પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાન” બનવાની મહત્વાકાંક્ષા હતી. એ મનોરથની આડે જે આવે તેણે ઉખડીજ જવું જોઈએ !

જાપાની એલચીએ જાપાનથી મારાઓ બોલાવ્યા. મારાઓ મ્હેલમાં દાખલ થયા, રાણીને ઠાર કરી, અને રણવાસને આગ લગાડી. વાહ રે વીર્યશાળી જાપાન ! આખી એશિયા માતા જુગજુગાન્તર સુધી એ રમણીના ખૂન ઉપર ગુપ્ત આક્રંદ કરતી રહેશે, ને તને દુવા દેશે !

રાણીનું ખૂન થતાં થઈ ગયું, પણ જાપાન મ્હોંમાં આંગળી ઘાલી મુંઝાતું ઉભું. એ સમાચાર દબાવી રાખવા જાપાની અમલદારોએ કોશીશ કરી. અમેરિકાના એક વર્તમાનપત્રનો ખબરપત્રી તે કાળે કોરીયામાં હતો તેણે અમેરીકા તાર કર્યો, પણ જાપાની સત્તાએ તાર અટકાવ્યો, ને એ ગૃહસ્થને નાણાં પાછા મળ્યાં.

ગમે તે પ્રકારે પણ એ ખબર યુરોપ અમેરિકાને કિનારે પહોંચી ગયા. સુધરેલી દુનિયાને ફોસલાવી લેવા ખાતર એ ખૂન કરાવનારા અધિકારી ઉપર જાપાને કામ ચલાવવાનો તમાશો કર્યો. આરોપી છુટી ગયો. મરેલી એ રાણીને જાપાની સત્તાએ ખૂબ વગોવી. પિશાચને પુજનારૂં જાપાન મૃત્યુની પવિત્રતાને શી રીતે પિછાને ?

રાણી મરાણી, ને રાજા પકડાયો. પરંતુ બંદીવાન રાજાએ ન્હાસીને રૂશીઆનો આશરે લીધો. રૂશીયન રીંછની સામે થવાની જાપાનમાં હિમ્મત નહોતી, એટલે ફરીવાર રૂશીઆ, કોરીયા, અને જાપાન વચ્ચે શરતો થઈ.

૨૫