પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
પર્વતેશ્વર પકડાયો.


જે પત્રના પરિણામે મૂઢ પર્વતેશ્વર આટલી બધી ઊતાવળથી આવી પાટલિપુત્રને ઘેરો નાંખી બેઠો હતો, તે પત્ર પણ આર્ય ચાણક્યે જ રાક્ષસના નામે તૈયાર કરીને મોકલ્યું હતું, એ રહસ્ય ચતુર વાચકો જાણી જ ગયા હશે. એ પત્રપર પણ પૂર્વ પ્રમાણે રાક્ષસની મુદ્રા ઇત્યાદિ સર્વ ચિન્હો હતાં અને તે પર્વતેશ્વરના હાથમાં એવા અણીના સમયે આવ્યું હતું કે, નકામી શંકાઓ કાઢીને વેળા વીતાડવાનો તેને અવકાશ જ હતો નહિ. બે માર્ગ હતા, કાં તો પત્ર પ્રમાણે વર્તવું ને કાં તો પોતાની મેળે આવેલો અવસર વ્યર્થ જવા દેવો. પરંતુ ઘણા દિવસની ઇચ્છા તૃપ્ત થવાની વેળા આવી લાગી હોય, તેને વ્યર્થ કોણ જવાદે વારુ ? અર્થાત્ ઊપર કહ્યા પ્રમાણે પર્વતેશ્વરે સૈન્યસહિત આવીને પાટલિપુત્રને ઘેરી લીધું અને ભાગુરાયણ પોતાનું સૈન્ય લાવીને આપણને પાટલિપુત્રમાં લઈ જશે તથા રાક્ષસ અને તે આપણો જયજયકાર ધ્વનિકરીને આપણને સિંહાસને બેસાડશે, એની વાટ જોતો તે બેઠો. એના મનમાં ઘણી જ મોટી આશા વસી રહેલી હતી; પરંતુ એ આશા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ. પાટલિપુત્રના દુર્ગપરથી તેના સૈન્ય પર એકાએક મારો શરુ થયો. પોતાની સહાયતા માટે સૈન્ય આવવાનું એક બાજુએ રહીને વિરુદ્ધ પક્ષે દુર્ગપરથી પોતાપર બાણ, શતધ્ની, ભુશુંડી અને યંત્રો તથા મહાયંત્રોમાંથી વિમુક્ત થએલી પાષાણવૃષ્ટિનો એકસરખો મારો શરુ થએલો જોઈને પર્વતેશ્વર અને તેના સૈનિકો ઘણા જ ગભરાઈ ગયા. “અમાત્ય રાક્ષસે વિશ્વાસધાત તો નથી કર્યો? હું તેના રાજાનો દ્વેષ કરું છું અને મગધદેશનું રાજ્ય લેવાની ઇચ્છા રાખું છું એથી આવી રીતે મારા પર તેણે પોતાનું વેર તો નહિ વાળ્યું હોય ?” એવી શંકા આવી, તેથી પર્વતેશ્વરને પોતાની ભોળાઈ માટે ઘણું જ માઠું લાગવા માંડ્યું, “અમાત્ય રાક્ષસ ઘણો જ સ્વામિભક્ત કહેવાય છે. તે પોતે એકાએક સ્વામિ દ્રોહ કરવાને તત્પર થયો અને તેણે આવીરીતે મને બોલાવ્યો. એમાં કાંઈ પણ ભેદ હોવો જોઈએ, એવી શંકા મારે પ્રથમ જ કરવાની હતી. અને તે શંકાને દૂર કરવામાટે ગમે તે પ્રયત્ન કરીને મારા ગુપ્ત રાજદૂતોને મોકલીને ખરી બીના શી છે, તે મારે જાણવી જોઈતી હતી, પરંતુ એ જાણવાનો મેં જરા જેટલો પણ યત્ન કર્યો નહિ, એ મારી કેટલી બધી મૂર્ખતા ? રાક્ષસ જેવાં સ્વામિભક્ત અમાત્ય એવું પત્ર લખે જ કેમ ? અને કદાચિત્ લખ્યું હોય, તો તે તેણે જ લખ્યું છે કે નહિ, એની ખાત્રી કરવી જોઈતી હતી, પરંતુ મારા મનમાં એની શંકા માત્રપણ આવી નહિ ને જે થોડી ઘણી આવી, તેને તત્કાલ મેં દૂર કરી દીધી. અર્થાત્ આ ઘણું જ અવિચારનું કાર્ય કરીને મારે હાથે જ મેં મારા શિરે સંકટની વર્ષા વર્ષાવી