પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લિંકનનું ગૅટિઝબર્ગ પ્રવચન


આંતરવિગ્રહ દરમિયાન, ૧૮૬૩માં, ગૅટિઝબર્ગની લડાઈ પૂરી થઈ તે પછી જ્યારે એ યુદ્ધક્ષેત્રને રાષ્ટ્રીય કબ્રસ્તાન તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે, પ્રમુખ લિંકને નીચેના શબ્દો ઉચ્ચરેલા. યુનાઈટેડ સ્ટેઈટ્સની ભાવનાના દ્યોતક તરીકે એ શબ્દો કાયમ માટે જીવંત રહેશે.

૮૭ વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ આ ખંડની ધરતી પર, સ્વાતંત્ર્યમાં વિકસેલું અને સર્વ માનવીઓને સમાન સર્જવામાં આવ્યા છે એ સૂત્રને વરેલું નૂતન રાષ્ટ્ર સર્જ્યું.

“અત્યારે આપણે આન્તરવિગ્રહમાં ગૂંથાયેલા છીએ અને આ રાષ્ટ્ર કે એવી રીતે ઉદ્‌ભવેલું અને એવા સૂત્રને વરેલું કોઈ પણ રાષ્ટ્ર દીર્ઘકાળ સુધી ટકી શકે કે નહિ તેની કસોટી કરી રહ્યા છીએ. એ વિગ્રહની મહાન રણુભૂમિ ઉપર આપણે એકત્ર થયા છીએ. રાષ્ટ્ર જીવંત રહે એ ખાતર અહીં જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ લોકોને માટે અંતિમ વિશ્રામસ્થાન તરીકે આ રણભૂમિના એક ભાગને અર્પણ કરવા માટે આપણે આવ્યા છીએ. આપણે એમ કરીએ એ સર્વથા ઉચિત અને યોગ્ય છે.

“પણ વધુ વિશાળ અર્થમાં જોઈએ તો આપણે આ ભૂમિને અર્પિત કરી શકીએ નહિ, પવિત્ર બનાવી શકીએ નહિ, વિશુદ્ધ કરી શકીએ નહિ. જેઓએ અહીં લડત આપી તે જીવંત અને મૃત નરવીરોએ એને એટલી વિશુદ્ધ બનાવી દીધી છે કે તેમાં હવે કોઈ વૃદ્ધિ કે ઘટાડો કરવાનું આપણી પામર શક્તિની બહારની વસ્તુ છે. આપણે અહીં જે વચનો ઉચ્ચારીએ છીએ તેને દુનિયા ભાગ્યે જ નોંધમાં લેશે કે લાંબા સમય સુધી યાદ રાખશે; પણ આ વીરનરોએ અહીં જે કાર્ય કર્યું છે તેને દુનિયા કદી વીસરી શકશે નહિ. અહીં લડત આપીને જેઓએ આ કાર્ય ઉમદા રીતે આટલું આગળ વધાર્યું છે તેમના અધૂરા રહેલા કર્તવ્યને જીવન સમર્પણ કરવું એ આપણું—જેઓ જીવંત છે તેમનું—કર્તવ્ય છે; આપણી સમક્ષ રહેલા આ મહાન કાર્યને આપણું સમગ્ર અર્પણ કરવું એ આપણી જ ફરજ છે, જેથી જે આદર્શને માટે આ આદરણીય મૃતાત્માઓએ પોતાની શ્રદ્ધા અને નિષ્ઠાનું અંતિમ બુંદ અર્પી દીધું તે આદર્શને માટે આપણે વધુ નિષ્ઠાવાન બનીએ, જેથી આપણે અહીં સંકલ્પ કરીએ કે જેઓ અહીં અવસાન પામ્યા છે તેમનું મૃત્યુ મિથ્યા ન થાય; જેથી ઈશ્વરની કરુણા નીચે આ રાષ્ટ્ર સ્વાતંત્ર્યનો નવજન્મ પામે; અને જેથી જનતાની, જનતા દ્વારા ચાલતી, જનતાને માટે ચાલતી આ સરકારનો પૃથ્વી પરથી અંત ન આવે.”