મારા કેસરભીના કંથ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ, ઘેરા ઘોરે શંખનાદ
દુંદુભિ બોલે મહારાજના હો, સામંતના જયવાદ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
આંગણ રણધ્વજ રોપિયા હો, કુંજર ડોલે દ્વાર
બંદીજનોની બિરદાવલી હો, ગાજે ગઢ મોઝાર
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
પુર પડે દેશ ડૂલતા હો, ડગમગતી મહોલાત
કીર્તિ કેરી કારમી રાજ, એક અખંડિત ભાત
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
નાથ ચડો રણઘોડલે રે, હું ઘેર રહી ગૂંથીશ
બખ્તર વજ્રની સાંકળી હો, ભરરણમાં પાઠવીશ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
સંગ લેશો તો સાજ સજું હો, માથે ધરું રણમોડ
ખડગને માંડવ ખેલવાં, મારે રણલીલાના કોડ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
આવન્તાં ઝાલીશ બાણને હો, ઢાલે વાળીશ ઘાવ
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં રાજ, ઝીલીશ દુશ્મન દાવ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
એક વાટ રણવાસની રે, બીજી સિંહાસન વાટ
ત્રીજી વાટ શોણિતની સરિતે, હો શૂરના સ્નાનનો ઘાટ
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
જય કલગીએ વળજો પ્રીતમ, ભીંજશું ફાગે ચીર
નહીં તો વીરને આશ્રમ મળશું, હો! સુરગંગાને તીર
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ
રાજમુગુટ રણરાજવી હો, રણઘેલા રણધીર
અધીરો ઘોડીલો થનગને નાથ, વાધો રણે મહાવીર
મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ