લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
અપરાધી
 


બબડતો બબડતો માલુજી બહાર નીકળી ગયો — અને કોઈ દિવસ નહીં ને માત્ર તે જ દિવસે રાતે એણે શિવરાજના ઓરડાનું બારણું જોરથી બંધ કર્યું.

શિવરાજે પહેલી જ વાર મકાનના છાપરા પર માર્મિક નજર કરી : સાચે જ, શું આ ઘર ઘોરખાનું છે ? એણે કાન માંડ્યા : કબ્રસ્તાનના જેવો કોઈ કરૂણ હાહાકાર આંહીંના વાતાવરણમાંથી સંભળાય છે ? આ શૂન્યતા કોઈ ફક્કડ યોગી-તપસ્વીના નિવાસની છે — કે કોઈ સ્વજન-ઝૂરતા રાગભરપૂર રહેઠાણની ? અહીં કોઈ બાળક કેમ રોતું નથી ? આંહીં છોકરાંના કજિયા કેમ ચૂપ છે ? પતિપત્નીના ધમધમાટા આંહીંથી પૃથ્વીના પેટાળમાં ક્યારે સમાઈ ગયા ? હું ને પિતા શું આ ઘરમાં વીશ વર્ષો દરમ્યાન જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રત્યેક ઘરમાં અમે નિર્જનતાને જ વસાવી છે શું ? મારી બા, મારી બહેન, મારાં નાનાં ભાંડુઓ, કૂતરાં ને બિલાડાં, મરઘાં ને બતકો, ચકલી ને ખિસકોલી — કોઈ કરતાં કોઈ કેમ નથી બોલતું ? બધાં એકાએક જ શું બંધ પડી ગયાં ? બધાં એકાએક બહારગામ તો નહીં ચાલ્યાં ગયાં હોય ?

નીંદરમાં શિવરાજ જાણે કે ઘોરખાનાની ઘોર પછી ઘોર ફોળતો ફોળતો ઘૂમતો હતો.

છ મહિના ગયા. શિવરાજે પરીક્ષા પાસ કરી.

“ભાઈને હવે આંહીં આપણા રાજની જ સનંદ લેવરાવોને, સાહેબ !” ગામના શેઠિયાએ આવી સારું લગાડવા માંડ્યું.

“પોતાની જાતનો દુશ્મન હોય તે જ જુવાન પોતાના બાપની છાયાનો આશરો ગોતે.” દેવનારાયણસિંહે શેઠને કહી પુત્રને સંભળાવ્યું.

“પણ આપના ઇન્સાફની કડકાઈ પર કોઈથી થોડો આક્ષેપ થઈ શકે છે ?”

“તમે ભૂલો છો.” દેવનારાયણસિંહે હસીને કહ્યું : “દીકરો વકીલ બનીને સામો ઊભો રહે, ત્યારે જાણ્યેઅજાણ્યે પણ એની બાજુએ ન ઢળી જાય એવું હૈયું લઈને કયો બાપ જન્મ્યો છે આ જગતમાં ?”

“તો ક્યાંક ભલામણપત્ર લખીને નોકરી અપાવો. એમ ભાઈને રઝળતા મૂક્યે કંઈ ચાલે ? એને આમ નહીં ઠેકાણે પાડો તે કાંઈ કામ આવે ? વાડય વગર કાંઈ વેલો ચડે !” શિવરાજ માટેની પોતાની ચિંતા શિવરાજના સગા પિતા કરતાં પણ પોતાને વધુ છે એવું બતાવનાર આ શેઠ એક અપવાદ નહોતા, પણ એવા એક આખા વર્ગના પ્રતિનિધિ હતા.

જવાબો આપવા એ જ્યારે બેવકૂફી જેવું લાગતું ત્યારે દેવનારાયણસિંહ જોરથી હસી લેતા. માણસોની ઢોંગીલી હમદર્દી પર ગરમ બનતા મગજને માથે આ હાસ્ય જ ઠંડા જળની ધાર જેવું બની જતું. એમણે શિવરાજને કહ્યું : “પરીક્ષા પાર કરી એટલે માત્ર પ્રવેશદ્વાર. અંદર પ્રવેશ કરવા પૂર્વેની તાલીમ હજુ તારે કોઈ વકીલની હૂંફે હૂંફે લેવાની છે. એકથી લાખ રૂપિયાનો પણ કેસ લઈને કોઈ આવે તો અડકવાનું નથી, કેમ્પમાં પાટિયું મારવાનું નથી. માત્ર મકાન રાખીને વ્યવહાર-જ્ઞાન મેળવી લે. એક વર્ષ વીત્યે રાજકોટ જઈ પ્રેક્ટિસ માંડજે.”

કેમ્પમાં શિવરાજને મકાન અપાવવા પણ કોઈ ન ગયું. પોતાની મેળે જ એને પોતાનું ફોડી લેવાનું હતું.