પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭. રહ્યો

સન ૧૮૯૩ની સાલમાં નાતાલમાં હિંદી કોમના અગ્રગણ્ય નેતા શેઠ હાજી મહમદ હાજી દાદા ગણાતા. સાંપત્તિક સ્થિતિમાં શેઠ અબદુલ્લા હાજી આદમ મુખ્ય હતા, પણ તેઓ તેમ જ બીજા જાહેર કામમાં શેઠ હાજી મહમદને જ પ્રથમ સ્થાન આપતા. એટલે તેમના પ્રમુખપણા નીચે અબદુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઈ. તેમાં ફ્રેંચાઈઝ બિલની સામે થવાનો ઠરાવ થયો. સ્વયંસેવકો નોંધાયા. આ સભામાં નાતાલમાં જન્મેલા હિંદીઓ, એટલે ખ્રિસ્તી જુવાનિયાને પણ એકઠા કર્યા હતા. મિ. પૉલ ડરબનની કોર્ટના દુભાષિયા હતા. મિ. સુભાન ગૉડફ્રે મિશન સ્કૂલના હેડમાસ્તર હતા. તેમણે પણ સભામાં હાજરી આપી, ને તેમની અસરથી તે વર્ગના જુવાનિયા સારી સંખ્યામાં આગળ આવ્યા હતા. આ બધા સ્વયંસેવકો તરીકે જોડાયા. વેપારી તો ઘણા હતા જ. તેમાંના જાણવાજોગ નામ, શેઠ દાઉદ મહમદ, મહમદ કાસમ કમરુદ્દીન, શેઠ આદમજી મિયાંખાન, એ. કોલંદાવેલ્લુ પીલે, સી. લછીરામ, રંગસામી પડિયાચી, આમદ જીવા વગેરે હતા. પારસી રુસ્તમજી તો હોય જ. મહેતા વર્ગમાંથી પારસી માણેકજી, જોશી, નરસીરામ વગેરે, દાદા અબદુલ્લા ઈત્યાદિની મોટી પેઢીઓના નોકરો હતા. આ બધાને જાહેર કામમાં જોડાવાથી આશ્ચર્ય લાગ્યું. આમ જાહેર કામમાં નોતરાવાનો ને ભાગ લેવાનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. આવી પડેલા દુઃખની સામે નીચઊંચ, નાનામોટા, શેઠનોકર, હિંદુ-મુસલમાન, પારસી, ઈસાઈ, ગુજરાતી, મદ્રાસી, સિંધી, વગેરે ભેદ ભુલાઈ ગયા હતા. સહુ હિંદનાં સંતાન અને સેવક હતા.

બિલની બીજી સુનવણી થઈ ગઈ હતી કે થવાની હતી. તે વખતે થયેલાં ધારાસભાનાં ભાષણોમાં એવી ટીકા હતી કે, કાયદો આવો સખત હતો છતાં હિંદીઓ તરફથી કશો વિરોધ નહોતો, તે હિંદી કોમની બેદરકરી અને તેની મતધિકાર ભોગવવાની નાલાયકીનો પુરાવો હતો.

મેં વસ્તુસ્થિતિ સભાને સમજાવી. પ્રથમ કાર્ય તો એ થયું કે ધારાસભાના પ્રમુખને તાર મોકલવો કે તેમણે બિલનો વધુ વિચાર મુલતવી રાખવો. એવો જ તાર મુખ્ય પ્રધાન, સર જૉન રૉબિન્સને પણ મોકલ્યો, ને