આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટૂંપાતી જીભનાં ત્રુટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
સૂના સમદરની પાળે
વીરા ! મારો દેશડો દૂરે,
રે વીરા! મારું ગામડું દૂરે,
વા'લીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી એ
સૂના સમદરની પાળે.
એ ને એંધાણી કે'જે
રે એ ને નિશાનીએ કે'જે,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
સૂના સમદરની પાળે
લીલૂડા લીંબડા હેઠે
રે લીલૂડા લીંબડા હેઠે
ભેળાં થૈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો રે
સૂના સમદરની પાળે.
માંડીને વાતડી કે'જે
રે માંડીને વાતડી કે'જે
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે.
કે'જે સામા પાવ ભીડન્તા
રે કે'જે સામા ઘાવ ઝીલન્તા
ઊભા'તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
સૂના સમદરની પાળે.
કે'જે એવાં જુદ્ધને જોતો
રે કે'જે એવાં જુદ્ધને જોતો
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
સૂના સમદરની પાળે.