છતાં પિતામહની આજ્ઞાનું પાલન કરવા તે તૈયાર હતો.

તેણે કહ્યું, ‘પિતામહ, તમે આજ્ઞા કરો છો તો હું ગાંધાર જવા તૈયાર છું. મને કોઈ આશા જણાતી નથી.’

‘તમે જાવ, પ્રયત્ન કરો. નિર્બળને બળવાનનો સહારો પ્રાપ્ત થતાં ગાંધારનો રાજવી ધૃતરાષ્ટ્રને પોતાની કન્યા દેવા તૈયાર થશે જ.’ ભીષ્મે તેમના આશાવાદ ને દૃઢતા વ્યક્ત કરતાં કહ્યું, ‘ગાંધારની રાજકુમારી હસ્તિનાપુર જેવા મહાન રાજ્યની મહારાણી બનવાની કલ્પનાથી જ આનંદિત બની જશે. અરે, મને તો એમ પણ લાગે છે કે ગાંધારનો ઉત્સાહ ઘણો જ વધી જશે.’

વિદુર હવે દલીલબાજી કરવા ઇચ્છતો નહોતો. તેને પિતામહની આજ્ઞાનો અમલ કરવામાં જ રસ હતો. તેણે વિદાય થવા પગ ઉપાડ્યા ત્યારે ભીષ્મે તેને કહ્યું, ‘મને ભાઈ વિદુરના આ કામમાં મારો આશાવાદ તારી કુશળતા પર છે. તું કુશળતાપૂર્વક રજૂઆત કરીશ તો મારી આશા સફળ થશે. તારી કુશળતાની પણ પ્રસંશા થશે.’

‘જેવી આપની આજ્ઞા.’ વિદુરે ભીષ્મની રજા લીધી. ગાંધાર રાજ્ય પ્રતિ ડગ દેતાં તેના મનમાં પણ તરંગો ઊઠતા હતા. ભીષ્મે તેની કુશળતાની વાત કરીને તેનામાં ઉત્સાહ પ્રેર્યો. હવે તેનું મિલન ધૃતરાષ્ટ્રના લગ્ન માટેની ભૂમિકા તૈયાર કરવાનું નહિ, પણ પોતાની કુશળતા સિદ્ધ કરવાનું હતું. ભલે ભીષ્મ પણ વિદુરની કુશળતાનાં મોંફાટ વખાણ કરે.

વિદુરે તેની કુશળતા પુરવાર કરી. ભીષ્મે તેની પીઠ થાબડતાં કહ્યું, ‘વિદુર, તું પણ હવે રાજ્યના વહીવટમાં પાવરધો થતો જાય છે એટલે ધૃતરાષ્ટ્રને ચિંંતા ઓછી છે.’

સત્યવતી તો ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથેના લગ્ન જોઈ આનંદભેર નાચી ઊઠી. તેના રોમેરોમ હર્ષથી ઊછળી રહ્યા. તેણે ભીષ્મને બોલાવીને તેમનું અભિવાદન કરતાં કહ્યું, ‘ભીષ્મ, જે મારા પેટના દીકરા પણ ન કરી શકે તેવાં ભાગીરથ સાહસો તમે કર્યાં છે. તમે મને સાચે જ માતૃદેવોભવની ભાવનાથી ભીંજવી દીધી છે. તમે જ કુરુવંશના તારણહાર છો.’

ભીષ્મ શાંત હતા. તેમણે સત્યવતીના ભાવોદ્‌ગારનો સ્વીકાર કરતાં કહ્યું, ‘મા, તમે મારા માટે મારી જનેતા કરતાં પણ અધિક છો. મારી મા ગંગા મારા પિતાને અસહાય હાલતમાં છોડીને ચાલી ગઈ. ત્યારે તમે તમારા પ્રેમ સિંચનથી મારા પિતાને જાળવ્યા એ હું ભૂલી શકતો નથી. તમે જ મારા માટે સાચા અર્થમાં મા બની રહ્યાં છો.’

‘ભીષ્મ, તમે કાંઈ સાંભળ્યું ?’ ધૃતરાષ્ટ્ર ભીષ્મની પાસે ચિંતાભર્યો બેઠો બેઠો પૂછતો હતો. તેણે સ્પષ્ટતા કરી, ‘પાંડુની પત્ની કુંતીએ પુત્રને જન્મ દીધો. તમે જાણો છો ?’

ભીષ્મે આનંદભર્યા સ્વરે જવાબ દીધો, ‘હા, જાણું છું, કુરુવંશની વેલ આમ પાંગરતી રહી તેનો આનંદ કેમ ન હોય ?’

‘પણ –’ ચિંંતાભર્યાં સ્વરે પોતાના માથા પરના મુગટને સંભાળતો હોય એમ ધૃતરાષ્ટ્ર પ્રશ્નો કરતો હતો.

‘તો પાંડુપુત્ર યુધિષ્ઠિર જ હસ્તિનાપુરનો યુવરાજ બનશે. ને?’ ને ગમ ઠાલવતાં કહી રહ્યો, ‘ગાંધારી બે વર્ષથી ગર્ભવતી છે પણ હજી પ્રસૂતા થઈ નથી. ત્યારે બીમાર પાંડુની પત્ની કુંતીએ દીકરાને જન્મ દીધો.’

શંકા વ્યક્ત કરી, જ્યારથી કુંતીના પુત્રના જન્મના સમાચાર તેને મળ્યા ત્યારથી તેના મનમાં શંકાનુ વાવાઝોડું ઊઠ્યું હતું. વૈદે કુંતી અને માદ્રીને આપેલી ચેતવણીથી બધા જાણકાર હતા. પાંડુની ઉત્તેજના વધે તો મૃત્યુનો ભય હતો એ સ્પષ્ટ હતું. એટલે પાંડુ કોઈ પત્ની સાથે વ્યવહાર રાખી શકે તેમ નથી. ત્યારે કુંતીએ પુત્રનો જન્મ કેવી રીતે આપ્યો, નિયોગ વિષેની પણ કોઈ માહિતી ન હતી. જેમ જેમ ધૃતરાષ્ટ્ર આશંકાને વાગોળતો હતો તેમ તેમ તેના મનમાં કુંતી વિષે અભાવ જાગતો હતો.

તેણે ભીષ્મ સમક્ષ તેની શંકા વ્યક્ત કરતાં પૂછ્યું, ‘હેં પિતામહ, પાંડુ પણ આવા અનર્થને સહી લેતો હશે?’ તેણે જ જવાબ દીધો, ‘હા, શું થાય? ગમે તેમ પણ પોતાનું નામ તો રહેશે એટલે પાંડુ પણ કુંતીના પુત્રને હૈયે વળગાડતો જ હશે.’

ધૃતરાષ્ટ્રની ચિંંતાનો મર્મ ભીષ્મ સમજી ચૂક્યા હતા. પાંડુપુત્ર હસ્તિનાપુરનો યુવરાજ બને તેની જ ચિંંતા ધૃતરાષ્ટ્રને પરેશાની સતાવતી હતી. તે પણ જોઈ શકતા હતા.

ભીમે શાંતિથી ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘જો ભાઈ, કુંતીના પુત્રના જન્મ વિષેની તારી શંકામાં કોઈ તથ્ય હોય એમ હું માનતો નથી. કુંતી અને માદ્રીને બરાબર જાણું છું. કોઈ તપસ્વીના આશિષ વચનોનું આ પરિણામ હોય તે સ્વાભાવિક છે.’

બનાવો ઝડપથી બની રહ્યા હતા. ધૃતરાષ્ટ્રના મનની આગને શાંત કરવા ગાંધારીએ દુર્યોધનનો જન્મ દીધો. ગાંધારીને વરદાન હતું, તે સો પુત્રોની માતા બનશે. તે વરદાન પણ હવે ઝડપથી દૃશ્યમાન થતું હતું. ધૃતરાષ્ટ્ર પણ સંતુષ્ટ હતો.

ત્યાં પાંડુના અવસાનના સમાચાર સાથે કુંતી પાંચ દીકરા સાથે ભીષ્મની સમક્ષ ઉપસ્થિત થઈ. ભીમે પાંડવોને હૈયે વળગાડ્યા. પાંચેને જોતાં ભીષ્મનું મન પણ મલકી ઊઠ્યું.

‘માદ્રી પાંડુની સાથે જ સતી થઈ. તેના બે પુત્રો સહદેવ અને નકુળને મને સોંપતી ગઈ. હવે મારે મન આ પાંચે મારા જ સંતાનો છે.’

તેણે ભીષ્મની સમક્ષ ધૃતરાષ્ટ્રે વ્યક્ત કરેલી શંકાને દૂર કરતાં કહ્યું, ‘પિતામહ, મને દુર્વાસા મુનિએ પાંચ મંત્રો દીધા હતા. મંત્રો દ્વારા દેવોને આવાહ્‌ન દઈ પુત્રપ્રાપ્ત કરવાના એ મંત્રો હતા, પણ પાંડુને તેની મેં જાણ કરી નહોતી. જ્યારે મૃત્યુશૈય્યા પર પાંડુ કુરુવંશના અંતની જાણે કલ્પનાથી અત્યંત વ્યથિત હતા, ત્યારે મેં તેમની સમક્ષ દુર્વાસા મુનિના મંત્રોની વાત મૂકી. તેઓ આનંદમગ્ન બની મને નદી તટે લઈ ગયા. નદીના મધ્યભાગમાં ઊભા ઊભા મેં ધર્મદેવનું આવાહ્‌ન કર્યું. તેમણે મને યુધિષ્ઠિરની ભેટ દીધી.

પિતામહ સમક્ષ કુંતી હૈયાના દ્વાર ખોલતી હતી. તે જાણતી હતી કે, પાંડુની શારીરિક હાલતના કારણે તેના પુત્રો વિષે આ લોકો શંકા કરતા હશે. કદાચ પિતામહના મનમાં પણ શકાનું જાળું હાલતું હોય એટલે તેણે સ્પષ્ટતા કરવાની તક લીધી.

પિતામહ પૂરી ગંભીરતાથી કુંતીને સાંભળી રહ્યા હતા. તેમના મનમાં યુધિષ્ઠિરના જન્મ વિષે ધૃતરાષ્ટ્રે પૂછેલો પ્રશ્નો રમતો હતો એટલે કુંતીની વાતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતાં હતા. તેમણે પૂછ્યું, ‘પછી બીજા ચાર ?’

‘હા, યુધિષ્ઠિરના જન્મ પછી પાંડુની વધુ પુત્રો માટે પ્રબળ ઝંખના હતી. તે પૂછતાં, બીજા બે પુત્રો હોય તો ? મને દુર્વાસાએ પાંચ મંત્રો દીધા હતા. એટલે પાંડુની ઇચ્છા પૂર્ણ કરવા ફરી મેં વાયુદેવનો મંત્ર ભણ્યો ને વાયુદેવે મને ભીમની ભેટ દીધી.

‘પછી ત્રીજા દેવનો મંત્ર ભણ્યો હશે. અર્જુનની ભેટ મળી એમ જ ને ?’ વચ્ચે જ પિતામહ પૂછી રહ્યા.

કુંતીએ ડોક હલાવી હા ભણતાં કહ્યું, ‘મારે ત્રણ-ત્રણ પુત્રો ને માદ્રીને એક પણ નહિ એથી પાંડુના દિલમાં થોડો ગમ હતો.’ માદ્રી પણ પાંડુને પ્રાર્થતી હતી, ‘મેાટીબહેનને તમે કહો કે મને પણ નિદાન એક પુત્રની માતા બનવાની તક આપે. મારે તો એક જ પુત્ર હશે તો પણ પૂરતું છે. તેના સહારે હું પાછલી જિંદગીના દિવસો પૂરા કરીશ.’

પાંડુની ઈચ્છા હતી કે માદ્રી પણ પુત્રવતી બને. એટલે તેમણે મને આજ્ઞા કરી, ‘હા, આજ્ઞા જ હતી. તેમના મનમાં ભય હતો. કુંતી માદ્રીને મંત્ર નહિ જ આપે.’ કુંતી બોલી રહી. પછી ઉમેર્યું, ‘પાંડુની આજ્ઞા તો મારે માથે ચઢાવવી જ જોઈએ ને ? મેં તેને મંત્ર દીધો. પણ તે નસીબદાર કે તેને જોડિયા પુત્રોની ભેટ મળી.’ ને કહ્યું, ‘સહદેવ અને નકુળ માદ્રીના સંતાનો, પણ માદ્રી પાંડુની સાથે જ સતી થઈ. તેના પુત્રને મેં મારા જ પુત્રો ગણ્યા છે.’

‘હાસ્તો, તમારા જ ગણાય ને ?’ માદ્રીને મંત્ર તો તમે જ દીધેલો ને ?’ પિતામહ મજાક કરી રહ્યા. પછી તરત જ શાંત થયા. ‘તમે જ હવે પાંડવોની માતા છો. બધા દીકરાની સાચા અર્થમાં માતા બનશો તો પાંડવોને કોઈ જીતી શકશે નહિ.’

‘પિતામહ, કુંતી પાંડવોની માતા છે ને માતા જ રહેશે.’ કુંતી ભારપૂર્વક કહી રહી. ‘સહદેવ અને નકુળ પાંડવોમાં છે, જુદા નથી. યુધિષ્ઠિર મોટાભાઈ તરીકે તેમની પણ એટલી જ કાળજી રાખે છે.’

‘ભલે. તમે હસ્તિનાપુર આવ્યા તે પણ ઠીક થયું.’ પિતામહે કુંતીના આગમનને યોગ્ય ઠરાવતાં કહ્યું.

‘હવે?’ કુંતી પૂછી રહી, ‘બાપ વિનાના પાંડવોનુ ભાવિ શું ?’ કુંતીએ તેની ચિંંતા વ્યક્ત કરતાં કહ્યું, પાંડુના અર્ધા બળેલાં દેહ સાથે પાંડવોને લઈને હસ્તિનાપુર જવાની આશ્રમના ઋષિઓએ સલાહ દીધી. તત્કાળમાં મને એ સલાહ રુચિ નહિ, અર્ધા બળેલા દેહના પ્રદર્શન કરવાની જરૂર મને તો સમજાતી ન હતી. પણ ઋષિઓએ કહ્યું, ‘પાંડુ હસ્તિનાપુરના મહારાજા છે. એટલે મહારાજાની સ્મશાનયાત્રા હસ્તિનાપુરમાં નીકળવી જોઈએ. રાજશાહી રીતે તેમનો અગ્નિસંસ્કાર થવો જોઈએ એટલે તેમની સલાહ પ્રમાણે અહીં આવી.’ સાડીના પાલવડે ભીની આંખ સાફ કરતાં કુંતી તેના આગમન વિષે કહી રહી.

‘બરાબર છે, પાંડુના અર્ધ બળેલા દેહને અહીં જ હસ્તિનાપુરના પૂરા રાજાશાહી દબદબાથી અંતિમ વિદાય અપાય જ ને? મેં જ ધૃતરાષ્ટ્રને સૂચના કરી હતી.’ પિતામહે કહ્યું ને ઉમેર્યું, ‘હવેના પ્રશ્નો વિષે હું જાગ્રત છું. તમે જરા પણ ચિંતા ન કરો.’

આભારવશ કુંતીના વદન પર હાસ્ય ચમકી ઊઠ્યું. તે નિરાંત અનુભવતી હોય એમ કહ્યું, ‘મારે ચિંંતા શા માટે હોય, પિતામહ ! તમે માથે બેઠા છો પછી પાંડુના પુત્રો રખડી પડે નહિ તેની તમે ચિંંતા કરતાં જ હશો એમ તો હું જાણું છું. પાંડુ હસ્તિનાપુરના મહારાજ હતા. એ રીતે જ તેમના પુત્રોની ગણના થવી જોઈએ.’

‘હા, હા, પાંડુનો મોટો દીકરો યુધિષ્ઠિર જ હસ્તિનાપુરનો યુવરાજ હોઈ શકે, બીજો કોઈ નહિ.’ પિતામહે તેમનો નિર્ણય વ્યક્ત કરતાં કુંતીના ચહેરા પર સંતોષની રેખા છવાઈ.

તેના મનમાં શંકા હતી જ. ધૃતરાષ્ટ્ર અત્યારે ગાદી પર છે એટલે તે તેના દીકરા દુર્યોધન માટે આગ્રહ રાખશે જ.

તેણે પિતામહ સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું, ‘કદાચ જેઠજી તૈયાર નહિ થાય તો?’

પિતામહે કુંતીને વિશ્વાસ દેતાં કહ્યું, ‘તમે કોઈ જ શંકા ન કરો. ધૃતરાષ્ટ્ર રાજા નથી. રાજા તો પાંડુ જ છે. ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક થયો નથી. એટલે તે તેના પુત્ર માટેનો હક્કદાવો રજૂ કરી શકે નહિ. કદાચ કરે તો તે ચાલે પણ નહિ.’

હવે કુંતીને નિરાંત થઈ. પિતામહ જેવા વડીલ માથે બેઠા છે. હકીકતે ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક થયો નથી એટલે ગાદી પર તો પાંડુ છે. એ ન્યાયે પાંડુનો પુત્ર જ યુવરાજપદનો અધિકારી છે.

આમ છતાં ધૃતરાષ્ટ્ર વિષેનો અવિશ્વાસ તેના મનમાં શંકા- આશંકાનાં વાદળોની જમાવટ કરતો હતો. તેની શંકા બીજા દિવસે તેને વજુદવાળી જણાઈ. ધૃતરાષ્ટ્રને મળીને પાછા ફરેલા પિતામહના ચહેરા પર ગહરી ઉદાસીનતા હતી. તેને શંકા થઈ કે ધૃતરાષ્ટ્રે પિતામહની વાત માન્ય રાખવાની ના પાડી જ હશે.

તે પણ પિતામહ સમક્ષ પરિસ્થિતિ જાણવા ઉત્સુકતાભરી ઊભી હતી.

પિતામહ ગંભીરતાપૂર્વક કુંતી સામે જોઈ રહ્યા. તેમના દિલમાં ઉકળાટ હતો, પણ તેઓ શાંત હતા.

‘શું થયું પિતામહ ?’ આખરે કુંતીએ જ પ્રશ્ન કર્યો, ‘જેઠજી, યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપવા તૈયાર થયા ખરા?’

પિતામહે તેમના માથા પર હળવે હળવે હાથ ફેરવતાં એક- બે ખોંખારા ખાઈને જાણે શબ્દોને પ્રયત્નપૂર્વક બહાર ફેંકતા હોય એમ બોલ્યા, થોડી ગૂંચ છે પણ ઊકલી જશે. ચિંંતા કરવાની જરૂર નથી.’

પિતામહે કુંતીને ચિંંતા રહીત બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના મનોપ્રદેશમાં ચિંંતાના અંગારા ધીખતા હતા. ધૃતરાષ્ટ્રે તેમની વાતનો જે જવાબ દીધો તે હજી પણ તેમને પરેશાન કરતો હતો.

ધૃતરાષ્ટ્રે કહ્યું હતું, ‘પિતામહ, તમે હંમેશાં પાંડુની જ ચિંતા કરી છે. ધૃતરાષ્ટ્ર પ્રત્યે કદી પણ તમે હમદર્દ બન્યા છો ખરા ? હસ્તિનાપુરની ગાદી પર મારો હક્ક હતો, પણ તમે પાંડુને બેસાડ્યો. ઈશ્વરને ત્યાં વિલંબ થાય છે, પણ અન્યાય નથી.’ મર્માળુ હસ્તાં બોલ્યો, ‘જોયું ને? તમે મારો રાજ્યાભિષેક ભલે ન કર્યો પણ ઈશ્વરે તો જેનો હક્ક હતો તેને જ સ્થાપિત કર્યો ને?’ પછી યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપિત કરવાની પિતામહની વાતનો ઉપહાસ કરતાં બોલ્યા, ‘પિતામહ, યુવરાજપદ યુધિષ્ઠિરને નહીં પણ દુર્યોધનને મળવું જોઈએ.’

પિતામહ ધૃતરાષ્ટ્રની દલીલ સાંભળતાં સ્તબ્ધ થઈ ગયા. ધૃતરાષ્ટ્ર તેમની સામે તોહમતનામું ફરમાવતો હતો. પાંડુના મૃત્યુને તે લાભદાયી સમજતો હતો.

‘નરાધમ દુષ્ટ, આંધળો થયો છે છતાં હજી સમજતો નથી ? પાંડુના હક્ક પર તરાપ મારવા બેઠો છે, પણ ભીષ્મ પાંડવોને અન્યાય નહિ થવા દે.’ તેમણે નિશ્ચય કર્યો.

એ આખી રાત્રિ પિતામહ નિંદ્રાસુખ માણી શક્યા નહિ. અજંપો, ચિંંતા ધૃતરાષ્ટ્ર પ્રત્યેના માનસિક રોષથી પિડાતા જ રહ્યા.

‘હવે તો હસ્તિનાપુર રાજ્યના ભાગલા પડે એ એક જ માર્ગ છે.’ તેમણે વિચાર કર્યો, ધૃતરાષ્ટ્રનું વલણ જોયા પછી પાંડવો તેની સાથે રહી શકશે નહિ એટલે પાંડવો તેમનું રાજ્ય શાંતિથી ભોગવે અને ધૃતરાષ્ટ્ર-દુર્યોધન પણ તેમનું રાજ્ય શાંતિથી ભોગવે. એ જ કુરુવંશની શાંતિ માટે જરૂરી છે. પિતામહે માર્ગ શોધ્યો ને બીજા દિવસે ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.

ધૃતરાષ્ટ્ર પિતામહના આગમન પછી વિમાસણમાં હતો. તેના પિતા પિતામહની શેહશરમમાં તણાઈને તેમની માંગણીનો સ્વીકાર કરી બેસે નહિ એ માટે દુર્યોધન પણ ધૃતરાષ્ટ્રની પડખે જ બેઠો હતો. તેણે પણ પિતામહનો આદર-સત્કાર કરતાં કહ્યું, ‘આપ અમ સૌ ભાઈઓને માટે શી વ્યવસ્થા વિચારો છો ? યુધિષ્ઠિર યુવરાજપદે સ્થાપિત થાય એટલે હસ્તિનાપુરની ગાદી તેને જ મળે. પછી અમારું શું ? અમારે પાંડવોની કૃપા દૃષ્ટિ પર જ જીવવાનું ?’ સહેજ ઉશ્કેરાટમાં પૂછી રહ્યા, ‘આ ન્યાય છે તમારો? પાંડવોને રાજ્ય મળે અને કૌરવો તેમના આશ્રિતો તરીકે જીવન વ્યતિત કરે એવું તમે ઇચ્છો છો પિતામહ ?’

ધૃતરાષ્ટ્ર વચ્ચે જ બોલી ઊઠ્યો, ‘ના દુર્યોધન, ના ! પિતામહને તો બન્ને આંખો સરખી છે. તેઓ કૌરવોને પણ અન્યાય ન થાય તેમ જ ઇચ્છે છે.’ હૈયાધારણ આપતા હોય એમ બોલ્યો, ‘તું જરા શાંતિ રાખ બેટા!’

તેણે પિતામહને પ્રશ્ન કર્યો, ‘કહો, પિતામહ ! હવે શું કરવું છે? ગઈકાલે મેં તમને સ્પષ્ટપણે જણાવી દીધું કે યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપિત કરી, દુર્યોધનની અવગણના કરવાની મારી કોઈ તૈયારી નથી. તમને તેથી દુઃખ જરૂર થયું હશે, પણ હું અત્યારે હસ્તિનાપુરનો રાજા છું. એ ન્યાયે પણ મારો દુર્યોધન જ યુવરાજપદે હોય, પાંડુપુત્ર નહિ.’

પિતામહ શાંત હતા. ગઈકાલનું પુનરાવર્તન કરવાની તેમની કોઈ ઈચ્છા ન હતી, છતાં તેઓ પાંડવોને તેમના હક્કનું પ્રાપ્ત થાય એ માટે કૃતનિશ્ચયી હતા. ધૃતરાષ્ટ્રે કહ્યું, દુર્યોધને કહ્યું તે તમે સાંભળ્યું ને?’

હવે પિતામહે જવાબ દીધો, ધૃતરાષ્ટ્ર, ગઈકાલની વાતમાં ક્યાંય દુર્યોધનની અવગણનાનો પ્રશ્ન હતો ખરો ?’ ધૃતરાષ્ટ્ર તેનો જવાબ દે તે પહેલાં જ પિતામહે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘મારે પાંડવોની વતી વાત કરવી પડે છે. તેનો અર્થ એવો નથી કે કૌરવોની હું અવગણના કરું છું. પાંડવોનો પિતા પાંડુ જીવતો હોત તો મારે તમારા ભાઈઓના પ્રશ્નમાં દરમ્યાન થવું પણ ન પડત. પાંડુનું અસ્તિત્વ નથી એટલે પાંડવો માટે મને ચિંંતા થાય એ સ્વાભાવિક છે.’

ત્યાં ધૃતરાષ્ટ્ર વચ્ચે બોલી ઊઠ્યો, ‘પિતામહ, પાંડુપુત્રો મને મારા પુત્રો જેટલા જ પ્રિય છે. તેમને માટે જરૂરી વ્યવસ્થા મેં કરી જ છે.’ ગુરુદ્રોણ પાસે કૌરવોની સાથે પાંડવોને પણ તાલીમ મળે તેવી વ્યવસ્થા થઈ છે ને?’

‘હા, તમે જ પાંડવોના વડીલ છો. હું તો વૃદ્ધ છું. હું શું કરી શકું ?’ પિતામહે ધૃતરાષ્ટ્રની લાગણીનો પડઘો પાડતાં કહ્યું, ‘તમારે જ તેમને ન્યાય આપવો જોઈએ.’

‘હું તૈયાર છું. પિતામહ.’ ધૃતરાષ્ટ્ર તરત બોલી ઊઠ્યો ને પૂછી રહ્યો, ‘કહો, પાંડવોને ન્યાય આપવા મારે શું કરવું જોઈએ ?’

હવે પિતામહે પોતાની યોજના રજૂ કરવાની તક ઝડપી. તેમણે પૂરી ગંભીરતાથી પણ મૃદુસ્વરે કહ્યું, ‘જો ભાઈ ધૃતરાષ્ટ્ર, તમે પાંડવોના સર્વસ્વ છો. તમારા પુત્રોની જેમ જ તમે તેમને સાચવો પણ છો. ભવિષ્યમાં કોઈ વિગ્રહ ન થાય ને ભાઈભાઈની વચ્ચે ઝઘડો ન થાય, બધા શાંતિથી સુખમય રીતે જીવે એ માટે મારી યોજના છે.’

વચ્ચે જ ધૃતરાષ્ટ્ર બોલી ઊઠ્યો, ‘હું પણ એમ જ ઇચ્છું છું. મારે માટે તો મારા સો દીકરા નહિ પણ એકસો પાંચ દીકરા છે. સૌ શાંતિથી સાથે જીવે એવી મારી ઇચ્છા પણ છે.’

‘તમારી ઇચ્છાને અનુકૂળ થવા માટે હું એક દરખાસ્ત મૂકું છું. ઇચ્છું કે તમે તેનો સહર્ષ સ્વીકાર કરશો.’

‘જરૂર, જરૂર.’ ધૃતરાષ્ટ્રે જવાબ દીધો પણ મનમાં બબડ્યો, ‘કૌરવોના ભોગે કાંઈ નહિ થાય.’

‘તો સાંભળો...’

‘કહો, જરૂર કહો.’

‘હું ઇચ્છું છું કે હસ્તિનાપુરના રાજવી પાંડુના પુત્રોને તેમનો અર્ધો ભાગ મળવો જોઈએ.’

‘એટલે હસ્તિનાપુર પાંડવોને આપું?’

‘ના. હસ્તિનાપુરની ગાદી ભલે તમે ભોગવો.’

‘તો શું દેવાનું છે. પાંડવોને ?’

‘રાજ્યનો અર્ધો ભાગ. પાંડવો તેમની ગાદી બીજે જ્યાં અનુકૂળ હશે ત્યાં સ્થાપશે.’ પિતામહે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘આમ બન્ને વચ્ચે સુમેળ પણ રહેશે. ઝઘડાની કે મનદુઃખ થવાની કોઈ શક્યતા પણ નહિ રહે.’

પિતામહની દરખાસ્તથી ધૃતરાષ્ટ્રને સંતોષ થયો. હસ્તિનાપુરની ગાદી દુર્યોધનને મળતી હોય તો પાંડવોને અર્ધો હિસ્સો દેવામાં કોઈ ઇતરાજ ન હતો.

પિતામહની દરખાસ્તને કુંતી પણ વધાવી રહી. પાંડવોને તેમના ભાગનું મળતું હોય પછી મનદુઃખનો કોઈ પ્રશ્ન જ ન હતો.