પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
આત્મબલિદાન.

અને એ જ મારું પ્રાયશ્ચિત્ત. લોકોને ખરી બીનાની ખબર પડી, એટલે તને અને તેં જેને પોતાના આશ્રયમાં લીધો છે તે મારા પુત્રને, પણ યોગ્ય શાસન તેઓ આપશે જ. એ શાસન મળ્યું એટલે મારા જેવી એક ચાંડાલિનીના ઉદરમાંથી જન્મ લેવાના તેના પાતકનું ક્ષાલન થઈ જશે.”

એટલું કહીને તેણે પોતાના મુખપરથી બુર્ખાને કાઢી નાંખ્યો. એ ક્ષણે તેની મુખમુદ્રા કોઈ ક્રૂર દેવતા સમાન દેખાતી હતી. તે એકાએક કર્કશ સ્વર કાઢીને કહેવા લાગી કે, “લોકો ! સાંભળો ! આ અત્યંત ભયંકર સંહાર અમાત્ય રાક્ષસના પ્રપંચથી થએલો.........….….”

પરંતુ આર્ય ચાણક્યે સંકેત સૂચન કરવાથી કહો કે પહેરેગીરોને જ એથી કાંઈક ભય થયું હોય તેથી કહો, એક પહેરેગીર તેને પાછળ હટાવવા માટે તેના શરીરપર ધસી ગયો. તે પાછળ પણ હટી નહિ અને તેનું કાંઈ તેણે સાંભળ્યું પણ નહિ. એટલામાં તેણે એમ જોયું કે, “ચાણક્યે ઈશારત કરવાથી બે ચાર ભિલ્લો મને અહીંથી ઉપાડી જવા માટે ભીડમાંથી મારા અંગપર ધસી આવે છે. જો એ લોકો મને પકડીને ક્યાંક લઈ જશે, તો પાછી હું મોહમાં ફસાઈ પડીશ. ચાણક્ય સમક્ષ મારી ચતુરતા કશી પણ ચાલવાની નથી. એના કરતાં મારા પાતકનું ક્ષાલન કરવા માટે આ ખાડામાં ઝોકાવી પ્રાણ અર્પણ કરવા, એ જ વધારે સારું છે. એજ ખરું પ્રાયશ્ચિત્ત.” એવો વિચાર કરીને તે ઠેઠ ખાડાના મોઢાપર જઈને ઉભી રહી અને “દુષ્ટ ચાણક્ય ! આ પાતકના પ્રભાવથી તું જન્મો જન્મ દૈત્ય થઈશ. હું તો પ્રાણ આપીને સતી થાઉં છું -પ્રણામ.” એમ કહીને તેણે તે જ ક્ષણે તે ઊંડા ખાડામાં ભૂસ્કો માર્યો - તે અદૃશ્ય થઈ ગઈ.

ખાડો ઘણો જ ઊંડો હતો અને તેમાં ઉપરથી જે કોઈ પણ પડે, તેને યમધામમાં મોકલી આપવા માટે ચાણક્યે ભિલ્લોને તૈયાર રાખ્યા હતા. પરંતુ મુરાદેવીને મારી નાંખવાનો કોઈને પણ શ્રમ લેવો પડ્યો નહિ. તેના દેહાંત પ્રાયશ્ચિત્તના નિશ્ચયને પરમેશ્વરે જ પાર પાડી દીધો - પડતાં જ તેના પ્રાણ પ્રયાણ કરી ગયા.

એ હાહાકાર થવાના થોડા વખત પહેલાં જ અમાત્ય રાક્ષસ એકાએક બીજે સ્થળે ચાલ્યો ગયો હતો, એ તો વાચકો જાણી ચૂક્યા છે. તેને જે ચિઠ્ઠી આપવામાં આવી હતી, તેમાં માત્ર એટલું જ લખેલું હતું કે, “આ૫ તો આ સમારંભમાં ગુંથાયા છો, પણ પાટલિપુત્રને પર્વતેશ્વરે ઘેરો ઘાલ્યો છે તેનો શો ઉપાય કરવો?” એ પત્રિકા વાંચતાં જ “આ શો ગોટાળો છે, તે જોવો જ જોઇએ. મહારાજાની સવારી નીકળી છે,