લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અમને કોઈ ક્હે

અમને કોઈ ક્હે, વૈષ્ણવ થાવ, વૈષ્ણવરૂપ અમે;
કૃષ્ણ રાધારાણી રાજ કરે, જુઓ હ્રદયે તમે. ટેક૦.

અમને કોઈ ક્હે રામજી થાવ, રામજી રૂપ અમે;
રમે સીતા રામજી પાસે, બીજો શેણે ગમે? -અમને

અમને કોઈ ક્હે વામન થાવ, વામનરૂપ અમે,
દમી ઈંદ્રિયો સર્વત્ર, દાન લેવું ન ગમે. -અમને

અમને કોઈ ક્હે વિષ્ણુ થાવ, તેનું રૂપ અમે,
અમે આસન કીધું એક, ઠેર ઠેર કોણ ભમે? -અમને

અમને કોઈ ક્હે બ્રહ્મા થાવ, બ્રહ્મારૂપ અમે,
કામ કરવું છોડ્યું જાણ, માટી ચૂંથું ક્યમે? -અમને

અમને કોઈ ક્હે શંકર થાવ, શંકરરૂપ અમે,
વ્યસન લાગ્યું બ્રહમ્, વિજયા કેમ ગમે? -અમને

અમને કોઈ ક્હે ઈંદ્ર થાવ, ઈંદ્રરૂપ અમે;
પામ્યા બ્રહ્મપદનું રાજ્ય, ઘાવ તો કોણ ખમે? -અમને

અમને કોઈ ક્હે કુબેર થાવ, કુબેરરૂપ અમે;
સાચવું બ્રહ્મકોઠાર, સુખડી સંત જમે. -અમને

અમને કોઈ ક્હે સૂરજ થાવ, સૂરજ રૂપ અમે;
થયો ગ્યાન કેરો પ્રકાશ નભમાં કુણ ભમે? -અમને

અમને કોઈ ક્હે જોગી થાવ, તે તો થયા અમે,
નિરાંતે વાસના મારી સર્વે, જોગીને જે જે ગમે. -અમને