પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

નિયમિત સમયનું વચન મારાથી કેમ આપી શકાય વારુ? કારણ કે, પરતંત્ર છું.”

મુરાદેવી આ ભાષણ કરતી હતી, એટલામાં તો ખરેખર તેને મહારાજાનું આમંત્રણ આવ્યું. તે ઊતાવળી ઊતાવળી ત્યાંથી ચાલતી થઈ. જતાં જતાં વૃન્દમાલાને તેણે કહ્યું કે, “મારા કહેવા પ્રમાણે તે બ્રાહ્મણને અહીં યજ્ઞશાળામાં જ આવીને રહેવાનું કહેજે, એટલે સરળતા થશે.” એમ કહીને તે ચાલી ગઈ.

પોતાની સ્વામિનીની એ આજ્ઞા સાંભળતાં જ વૃન્દમાલાના હૃદયમાં ઘણો જ હર્ષ થયો. હવે આ બધા ભેદને જાણવાનો ઘણો જ સારો લાગ મળશે, એમ તેને ભાસવા લાગ્યું. બીજે જ દિવસે તેણે ચાણક્ય પાસે જવાની તૈયારી કરી અને તત્કાળ ત્યાં પહોંચી પણ ગઈ. માર્ગમાં જતાં જતાં “આ બધી વાર્તા મારે વસુભૂતિને કહેવી કે નહિ ?” એ વિશેનો વિચાર તેના મનમાં આવ્યા જ કરતો હતો. એ ભેદ વસુભૂતિને કહેવાની ચાણક્યની તો સાફ ના જ હતી; માટે હવે શું કરવું? એવી મનોવ્યથામાં ને મનોવ્યથામાં તે વસુભૂતિના વિહારમાં આવી પહોંચી. આ સમયે અહીં કેમ આવી? એવો જો વસુભૂતિ પ્રશ્ન કરે, તો તેનું ઉત્તર શું આપવું, એની તેને બહુ જ ચિન્તા થઈ પડી; પણ કર્મ ધર્મ સંયોગે તેને એ પ્રસંગ પ્રાપ્ત ન થયો. વસુભૂતિ ભિક્ષા માટે નગરમાં ગએલો હતો અને સિદ્ધાર્થક પણ વિહારમાં હતો નહિ. એટલે એક પ્રકારની વેદના ઓછી થતાં તે તે જ પળે શ્રી કૈલાસનાથના મંદિરમાં જઈ પહોંચી.

આર્ય ચાણક્ય પોતાનાં પ્રાત:કર્મોની સમાપ્તિ કરીને થોડી જ વારથી કાંઈક વિચાર કરતો બેઠો હતો, એટલામાં વૃન્દમાલા ત્યાં આવીને કહેવા લાગી કે, “બ્રહ્મવર્ય ! તમને મુરાદેવીએ તમારા બધા સામાન સાથે જ ત્યાં બોલાવ્યા છે. ત્યાં યજ્ઞશાળામાં જ તમારા નિવાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે, અને જ્યારે પ્રસંગ મળશે, ત્યારે દેવી તમારાથી વાતચિત કરવા અને પોતાના પિતૃગૃહના સમાચાર સાંભળવા માટે પધારશે.” એ સાંભળીને ચાણક્ય જાણે આશ્વર્યચકિત થઈ ગયો હોયની ! એવો ભાવ તેણે દેખાડ્યો; પરંતુ ખરેખર કાંઈ તેને વિશેષ આશ્ચર્ય થયું નહોતું આશ્ચર્ય લાગ્યું હોય, તો તે પોતાને ત્યાં રહેવા માટે કહેવામાં આવ્યું તેનું જ. મુરાદેવી સાથે મેળાપ થશે કે નહિ, એની તેને જરાપણ શંકા હતી નહિ. પરંતુ યજ્ઞશાળામાં નિવાસ કરવાની આજ્ઞા સાંભળતાં જ પોતાની ધારણાથી પણ પોતાના કાર્યમાં વિશેષ સફળતા થતી તેના જોવામાં આવી.