પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પરાક્રમ મેં કર્યો છે, તેથી વધારે પરાક્રમ તમારો છે. ગમે તેમ હો, પણ મિત્રો ! આ નિધિ - આ દ્રવ્ય આપણે હાલ તો જેમનું તેમ સંતાડી રાખીશું અને ગુરુજી આવશે એટલે એ ગુરુદક્ષિણા તેમનાં ચરણમાં અપર્ણ કરીશું, કેમ એ વિચારમાં તમે મને મળતા છો ને?” ચંદ્રગુપ્ત પોતાની નિરભિમાનતાનું દર્શન કરાવ્યું.

“મળતા એટલે ? ચન્દ્રગુપ્ત ! આજે તું આવા પ્રશ્ન તે કેમ કરે છે? આ બધી ગુરુ દક્ષિણા જ છે, આપણો એમાં અધિકાર નથી.” સર્વ શિષ્યોએ તત્કાળ અનુમોદન આપતાં પોકાર કરીને કહ્યું.

પરાક્રમ, નિધિ અને દ્રવ્ય એ શબ્દો સાંભળતાં જ ચાણક્ય એકાએક આશ્ચર્યચકિત થઈ ગયો. “એ બાળકોએ પરાક્રમ કરીને ક્યાંકથી નિધિ મેળવ્યો છે કે શું? જો એમ જ હોય, તો મારે એ બધાને ખરેખર ધન્યવાદ આપવા જ જોઈએ” એવો મનમાં નિશ્ચય કરીને ચાણક્ય આગળ વધ્યો. “જે વેળાએ દ્રવ્યની આટલી બધી આવશ્યકતા છે, તેવા સમયમાં જે આ બાળવીરોએ કોઈ પણ પરાક્રમથી કોઈ શત્રુને જિતીને જો ધન સંપાદન કર્યું હોય, તો અર્ધ કાર્ય તો પાર પડ્યું જ સમજવું ?” તે શિષ્યો પાસે આવી પહોંચ્યો, અને આવતાં જ “વત્સો ! ચિરાયુ થાઓ. તમારી આ મારા પ્રત્યેની પ્રીતિને જોઈને હું ઘણો જ સંતુષ્ટ થયો છું - એ આનંદનું મારાથી વર્ણન કરી નથી શકાતું,” તેણે એવો આશીર્વાદ આપ્યો. એટલામાં તે બાળકોના મધ્ય ભાગમાં પડેલો સોનાના સિક્કાનો મોટો ઢગલો તેના જોવામાં આવ્યો. તેનાં નેત્રો એકદમ અંજાઈ ગયા જેવું તેના મનમાં થઈ ગયું. ગુરુજીના સંબંધમાં જ વાતચિત ચાલતી હતી, એટલામાં ગુરુજી પોતે જ આવી પહોંચ્યા, એ જોઈને સર્વ શિષ્યોને આશ્ચર્ય અને આનંદનો એક સમયાવચ્છેદે આઘાત થયો. એ આશ્ચર્યની કાંઈક ન્યૂનતા થતાં સર્વ શિષ્યોએ ધણા જ ભક્તિભાવથી ચાણક્યને સાષ્ટાંગ ચરણવંદન કર્યું એકે લાવીને આસન બિછાવ્યું અને બીજાએ ગુરુજીને તેનાપર બેસવાની વિજ્ઞપ્તિ કરી. તેના બેસવા પછી વીરવત નામને એક શિષ્ય તત્કાળ ચાણક્યને કહેવા લાગ્યો કે, “ગુરુમહારાજ ! આજે આ ચન્દ્રગુપ્ત પાંચ સાતસો ગ્રીક યવનોપર હલ્લો કરીને તેમનો પરાજય કરેલો છે. કેટલાક મરણ શરણ થયા અને કેટલાક જીવ લઈને ન્હાસી ગયા હતા. આ ચાર પાંચ યવનો અમારા હાથમાં જીવતા જાગતા આવી ગયા છે, તેમને અમે બાંધીને અહીં લઈ આવ્યા છીએ. કોઈના રાજ્યમાં પ્રવેશ કરી ત્યાંની ગરીબ પ્રજાને લૂટી, આ લૂટનો માલ તેઓ પોતાના રાજા સલૂક્ષસ નિકત્તરને મોકલતા