પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધન : ૬
 

બંધનમાં 'આટલું બધું હસો છો ?' ક્ષમાએ ઝંખવાઈને કહ્યું, નાગકન્યાનું મુક્ત હાસ્ય આકર્ષક છતાં ભયપ્રદ હતું. શું કહેવું તેની સમજ ન પડવાથી ક્ષમાએ નાગકન્યાના હાસ્યનો વિરોધ કર્યો. ‘અમે જેમ દેહને ઢાંકતાં નથી તેમ હૃદયને પણ ઢાંકતાં નથી.’ નાગ કન્યા બોલી. ‘એટલે ?’ ‘અમારા દેહને હૃદયનું પ્રતિબિંબ બનાવીએ છીએ.’ ‘કેવી રીતે ?’ ‘હસવું આવે તો ખૂબ હસીએ. રડવું આવે તો ખૂબ રડીએ. અમારે હૃદયમાં તેમ જ દેહમાં કાંઈ છુપાવવા સરખું હોતું નથી. ‘અસભ્યતા - અશિષ્ટતાની નિશાની. ‘અમે ભલે અસભ્ય હોઈએ, પણ આટલાં બધાં વસ્ત્રો શાં ? ચાલો, કાઢી નાખો.' કહી નાગકન્યાએ ક્ષમાને ઊભી કરી, અને તેનું શિરસ્ત્રાણ ખેંચી લીધું. સોનેરી લાંબા વાળ ક્ષમાના ખભા ઉપર ઝઝૂમી રહ્યા. ‘સૈનિક છો ?’ નાગકન્યાએ પૂછ્યું. ‘સેનાપતિ છું.’ ક્ષમાએ કહ્યું. ‘આવા લાંબા વાળ યુદ્ધમાં ફાવે છે ?’ ‘હજી હરકત નથી આવી.’ ‘તરતાં આવડે છે ?' ‘હું નૌકાસૈન્યપતિ છું. રોમનને એ પ્રશ્ન જ ન હોય.’ ‘ત્યારે તો ઘણું સારું.’ કહી નાગકન્યાએ ક્ષમાને અચાનક ધક્કો માર્યો. કાંઈ પણ વિચાર કરે તે પહેલાં તો ક્ષમા પાણીમાં ગૂંગળાતી સપાટી ઉપર આવી અને પહેરેલે વસ્ત્ર તરવા લાગી. નાગકન્યા તેની પાસે જ તરતી હતી. ‘સારું તરો છો.’ નાગકન્યાએ કહ્યું. ‘કપડાં સાથે તે ફાવે ?’ ક્ષમા બોલી.