પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિર્દોષ આશ્રિત પ્રજાના ધ્વંસ ઉપર કદી એક પણ આંસુ વરસાવ્યું છે ? ઇતિહાસ ના પાડે છે. જાપાનની પ્રજા આ બધી વિગત જાણતી હતી. કોઈ પણ પ્રજાજને આ જુલ્મ સામે આંગળી ઉંચી નથી કરી, તિરસ્કાર નથી પ્રગટ કર્યો. જાપાનની પ્રજા તો ‘મહત્ જાપાન’ નાં સ્વપ્નાં જોતી હતી !

પરંતુ યુરોપી પરદેશીઓ તો ટોળાબંધ કોરીયામાં વસતા હતા. અમેરિકાવાસીઓનો હાહાકાર શું સામે કિનારે પોતાની ભૂમિમાં ન પહોંચ્યો ? આવા દારૂણ ધ્વંસની એક પણ કથની કાં કોઇએ પોતાને ઘેર ન લખી મોકલી ?

કારણ એટલું જ કે ટપાલખાતું ને તારખાનું સરકારના હાથમાં હતું. પત્રવ્યવહાર ઉપર સજ્જડ ચોકી ગોઠવાઈ ગઈ હતી. એક પણ સમાચાર એ ચોકીદારોની નજર ચુકાવી કોરીયાના સીમાડા ન વટાવી શકે. અમેરિકામાં બેઠેલા કોરીયાવાસી પોતાને ઘેર કાગળો લખે એ સરકારી ચોકીદાર ફોડે; એ કાગળમાં સરકારના કારભારને લગતી લગારે હકીકત હોય તો એ કાગળના ધણીને સજા થાય. આની બેવડી અસર થાય. કોરીયાવાસી રાજ્યદ્વારી ખબરો લખતો અટકે, ને પરદેશથી એવા ખબર મેળવતો બંધ થાય. કોરીયામાં વસનારો અમેરિકાવાસી પોતાને દેશ જઈ જાપાની સરકારના સંબંધમાં કશુ ભાષણ કરે, કે લેખ લખે, તો કોરીયન કોન્સલ એ ભાષણ કે લેખ કોરીયા સરકારને મોકલે. પેલો અમેરિકાવાસી પાછો કોરીયામાં આવે એટલે એને કોરીયા છોડી જવાનો આદેશ મળે.

૮૬