પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૩ ]


મારા જ અનેક કુટુંબીજનો કે જેમને હું મારા મતે કદી પલટાવી શકું તેમ હતો નહિ. એમની સામે લડવાને એ નિર્ણય હતો. મારું કુટુંબ અને મારું કુળ હિંદમાંના વિશિષ્ટાધિકારો માણતા વર્ગમાંનાં હતાં. એ બધા સમૃદ્ધ અને સંતોષી હતા. ખરી રીતે તો મારા આ૦ હિં૦ ફો૦ માં જોડાવાથી એમને સહન કરવું પડે તેમ હતું.

બીજી બાજુ, અંગ્રેજોને હાથે જે નિર્દયપણે શોષાઇ રહ્યાં છે, અને આ શેાષણ સહેલું બનાવવા માટે જેમને જાણી જોઈને અભણ અને અજ્ઞાની રાખવામાં આવે છે એ ભૂખ્યાં કરોડોનો વિચાર મેં કર્યો, ત્યારે અન્યાય ઉપર રચાયેલા હિંદમાંના રાજતંત્ર માટે મારા દિલમાં અત્યંત ધિક્કારભાવ પેદા થયો. આ અન્યાયને દૂર કરવા માટે મારું સર્વસ્વ - મારી જિંદગી, મારું ઘર, મારુ કુટુંબ અને મારી કુલપરંપરા હોમી દેવાનો મેં નિશ્ચય કર્યો.

મારો ભાઈ મારા માર્ગમાં ઊભો રહે તો એની સામે પણ લડવાનું મેં નક્કી કર્યું. અને તે પછી ૧૯૪૪માં જે યુદ્ધ ખરેખર લડાયું તેમાં અમે એકબીજાની સામે લડ્યા હતા. એમાં એ જખમી બન્યો હતો. ચિન ટેકરીઓમાં બે મહિના સુધી રોજેરોજ હું અને મારા પિત્રાઈ સામસામા લડી રહ્યા હતા.

ટૂંકમાં મારી સામે “રાજધર્મ કે રાષ્ટ્રધર્મ ?” એ સવાલ હતો. મારા રાષ્ટ્રને વફાદાર રહેવાનું મેં નક્કી કર્યું, અને નેતાજીને મેં મારા ઇમાનનો કોલ દીધો કે દેશને ખાતર હું મારી જાતનું બલિદાન આપીશ.

બીજી જે એક વાતે મને હંમેશા પરેશાન કરી મૂક્યો હતો તે છે હિંદી અને બ્રિટિશ સિપાહીઓ સાથેના વર્તાવમાંનો ભેદભાવ, મેં મારી નજરે જોયેલું છે કે લડવાને લાગેવળગે છે ત્યાંસુધી એ બે વચ્ચે કોઇ તફાવત નથી. પોતાના છેલ્લા શ્વાસ સુધી હિંદી સિપાહી