પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવતું તોફન
 


સમુદ્ર શાંત હતો. પશ્ચિમોધિ સપાટ કાચનું પડ બની ગયો હતો. સૂર્ય ઘણો નમી ગયો હતો; પરંતુ હજી આથમવાની વાર હતી. સ્થિર સમુદ્રમાં તે પોતાનું મુખ નિહાળતો નીચે ઊતર્યે જ જતો હતો. જાણે કોઈ તપતેજસ્વી પ્રકાશિત આત્મા ગહનતામાં લીન થતા પહેલાં એ ગહનતાને નિહાળી રહ્યો ન હોય ? સમુદ્રની ગહનતા પણ એ પ્રકાશરાશિને નિહાળી પ્રસન્ન બનતી હતી. ગહનતામાંથી અણધારી ઉત્પત્તિ અને ગહનતામાં લય : એ સૃષ્ટિનો ક્રમ. છતાં પ્રકાશપુંજને નિહાળી ગહનતા પણ પ્રસન્ન થાય છે. સમુદ્ર સૂર્યપ્રકાશને ઝીલી તેજબિંબ અને તેજરેખાઓ પાડી રહ્યો હતો. સમુદ્ર ચકચક થતો હતો. સમુદ્ર અને સૂર્ય : બંને એકાકી મહાસત્ત્વો. બંને પર- સ્પરને એકીનજરે નિહાળી રહ્યાં હતાં. પરંતુ જલધિનાં જલ સહજ અસ્થિર બન્યાં. પ્રકાશ આછો આછો ઊછળવા માંડ્યો. કિનારે કિનારે એક નાનકડી હોડી ધીમી ધીમી આવી રહી હતી. સમુદ્રના અગાધ જલમાં એ હોડી કણ જેટલી પણ લાગતી ન હતી. માત્ર સમુદ્રને મર્યાદિત કરતા કિનારાનો આશ્રય એ હોડીને સજીવ બનાવી રહ્યો હતો. ક્ષણજીવી લીસોટા પાડતી હોડીનો સઢ ખુલ્લો હતો. પવન પડી ગયો હતો. ભૂલ્યેચૂક્યે પવનની કોઈ ફૂંક સઢમાં ભરાય અને હોડીને વેગ આપે એ આશયથી સઢ ચડાવેલો લાગતો હતો. નિર્માલ્ય પ્રજાના જીવન સરખો સઢ ઢીલો, ચૂંથાયલો, કરચલીભર્યો, હોડીને ભારરૂપ બની એક બાજુએ નમાવી રહ્યો હતો. હોડીના સુકાનને દાબી બેઠેલો પુરુષ બંને હાથે ધીમે ધીમે હલેસાં મારતો હતો. સામે બીજો પુરુષ બેઠો હતો. તેણે હાથમાં હલેસાંના દાંડા પકડેલા હતા, પરંતુ તે હલેસાં મારતો નહોતો. તેની દૃષ્ટિ કિનારા તરફ નહોતી; તે આથમતા સૂર્યને - નહિ, આકાશમાં ભળી જતી સમુદ્રકોરને - ક્ષિતિજને નિહાળી રહી હતી. હોડી અટકી. સુકાનીએ હલેસાં મારવાં બંધ કર્યાં, અને વજનદાર લંગર ઉપાડી દૂર ફેંક્યું. પાણીમાં આછો ધબાકો થયો, હોડી નમી, અટકી