પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૦. આર. સી. ઍલેકઝાન્ડરને પત્ર [ડરબનના ટોળાએ ગાંધીજી પર હુમલો કર્યો ત્યારે તેમનું રક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું હતું અને તેમને કેવી રીતે છોડાવવામાં આવ્યા હતા તેનું વર્ણન આત્મા (પૃ. ૨૬૧-૨૬૬)માં આપેલું છે. જાન્યુઆરી ૨૨, ૧૮૯૭ના રોજ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને તેની પત્નીએ લખેલા પત્રો (એસ. એન. ૧૯૩૮ અને એસ. એન. ૧૯૩૯) પરથી જણાય છે કે ગાંધીજીએ એમનો આભાર માનીને તેમને અંગત ભેટો મોકલી હતી. ગાંધીજીએ તેમને લખેલા પત્રો કમભાગ્યે અપ્રાપ્ય છે. આ અને આના પછીનો પત્ર મળે છે. આ પત્રોનો મુસદ્દો હિંદી કોમ તરફથી તેમણે જ ઘડયો હોય એમ જણાય છે.] શ્રી આર. સી. ઍલેકઝાન્ડર, સુપરિન્ટેન્ડેન્ટ, નગર પોલીસ ડરબન સાહેબ, ડરબન, માર્ચ ૨૪, ૧૮૯૭ અમે નીચે સહી કરનાર, આ સંસ્થાનમાં વસતી હિંદી કોમના પ્રતિનિધિઓ, આ પત્ર સાથે યોગ્ય કોતરણી કરેલું એક સોનાનું ઘડિયાળ ભેટ ધરવાની રજા લઈએ છીએ. તા. ૧૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ આપે અને આપની પોલીસે જે ઉત્તમ રીતે વ્યવસ્થા જાળવી, અને અમે જેમને ચાહવામાં આનંદ માણીએ છીએ એવા એક જણની જિંદગી બચાવવામાં નિમિત્ત બન્યા, તેની આભાર સહિત કદર બૂજવા એ ભેટ ધરીએ છીએ. અમને ખબર છે કે, આપના અભિપ્રાય મુજબ, આપે જે કર્યું તે આપની ફરજથી કાંઈ વિશેષ ન હતું; પરંતુ અમે માનીએ છીએ કે તે અસાધારણ સમયે આપે કરેલા મહત્ત્વના કાર્યની કોઈક રીતે, નમ્રતાપૂર્વક કદર નહીં કરીએ તો અમે ખૂબ જ કૃતઘ્ન થયેલા ગણાઈએ. ઉપરાંત, તે જ કારણથી અમે આ સાથે ૧૦ પાઉન્ડની રકમ મોકલીએ છીએ તે આપના પોલીસદળ પૈકી જેમણે તે પ્રસંગે મદદ કરી હતી તેમને વહેંચવા માટે છે. અમે છીએ, ઇત્યાદિ. સહી વિનાની અંગ્રેજી હસ્તલિખિત નકલની છબી પરથી: એસ. એન. ૨૧૪૯. ૧. જીએ પ્રવેશક નોંધ, પા, ૧૨૧.