ન્હાના ન્હાના રાસ/પુનમની પગલીઓ
સખિ ! જોને ગગનને ગોખ રે પુનમની પાંખડીઓ,
કાંઈ નગર-નગરને ચોક પુનમની પાંખડીઓ;
સખિ ! સરોવરે પોયણાંને ભાલ રે પુનમની પાંખડીઓ,
કાંઈ તોરણે બાંધી ત્રિલોક પુનમની પાંખડીઓ.
અહો ! અમુલખ અવસર આજ રે પુનમના પડછન્દા,
સુણ સજનિ ! આ ચન્દનીને છોળ પુનમના પડછન્દા;
ત્હારી ઉડન્તી આંખડીને ભાવ રે પુનમના પડછન્દા,
ત્હારા અંગઅંગ કેરે હિન્ડોળ પુનમના પડછન્દા.
આ સરિતાની લહેરે લહેરે રે પુનમની પાંખડીઓ,
કાંઈ સુન્દરી-સુન્દરીને દેહ પુનમની પાંખડીઓ,
વેરે પગલીએ-પગલીએ પ્રાણ રે પુનમની પાંખડીઓ,
કાંઇ નયણેથી નીતરતે નેહ પુનમની પાંખડીઓ.
અને સહિયર સમાણી ! ત્હારે રાસ રે પુનમના પડછન્દા,
ત્હારે તાળી-તાળીને મદશોર પુનમના પડછન્દા,
ત્હારા સૌભાગ્યકંકણે હસન્ત રે પુનમના પડછન્દા,
ત્હારા હૈયાને ટહુકતે મોર પુનમના પડછન્દા.
મ્હારા પિયુજીના હાસને પુંજ રે પુનમની પાંખડીઓ,
મ્હારા નાથની કીકીને કુંજ પુનમની પાંખડીઓ;
મ્હારાં બાલકડાંને કલબોલ રે પુનમના પડછન્દા,
મ્હારા સારા સંસારને કલ્લોલ પુનમના પડછન્દા.
-૦-