લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



વર્ષાની એક સુંદર સાંજ

વર્ષાની એક સુંદર સાંજ

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

શાન્તિ ! શાન્તિ ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,
અંધારી નીરવપદ ગિરિશૃંગથી જો ઊડી આ !
ઊંચો દીપે ઘુમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો,
જેમાં મુક્તાતુરણ-ભગણે આપની અભ્રમાળો.

બેઠો બેઠો સખીસહિત હું માલતીમંડપે જ્યાં,
ધારા જોતો, શ્રવણ ભરતો નૃત્યથી બુદબુદોનાં;
ત્યાં ગઈ ધારા, શમી પણ ગયા બુદબુદો, ને નિહાળ્યા
શૈલો, વચ્ચે સર નભ સમું, મસ્તકે અભ્ર તારા.

ને કોરેથી સલિલ ફરક્યું, શુભ્ર ચળક્યું, અને જ્યાં
વૃક્ષો ટીપાં ટપકી ન રહ્યાં ડાળીઓનાં ભૂમિમાં,
ત્યાં એ નીલું સર લસી રહ્યું દિવ્ય ઝાંયે રસેલું,
પાછું જોતાં, ગિરિ પર સુધાનાથ હાસે મધુરું!

"વ્હાલા, જોયું?" વદી તું સહી ત્યાં ચંદ્રને દૃશ્યસાર,
ટહુકો તારો, અલિ, સર ગિરિ વ્યોમ ગુંજ્યો રસાળ !