પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭


પોતાનો હર્ષ દાબી શક્યા ન હતા અને તેમણે પણ એક ટૂંકું અને બંને પક્ષને અભિનંદન આપનારું ભાષણ કર્યું હતું. ‘તમારી વચ્ચે સમાધાન થાય છે તેથી મને બહુ આનંદ થાય છે. મને સંપૂર્ણ ખાતરી છે કે જ્યાં સુધી તમે ગાંધી સાહેબની સલાહ લેશો અને તેમનું કહેલું કરશો ત્યાં સુધી તમારું ભલું થશે અને તમને ન્યાય મળશે. તમારે યાદીમાં રાખવાનું છે કે તમારે માટે ગાંધી સાહેબે તથા તેમના મદદગાર બાનુઓ અને ગૃહસ્થોએ ખૂબ દુ:ખ વેઠ્યું છે, તસ્દી લીધી છે, તમારા ઉપર પ્રેમ અને દયા બતાવ્યાં છે. એ તમે હમેશાં યાદીમાં રાખશો.’* [૧]

એ જ દિવસે સાંજે રા. અંબાલાલભાઈના બંગલાના વિશાળ આંગણામાં બધા મજુરો ભેગા થયા હતા અને મીલમાલિકોએ તેમને મીઠાઈ વહેંચી હતી. આ પ્રસંગે ગાંધીજીએ અને રા. અંબાલાલભાઇએ જે ઉદ્‌ગાર કાઢ્યા હતા તે મીલમાલિકો અને મજુરો વચ્ચેની આ લડત કેટલી સીધી ચાલી હતી, અને અંતે કેટલી મીઠાશથી બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું તે સંપૂર્ણ રીતે બતાવી આપે છે. રા. અંબાલાલભાઈનાં એક બે વાક્યો બસ થશેઃ ‘આજે ૨૨


  1. *અહીં ભૂલવું ન જોઇએ કે ખેડા સત્યાગ્રહની લડત જ્યારે પૂર રસાકસીએ ચઢી હતી ત્યારે રોષને વશ થઇને આ જ કમિશનર સાહેબે આ ઉદ્‌ગારોને અણછાજતા ઉદ્‌ગારો કાઢ્યા હતા; પણ તેનો સુંદર જવાબ ગાંધીજી જ આપી ચૂક્યા છે, એટલે અહીં તેમાં ઉતરવાની જરૂર નથી. એ એટલું સિદ્ધ કરે છે કે સારામાં સારા અમલદારો પણ ઇજ્જતના ભૂલભરેલા ભાનમાં વિવેક છોડી દેતાં અચકાતા નથી.