લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮૪ ]

પોતાના સ્થાને ટકી રહે છે અને લડતો હોય છે, તે પછી એમનાં પગાર, ભથ્થાં, ખેારાક અને રહેવાની સગવડોમાં આટલો બધો તફાવત શા માટે હોવો જોઇએ એ મને કદી સમજાયું નથી. મને એ ઘણું જ અન્યાયી લાગ્યું.

ઉપરાંત હું એ વાત તરફ ધ્યાન દોરવા માગું છું કે આ૦ હિં૦ ફો૦ને ઊભી કરવાનું, તાલીમ આપવાનું અને રણમેદાન ઉપર દોરી જવાનું કામ એકલા હિંદીઓએ જ કર્યું છે. બીજી બાજુ હિંદી લશ્કરના પચીસ લાખ હિંદીઓમાંથી એકેયને કોઈ ડિવિઝનનો કાબૂ સોંપાયો નથી અને બ્રિગેડનો કાબૂ ફક્ત એક હિંદીને જ અપાયો છે.

આ૦ હિં૦ ફો૦માં હું ફક્ત દેશપ્રેમી ઈરાદાઓથી જ જોડાયો હતો. અવિચળ મુશ્કેલીઓનો સામનો કરીને પણ રણમેદાનમાં હું સાફ, સીધું અને માનભર્યું યુદ્ધ ખેલ્યો છું. પૂરતી તબીબી સગવડ, વાહનવ્યવહાર અને સાધનસામગ્રીના અભાવે મને પાંગળો બનાવ્યો હતો; અને લાંબી મુદતો સુધી કમોદ તથા જંગલી ઘાસ ઉપર અમારે જિંદગી ગુજારવી પડી હતી. મીઠું પણ ત્યારે અમારે માટે વૈભવ સમાન હતું. આ સમય દરમિયાન બર્મામાં ત્રણ હજારથીય વધુ માઇલોની કૂચ અમે કરેલી.

આ૦ હિં૦ ફો૦ તરફથી બ્રિટિશ સૈનિકો કેદ પકડાતા ત્યારે એમની સાથે સારો વર્તાવ રાખવામાં આવતો. અમે જ્યારે યુદ્ધકેદીઓ તરીકે શરણે થયા ત્યારે અમારી પ્રત્યે પણ એવાજ વર્તાવની આશા રાખેલી.

હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે લડેલી આ૦ હિં૦ ફો૦એ જેવી મુસીબતો સહન કરી છે તેવી કોઇ ભાડૂતી કે પૂતળા લશ્કરથી ન સહી શકાઇ હોત. લડાઈમાં ભાગ લીધાને હું ઇન્કાર નથી કરતો. પણ, પોતાના દેશની સ્વાધીનતા ખાતર સુધરેલી લડાઇના કાનૂનોને